મુંબઈઃ વૈશ્વિકમંચ પર ભારતને ગૌરવ અપાવનાર માત્ર ખેલાડીઓ જ નહીં પણ ઘણી એવી સુંદરીઓ પણ છે જેને દુનિયાભરમાં ભારતનો ડંકો વગાડી દીધો છે. ફિટનેસ મોડલથી લઈને મોડલિંગ સુધીના ક્ષેત્રમાં આ યુવા ગર્લ્સે ભારતને ગૌરવ અપાવ્યું છે. ફરી એકવાર હવે મિસ વર્લ્ડ પેજન્ટમાં ભારતને રિપ્રેઝન્ટ કરવા માટે નિકિતા પોરવાલ જઈ રહી છે. આ પહેલા પ્રિયંકા ચોપરા, માનુષી છિલ્લર જેવી સફળ મોડલ પણ આ વિશ્વકક્ષાની સ્પર્ધામાં ભાગ લઈ ચૂકી છે. હવે મિસવર્લ્ડ 2026ની તૈયારીઓ ચાલી રહી છે. જેમાં હવે ભારતમાંથી નિકિતા પોરવાલનું નામ ચર્ચામાં છે.
ખાસ મુલાકાતમાં શું કહ્યું
મિસ વર્લ્ડ પેજન્ટ 2026માં ભારતનું પ્રતિનિધિત્વ નિકિતા પોરવાલ કરી રહી છે. આ માટેની તૈયારીઓ પણ તેણે શરૂ કરી દીધી છે. તાજેતરમાં તેણે આપેલી એક ખાસ મુલાકાતમાં કહ્યું હતું કે આ સ્પર્ધા માટે ઘણા સમયથી મહેનત કરી રહી છું. દરરોજ કંઈક નવું શીખી રહી છું. ફિટનેસ, કમ્યુનિકેશન, રેમ્પ વૉક અને ઈન્ટરવ્યૂ માટેની તૈયારીઓ માટે હું મારી જાતને માનસિક રીતે ફીટ કરી રહી છું. મારો ટાર્ગેટ માત્ર બેસ્ટ પર્ફોમ કરવાનો નથી પણ દુનિયા સામે ભારતને સંપૂર્ણ રીતે રજૂ કરીને ગર્વ અપાવવાનો છે. ઈમાનદારીથી તેને રજૂ કરવાનો છે.આ એક એવો અહેસાસ છે જેને સંપૂર્ણ રીતે શબ્દોમાં વ્યક્ત કરી શકાય એમ નથી. જ્યારે તમારા નામની સાથે ઈન્ડિયા લખેલું જોડાય જાય છે ત્યારે માત્ર તે એક ફેશન નથી પણ કરોડો લોકોની નજર તમારા પર હોય છે. લોકોને તમારા પર એક વિશ્વાસ હોય છે. હું ઉત્સાહી તો છું જ પણ સાથે સાથે ભાવુક પણ છું.
મારા માટે ગૌરવની વાત
આ મંચ પર હું માત્ર મારા માટે નહીં પણ એ દરેક યુવતી માટે જઈ રહી છું, જે ખરેખર મોટા સપના જોવા માટેની હિંમત કરે છે અને તેને અનુસરે છે. આ જર્નીએ મને ઘણું બધુ શીખવાડી દીધું છે અને હજુ પણ આ કિસ્સામાં ઘણું બધુ શીખવાનું બાકી છે. નિકિતા મૂળ મધ્ય પ્રદેશની રહેવાસી છે. આ વિષય પર તેણે પોતાની વાત આગળ કરતા કહ્યું કે, મધ્ય પ્રદેશમાંથી પહેલી મિસ ફેમિના, મિસ ઈન્ડિયા વર્લ્ડ બનવું મારા માટે એક ગર્વની વાત છે. પણ સાથે સાથે એક જવાબદારી પણ અદા કરવાની હોય છે. છેલ્લા બે વર્ષમાં મેં એ વાત શીખી છે કે અસલી બદલાવ બાહરથી નહીં પણ અંદરથી થતો હોય છે. આત્મવિશ્વાસ, અનુશાસન અને સતત શીખવાની આદતે મને અહીંયા સુધી પહોંચાડી છે.
