Thu Oct 01 2026

Logo

નિર્મલા સીતારમણ થયા ભાવુક: પ્રખ્યાત સિંગર એમ. એસ. સુબ્બુલક્ષ્મીની પુણ્યતિથિ પર યાદ કર્યા સંસ્મરણો

2026-09-17 17:48:02
Author: Mumbai Samachar Team
નિર્મલા સીતારમણ થયા ભાવુક: પ્રખ્યાત સિંગર એમ. એસ. સુબ્બુલક્ષ્મીની પુણ્યતિથિ પર યાદ કર્યા સંસ્મરણો

બેંગ્લુરુઃ અહીંના એક કાર્યક્રમ દરમિયાન પ્રખ્યાત કર્ણાટક સંગીતના ગાયિકા એમ. એસ. સુબ્બુલક્ષ્મીને શ્રદ્ધાંજલિ આપવા માટે કાર્યક્રમમાં કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ  ભાવુક બન્યા હતા. સોશિયલ મીડિયામાં શેર થયેલા એક વીડિયોમાં તેમનું ગીત વાગતું હતું તે સમયે તેમની આંખોમાંથી આંસુ આવી ગયાં હતાં. અહીં કાર્યક્રમ એમ. એસ. સુબ્બુલક્ષ્મીની 110મી જયંતીના અવસરે આયોજિત કરવામાં આવ્યો હતો. સભાને સંબોધિત કરતા સીતારમણએ કર્ણાટક સંગીતમાં ગાયિકાના યોગદાન વિશે વાત કરી હતી. 

એક રિપોર્ટ અનુસાર તેમણે કહ્યું હતું કે 'કર્ણાટક સંગીતમાં ભક્તિ આ પરંપરાની જીવંત આત્મા છે, જે ભાષાઓના ભવ્ય સંગમથી જીવંત છે. એક જ સંગીત કાર્યક્રમમાં અલગ અલગ ભાષાઓ અને આધ્યાત્મિક પરંપરાઓ સમુદ્રમાં મળનારી નદીઓની જેમ એક સાથે વહે છે.' 

સીતારમણે સંગીત પ્રત્યે સુબ્બુલક્ષ્મીના સમર્પણ, વિનમર્તા અને કઠોર પ્રશિક્ષણને પણ યાદ કર્યા હતા. તેમના અનુશાસન વિશે વાત કરતા તેમણે કહ્યું હતું કે 'તેમની પ્રતિભા એક અત્યંત કડક બૌદ્ધિક અનુશાસન પર ટકેલી હતી.' 16 સપ્ટેમ્બર 1916એ મદુરાઈમાં જન્મેલી એમ.એસ.સુબ્બુલક્ષ્મી 20 મી સદીની સૌથી પ્રખ્યાત કર્ણાટક સંગીત ગાયિકાઓમાંથી એક બનેલા હતા. તેઓ પારંપરિક કલાકારોના પરિવારોમાંથી હતા અને તેમણે ભારતીય શાસ્ત્રીય સંગીત પર પોતાની ઊંડી છાપ છોડી હતી. 

સુબ્બુલક્ષ્મી ભારતના સર્વોચ્ચ નાગરિક સમ્માન 'ભારત રત્ન' મેળવનાર પ્રથમ સંગીતકાર હતા. તેમને આ સન્માન 1998માં મળ્યું હતું. તેઓ 1974માં 'રમણ મૅગસસે પુરસ્કાર' મેળવનાર પ્રથમ ભારતીય સંગીતકાર પણ બન્યા હતા. 1966માં તેઓ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં હાજરી આપનારા પ્રથમ ભારતીય સંગીતકાર બન્યા હતા. 11 ડિસેમ્બર 2004માં ચેન્નઇમાં 88 વર્ષની વયે મૃત્યુ પામ્યા હતા. 

હવે સુબ્બાલક્ષ્મીનું જીવન મોટા પડદે પણ બતાવવામાં આવશે. તેમના જીવન પર એક ફિલ્મ બની રહી છે. આ ફિલ્મમાં રશ્મિકા મંદાના જોવા મળશે. પેન ઇન્ડિયા બાયોપિકમાં 'એમ. એસ. અ લેગસી ઓન સ્ક્રીન'માં રશ્મિકા આ મહાન ગાયિકાનું પાત્ર ભજવતી જોવા મળશે.