શું સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) દરમિયાન એકત્ર કરવામાં આવેલા ડેટાનો ઉપયોગ તમારો પાસપોર્ટ બનાવવા કે તેને રિન્યૂ કરવા માટે થાય છે? તો તેનો જવાબ છે 'ના'. તમારો પાસપોર્ટ બનાવવામાં SIR ડેટાનો કોઈ જ ઉપયોગ થતો નથી. આ જવાબ વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહે રાજ્યસભામાં આપ્યો છે.
વાસ્તવમાં રાજ્યસભામાં કેન્દ્ર સરકારને આ સવાલ પૂછવામાં આવ્યો હતો. ગુરુવારે કેન્દ્ર સરકારે રાજ્યસભામાં એ સ્પષ્ટ કર્યું કે સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) દરમિયાન એકત્ર કરવામાં આવેલા ડેટાનો ઉપયોગ પાસપોર્ટ બનાવવામાં કે તેના રિન્યુઅલ (નવીનીકરણ)માં કરવામાં આવતો નથી.
પાસપોર્ટ બનાવવામાં SIR ડેટાનો ઉપયોગ થતો નથી
વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહે લેખિત જવાબમાં જણાવ્યું કે વિદેશ મંત્રાલય અથવા તેના હેઠળની કોઈ પણ એજન્સી ન તો SIR નો ડેટા માંગે છે, ન તો તેમને તે મળે છે અને ન તો તેનો ક્યાંય ઉપયોગ કરવામાં આવે છે.
હવે જવાબમાં કેન્દ્ર સરકાર તરફથી એ પણ જણાવવામાં આવ્યું કે ભારતીય પાસપોર્ટમાં પહેલા લખવામાં આવતા "સિટીઝન ઓફ ઈન્ડિયા" (Citizen of India) ની જગ્યાએ હવે આંતરરાષ્ટ્રીય ધોરણો (ICAO) મુજબ "નેશનાલિટી" (Nationality) શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે.
'નાગરિકતાની પુષ્ટિ વગર પાસપોર્ટ ઈશ્યુ કરવામાં નહીં આવે'
કોલકાત્તા હાઈકોર્ટની જલપાઈગુડી બેંચે તાજેતરમાં એક મહત્વપૂર્ણ કેસની સુનાવણી કરતી વખતે સ્પષ્ટ કર્યું કે કોઈ પણ વ્યક્તિને નાગરિકતાની પુષ્ટિ વગર પાસપોર્ટ ઈશ્યુ કરી શકાય નહીં.
અદાલતે સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા હેઠળ મતદાર યાદીમાંથી નામ હટાવી દેવાયા બાદ એક વ્યક્તિને તાત્કાલિક પાસપોર્ટ ઈશ્યુ કરવાનો નિર્દેશ આપવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો.
મતદાર યાદીમાંથી નામ હટી જવાના આધારે પાસપોર્ટ ઈશ્યુ કરવા કે તેના રિન્યુઅલ સાથે જોડાયેલા સવાલ પર કેન્દ્ર સરકારે કહ્યું કે ભારતમા પાસપોર્ટ, પાસપોર્ટ અધિનિયમ, 1967 અને તેના હેઠળ બનાવાયેલા નિયમો અનુસાર જ ઈશ્યુ કરવામાં આવે છે.
સરકારે કહ્યું- પાસપોર્ટ રેન્કિંગની કોઈ સાર્વત્રિક (યુનિવર્સલ) સિસ્ટમ નથી
કેન્દ્ર સરકારે પાસપોર્ટ રેન્કિંગના સવાલ પર જણાવ્યું કે વિશ્વમાં પાસપોર્ટની કોઈ સાર્વત્રિક અને માન્ય રેન્કિંગ સિસ્ટમ નથી. અલગ-અલગ સંસ્થાઓ પોતપોતાના માપદંડો (ક્રાઈટેરિયા) મુજબ આવી રેન્કિંગ જાહેર કરે છે.
કેન્દ્ર સરકારે વધુમાં જણાવ્યું કે હાલમાં ભારતીય પાસપોર્ટ ધારકોને 27 દેશોમાં વિઝા-ફ્રી (વીઝા વગર), 47 દેશોમાં વિઝા ઓન અરાઈવલ અને 66 દેશોમાં ઈ-વિઝાની સુવિધા ઉપલબ્ધ છે.
વિદેશી જહાજો પર ફસાયેલા ભારતીય નાવિકોની સંખ્યા 329 પર પહોંચી
આ ઉપરાંત સરકારે માહિતી આપી કે વર્ષ 2025માં 688 શ્રદ્ધાળુઓએ કૈલાશ માનસરોવર યાત્રા કરી હતી, જ્યારે 2026માં 1 હજાર યાત્રીઓ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. તો બીજી તરફ વિદેશી જહાજો પર ફસાયેલા ભારતીય નાવિકોની સંખ્યા 2023માં 56, 2024માં 132 અને 2025માં વધીને 329 થઈ ગઈ છે.