મારા માટે પ્રેરણા
હું ઐશ્વર્યા રાય અને પ્રિયંકા ચોપડા બન્નેથી ખૂબ જ પ્રેરિત છું. ઐશ્વર્યાએ પોતાની ગરીમા અને ભારતીય સંસ્કૃતિને જે રીતે દુનિયા સામે સુંદરતાથી મૂકી છે એ ખરેખર પ્રેરણાદાયક છે. જ્યારે પ્રિયંકા તો સાબિત કરી બતાવ્યું કે, એક ભારતીય દીકરી દુનિયાના કોઈ પણ મંચ પર પોતાની ઓળખ બનાવી શકે છે. હું પણ મારા કરિયરમાં આ પ્રકારની ઓળખ ઊભી કરવા માગુ છું, જ્યાં સફળતાની સાથે એક ચોક્કસ હેતુ તમારી સાખે જોડાયેલો હોય.
મારો પરિવાર હંમેશા મારા પર એક વિશ્વાસ વ્યક્ત કર્યો છે, જ્યારે મને મારા પર વિશ્વાસ ન હતો એ સમયે પણ મારા પરિવારે મારા પર ભરોસો કર્યો છે. ક્યારેય કોઈ સપનાને નાનકડું કહ્યું નથી. પરિવારના દરેક સભ્યએ આકાશમાં ઉડવા માટેની આઝાદી આપી છે. મુશ્કેલીના દરેક સમયમાં તેઓ મારી પડખે ઊભા રહીને ખરો સહારો બન્યા છે. હું અહીંયા સુધી પહોંચી તેમા મારા પરિવારનું મોટું યોગદાન રહ્યું છે.
માત્ર બ્યૂટીનો મંચ નથી
મોટાભાગના લોકોને એવું લાગે છે કે, બ્યૂટી પેજન્ટ એક સુંદરતાનું મંચ છે. જ્યાં માત્ર એક બ્યૂટીને જ જોવામાં આવે છે. પણ એવું બિલકુલ નથી. આ મંચ પર બ્યૂટીની સાથે તમારી વિચારધારા, તમારૂ વ્યક્તિત્વ, સંવેદનશીલતા અને સમાજ માટે કંઈક કરવા માટેનું યોગદાન આ તમામ પાસાઓને તે મહત્ત્વ આપે છે અને સાથે સાથે તેનું મુલ્યાંકન પણ કરે છે. મારી યાત્રામાં હું એટલું ખાસ શીખી છું કે, આવું માત્ર સારો ચહેરો હોવાથી થતું નથી, તમારૂ કેરેક્ટર અને હેતું પણ એટલો જ મહત્ત્વનો હોય છે.
મિસ ઈન્ડિયા બન્યા બાદ મારી જીવનશૈલી બદલી ગઈ, ફીટનેસ, ડાયેટ, સ્કીન કેર, રેમ્પવૉક, મીડિયા ટ્રેનિંગ, વોઈસ મોડ્યુલેશન, ફેશન, હેર એન્ડ મેકઅપ જેવા વિષયો પર હું સતત કામ કરી રહી છું. પણ સૌથી વધારે કામ મેં મારી વિચારધારા પર કર્યું છે. અલગ અલગ વિષયોના નિષ્ણાંતની પૂરી ટીમ મારી સાથે હતી પણ સૌથી વધારે મહેનત મારે મારા પર જ કરવી પડી હતી.
હું જ્યારે ડ્રામા કરતી એ સમયે મેં માતા સીતાનો રોલ પ્લે કર્યો હતો. આ મારા જીવનનો સૌથી યાદગાર અનુભવ છે. એક્સપ્રેશનની એક અનોખી પરિભાષા મેં શીખી છે. હું આ દુનિયાને એ ભારત બતાવવા માંગુ છું, જે દેશ પોતાની પરંપરા પર ગર્વ કરે છે અને ભવિષ્ય માટે આત્મવિશ્વાસથી ઊભો છે. વિવિધતા એ આપણી તાકાત છે.