હિઝબુલ મુજાહિદ્દીનના ડેપ્યુટી સુપ્રીમ કમાન્ડર શમશેર ખાનનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેને એમ કહેતા સાંભળી શકાય છે કે પાકિસ્તાનના અલગ-અલગ ભાગોમાંથી આવેલા આતંકવાદીઓ કાશ્મીરમાં લડ્યા અને માર્યા ગયા છે. વીડિયોમાં શમશેર ખાન એક સભાને સંબોધિત કરતો જોવા મળી રહ્યો છે, જેમાં તે કહે છે કે કાશ્મીરમાં એવું કોઈ કબ્રસ્તાન નથી જ્યાં કોઈ પાકિસ્તાની દફનાવવામાં આવ્યો ન હોય.
હિઝબુલ કમાન્ડર શમશેર ખાન કહે છે કે લોલાબ અને કુપવાડાથી લઈને કઠુઆ સુધી કાશ્મીરમાં એવું કોઈ કબ્રસ્તાન નથી જ્યાં પાકિસ્તાની આતંકવાદીઓના અવશેષો ન હોય. આ પછી તે વીડિયોમાં પાકિસ્તાન અને કાશ્મીર વચ્ચેના સંબંધો વિશે વાત કરે છે અને કહે છે કે કોઈ પણ આ બંને ક્ષેત્રો વચ્ચે નફરત પેદા કરી શકે નહીં. ખાનનો આ વીડિયો બુધવારે (8 જુલાઈ) મુઝફ્ફરાબાદમાં જમાત-એ-ઇસ્લામીના એક કાર્યક્રમનો હોવાનું કહેવાય રહ્યું છે.
આ વીડિયો એ ઘટનાના થોડા મહિનાઓ પછી આવ્યો છે, જ્યારે જમ્મુ-કાશ્મીર પોલીસે મે મહિનામાં હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદીની પંજલ્લા સોપોરમાં આવેલી સંપત્તિ જપ્ત કરી હતી. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું કે ઘોષિત ગુનેગારની ઓળખ રોહામા રફિયાબાદના ગુલામ મોહમ્મદ ભટ ઉર્ફે હૈદર તરીકે થઈ છે. તેમણે કહ્યું, "તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ગેરકાયદેસર હથિયારો અને દારૂગોળાની તાલીમ લેવા માટે ગેરકાયદેસર રીતે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર ગયો હતો. તે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન HM (હિઝબુલ મુજાહિદ્દીન) સાથે જોડાયેલો છે અને પાકિસ્તાનથી પોતાની ગતિવિધિઓ ચલાવી રહ્યો છે."
પીએમ મોદીએ ઓપરેશન સિંદૂરનો કર્યો ઉલ્લેખ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ત્યાં એક કોમ્યુનિટી ઇવેન્ટમાં ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે આ ઓપરેશન દરમિયાન ભારતની સંરક્ષણ ક્ષમતાઓ પ્રદર્શન જોવા મળ્યું. તેઓ તેમના ઓસ્ટ્રેલિયન સમકક્ષ એન્થની અલ્બેનીઝ સાથે પ્રવાસી ભારતીયોના એક કાર્યક્રમમાં સામેલ થયા હતા અને કહ્યું કે દુનિયા હવે ભારતના ડિફેન્સ પ્લેટફોર્મ્સની વિશ્વસનીયતા જોઈ રહી છે.
તેમણે કહ્યું, "દુનિયા ભારતના ડિફેન્સ પ્લેટફોર્મ્સની ક્ષમતા અને વિશ્વસનીયતા જોઈ રહી છે. ઓપરેશન સિંદૂર દરમિયાન તમે આનું પ્રદર્શન જોયું હશે. ધડાકા તો આતંકીઓના ઠેકાણાઓ પર થઈ રહ્યા હતા, પરંતુ તેનો પડઘો આખી દુનિયામાં સંભળાયો."