નવી દિલ્હીઃ વર્તમાન નાણાકીય વર્ષમાં એનએમડીસી આયર્ન ઑરનું ઉત્પાદન છ કરોડ ટન સુધી પહોંચાડવાની કંપની વ્યૂહરચના ઘડી રહી હોવાનું કંપનીના અધ્યક્ષ અમિતવા મુખરજીએ જણાવ્યું હતું.
વર્તમાન નેશનલ સ્ટીલ પૉલિસી અંતર્ગત આગામી વર્ષ 2030-31 સુધીમાં સ્થાનિકમાં સ્ટીલ ઉત્પાદન ક્ષમતા 30 કરોડ ટન સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. નોંધનીય બાબત એ છે કે એનએમડીસી દેશની અગ્રણી આયર્ન ઑર ઉત્પાદક કંપની છે અને કંપનીએ આ સમયગાળા દરમિયાન ઉત્પાદન 10 કરોડ ટન સુધી પહોંચાડવાની નેમ ધરાવે છે.
ગત નાણાકીય વર્ષ 2025-26માં એનએમડીસીનું ઉત્પાદન પાંચ કરોડ ટનની સપાટી પાર કરી ગયું હતું અને કંપનીએ હાલની ખાણો અર્થાત્ એનએમડીસી મારફતે ઉત્પાદન છ કરોડ ટન સુધી પહોંચાડવાની યોજનાનો આક્રમક અમલ કરી રહી છે. જેમાં એનએમડીસી અને સીએમડીસી લિ.નાં સંયુક્ત સાહસની અસ્ક્યામતોનો પણ સમાવેશ થશે, જેને પરિણામે વાર્ષિક ધોરણે ઉત્પાદનમાં 20 ટકા જેટલી વૃદ્ધિ જોવા મળશે, એમ કંપનીના એક અધિકારીએ જણાવ્યું હતું.
વધુમાં મુખરજીએ જણાવ્યું હતું કે કંપનીએ કેન્દ્રીય પર્યાવરણ, વન અને હવામાન પરિવર્તન મંત્રાલય સાથેની અનામતો માટે પર્યાવરણીય મંજૂરી માટે અરજી પણ કરી નાખી છે. આ સિવાય 10 કરોડ ટનનાં ઉત્પાદનના લક્ષ્યાંકની દિશામાં પણ પ્રગતિ થઈ રહી છે અને અમે નિશ્ચિતપણે લક્ષ્યાંક હાંસલ કરીશું, એમ જણાવતા તેમણે ઉમેર્યું હતું કે કેટલાંક સ્થળો પર ખાણ સંબંધિત માળખાનું નિર્માણ થઈ રહ્યું છે, જ્યારે અમુક અનામતોમાં માળખા પહેલેથી જ કાર્યરત છે.
વધુમાં હાલની ખાણોની ક્ષમતા વધારવા માટે માળખાગત સુવિધાઓ વિકસાવવા (બેલ્ટ ક્નવેયિંગ સિસ્ટમ્સ તેમ જ ક્રશર અને બે્રકર વગેરેની સ્થાપનાનો સમાવેશ થાય છે.) માટે રસ ધરાવતા પક્ષો તરફથી બિડ્સ મગાવવામાં આવી છે. નોંધનીય બાબત એ છે કે એનએમડીસી ભારતમાં છત્તીસગઢ (બૈલાડિલા સેક્ટર) અને કર્ણાટક (ડોનીમલાઈ સેક્ટર)માં ફેલાયેલા ચાર મોટા અત્યંત મેકેનાઈઝ્ડ ધોરણે આયર્ન ઑરના ખનન સંકુલોનું સંચાલન કરે છે. તેમ જ સ્ટીલ મંત્રાલય હેઠળની હૈદરાબાદ સ્થિત આ કંપની દેશની આયર્ન ઑરની કુલ આવશ્યકતા પૈકી 20 ટકા જરૂરિયાત પૂરી પાડે છે.
ગત નાણાકીય વર્ષ 2026માં એનએમડીસીની આવકો આગલા નાણાકીય વર્ષ 2025નાં 23,668 કરોડ સામે 33 ટકા વધીને રૂ. 31,554 કરોડની સપાટીએ રહી હતી. તેમ જ કંપનીએ દેશમાં સૌથી મોટી ખનીજનું ખનન કરતી કંપની બનાવાના નિર્ધાર સાથે તેનાં વ્યવસાયમાં વૈવિધ્યતા લાવવા માટે અનેક પગલાં લીધા છે. વધુમાં એનએમડીસી ઑક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન વેપારી ધોરણે થર્મલ કૉલનું ઉત્પાદન શરૂ કરશે અને નાણાકીય વર્ષ 2027માં 10 લાખ ટન કૉલનાં વેચાણનો લક્ષ્યાંક રાખે છે. વધુમાં કંપની નાણાકીય વર્ષ 2027માં કૉકિંગ કૉલની ખાણ વિકસાવશે અને નાણાકીય વર્ષ 2028થી ઉત્પાદનની શરૂઆત કરશે.
જોકે, કંપનીના અધ્યક્ષે એકમોનાં વિકેન્દ્રિકરણ અંગેની કોઈ માહિતી નહોતી આપી, પરંતુ વર્ષ 2030 સુધીમાં આયર્ન ઑર સિવાયના અન્ય ખનીજોનાં વેચાણમાંથી ઓછામાં ઓછી 20 ટકા આવક મેળવવાનું લક્ષ્યાંક રાખ્યું હોવાનું જણાવ્યું હતું.