Sun Sep 06 2026

Logo

દેશના 72 કરોડ ખાતાધારકને રાહત: મિનિમમ બેલેન્સ નહીં હોય તો પણ બેન્ક દંડ નહીં વસૂલે...

2026-03-09 22:22:01
Author: Mumbai Samachar Team
દેશના 72 કરોડ ખાતાધારકને રાહત: મિનિમમ બેલેન્સ નહીં હોય તો પણ બેન્ક દંડ નહીં વસૂલે...

જન ધન અને BSBD ખાતાધારકોને સીધો ફાયદો

નવી દિલ્હીઃ પીએમ જન ધન યોજના સહિત 72 કરોડ બેઝિક સેવિંગ્સ એકાઉન્ટ્સ પર મિનિમમ બેલેન્સ નહીં રાખવા બદલ કોઈ દંડ વસૂલવામાં આવશે નહીં, એમ સરકારે આજે મહત્ત્વની માહિતી આપી. 

નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે પીએમ જન ધન યોજના (પીએમજેડીવાય) હેઠળ આવતા બેન્ક એકાઉન્ટ્સ સહિત લગભગ 72 કરોડ બેઝિક સેવિંગ્સ બેન્ક ડિપોઝિટ એકાઉન્ટ્સ (બીએસબીડીએ) પર મિનિમમ બેલેન્સ નહીં રાખવા બદલ કોઈ દંડ વસૂલવામાં આવશે નહીં.

લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં તેમણે જણાવ્યું હતું કે બેન્ક બેસિક સેવિંગ્સ બેન્ક ડિપોઝિટ એકાઉન્ટ્સમાં ઝીરો બેલેન્સ સેવિંગ્સ એકાઉન્ટની સુવિધા આપે છે, જેમાં પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ ખોલવામાં આવેલા ખાતાઓનો સમાવેશ થાય છે, જેથી બેન્કિંગ સુવિધાઓ તમામને મળી શકે, ખાસ કરીને  બેન્કિંગ સુવિધાઓ વિનાના, નબળા અને નાના થાપણદારો માટે અને નાણાકીય સમાવેશને પ્રોત્સાહન મળી શકે.

આ ખાતાઓમાં કોઈ પણ મિનિમમ બેલેન્સ રાખવાની જરૂર હોતી નથી અને ખાતાધારકોને કોઈપણ દંડ વસૂલ્યા વિના થાપણો, રૂપિયા ઉપાડવા અને એટીએમ જેવી મૂળભૂત બેન્કિગ સેવાઓ મફતમાં પૂરી પાડવામાં આવે છે.

સીતારમણે કહ્યું હતું  કે પીએમજેડીવાય ખાતાઓ સહિત લગભગ 72 કરોડ બીએસબીડીએ પર મિનિમમ બેલેન્સ ન રાખવા બદલ કોઈ દંડ લાગુ પડતી નથી. અન્ય ખાતાઓ માટે  બેન્કો પોતાના બોર્ડની મંજૂર કરાયેલી પોલીસી અને ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ) ની હાલના નિર્દેશો અનુસાર મિનિમમ મંથલી એવરેજ બેલેન્સ ન રાખવા પર ચાર્જ વસૂલી શકે છે. આરબીઆઈના જણાવ્યા અનુસાર આ પ્રકારના ચાર્જ યોગ્ય, ટ્રાન્સપરન્ટ અને સર્વિસ આપવા માટેના ખર્ચના હિસાબે હોવા જોઈએ.

નાણાકીય વર્ષ 2022-23થી નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન જાહેર ક્ષેત્રની બેન્કો એ એમએબી ન રાખવાના કારણે કરન્ટ એકાઉન્ટ અને સેવિંગ્સ એકાઉન્ટ્સસ ખાતા ધારકો પાસેથી 8,092.83 કરોડ રૂપિયા એકઠા કર્યા હતા. 

છેલ્લા ત્રણ નાણાકીય વર્ષોમાં એકત્રિત કરાયેલ 8,092.83 કરોડ રૂપિયાની રકમ સમાન સમયગાળા દરમિયાન જાહેર ક્ષેત્રની બેન્કોની કુલ આવકના આશરે 0.23 ટકા છે, જે દર્શાવે છે કે આવા ચાર્જ બેન્કોની આવકનો ખૂબ જ નાનો હિસ્સો છે અને મુખ્યત્વે દંડ દ્વારા આવક ઉત્પન્ન કરવાને બદલે બેન્કિંગ સેવાઓ પ્રદાન કરવાના ખર્ચમાં જોડાયેલ છે.”

ગ્રાહકો પર વધુ ધ્યાન આપવા અને તમામને સાથે લઈને ચાલનારા બેન્કિંગને પ્રોત્સાહન આપવા માટે  પીએસબીએ પોતાના સર્વિસ ચાર્જ માળખાની સમીક્ષા કરી છે. બોર્ડ દ્વારા મંજૂર કરાયેલી નીતિઓ અને વ્યાપારી વિચારણાઓ અનુસાર એસબીઆઈએ માર્ચ 2020થી બચત ખાતાઓમાં મિનિમમ બેલેન્સ ન રાખવા બદલ દંડ સંપૂર્ણપણે માફ કરી દીધો હતો. 2025માં નવ પીએસબીએ આવા ચાર્જ માફ કરી દીધા અને બે બેન્કોએ મિનિમમ બેલેન્સ ચાર્જને યોગ્ય કર્યા છે.