Mon Oct 05 2026

Logo

ગરમીના દિવસોમાં ઠંડીનો કહેર કેમ? જાણો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અરબ સાગરની ભેજવાળી હવા વચ્ચેનું આ ખતરનાક કનેક્શન

2026-04-09 13:07:00
Author: Mumbai Samachar Team
ગરમીના દિવસોમાં ઠંડીનો કહેર કેમ? જાણો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અરબ સાગરની ભેજવાળી હવા વચ્ચેનું આ ખતરનાક કનેક્શન

AI Generated Image


નવી દિલ્હી: એપ્રિલ મહિનામાં સામાન્ય રીતે ભારતભરમાં ગરમીનો પ્રકોપ જોવા મળતો હોય છે. પણ આ વર્ષે ચિત્ર કઈક અલગ વર્તાઈ રહ્યું છે. એક મહિનામાં બેવડી જગ્યા પર ત્રણે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. દિલ્હી-NCR સહિત પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં તાપમાનમાં 8 થી 15 ડિગ્રી સેલ્સિયસનો મોટો ઘટાડો જોવા મળ્યો છે. દિલ્હીમાં પારો 21 ડિગ્રી સુધી ગગડી ગયો છે, જે ફેબ્રુઆરી મહિના જેવી ઠંડીનો અનુભવ કરાવી રહ્યો છે. સતત વરસાદ, કરા અને ઠંડા પવનોએ લોકોમાં કુતૂહલ અને ચિંતા બંને જગાવી છે.

ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, આ અસાધારણ ફેરફાર પાછળ એક પછી એક સક્રિય થયેલા બે પાવરફુલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જવાબદાર છે. મધ્ય ભૂમધ્ય સમુદ્રમાંથી આવતી આ સિસ્ટમને રાજસ્થાન પર સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશન અને અરબ સાગરના ગરમ-ભેજવાળા પવનોએ વધુ મજબૂત બનાવ્યું છે. જ્યારે ઠંડી અને ભેજવાળી હવાનો મિશ્ર થાય છે, ત્યારે ભારે વાદળો અને કરા સાથેનો વરસાદ થાય છે. IMD એ ચેતવણી આપી છે કે 11 એપ્રિલથી વધુ એક નવી સિસ્ટમ સક્રિય થઈ રહી છે.

વૈજ્ઞાનિકો આ અચાનક બદલાવને આર્કટિક પ્રદેશમાં વધી રહેલી ગરમી અને ક્લાયમેટ ચેન્જ સાથે જોડી રહ્યા છે. તાજેતરના રિસર્ચ પેપર્સ મુજબ, ઉત્તર ધ્રુવની બરફ ઓગળવાને કારણે 'જેટ સ્ટ્રીમ' વધી રહી (U-Shape) છે. આ જ કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે શિયાળા પૂરતા મર્યાદિત ન રહેતા માર્ચ અને એપ્રિલમાં પણ વધુ સક્રિય બની રહ્યા છે. આ સ્થિતિ હિમાલયના વિસ્તારોમાં ભારે બરફવર્ષા અને મેદાની વિસ્તારોમાં કમોસમી ઠંડીનું કારણ બની રહી છે.

મોસમમાં આવેલા આ ઉલટફેરને કારણે જનજીવન ખોરવાયું છે. પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં કમોસમી વરસાદ અને કરાને કારણે રવિ પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. પહાડી રાજ્યો જમ્મુ-કાશ્મીર અને ઉત્તરાખંડમાં બરફવર્ષા થઈ રહી છે. હવામાન વિભાગનું માનવું છે કે 11 એપ્રિલ બાદ નવી સિસ્ટમ પસાર થયા પછી જ ધીમે ધીમે ગરમીમાં વધારો થવાની શક્યતા છે. જો આ રીતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વધતા રહેશે, તો તે ભવિષ્યમાં પાક અને જળ સંગ્રહની નીતિઓ પર મોટી અસર પાડી શકે છે.