Tue Sep 08 2026

Logo

મોર્નિંગ મ્યૂસિંગ: નેપાળની હિમાલય જેવડી ટ્રૅજેડી: જ્યારે પ્રકૃતિ આપણને આપણી હદ- હેસિયત યાદ કરાવે...

2026-08-30 08:22:00
Author: Raj Goswami
મોર્નિંગ મ્યૂસિંગ: નેપાળની હિમાલય જેવડી ટ્રૅજેડી: જ્યારે પ્રકૃતિ આપણને આપણી હદ- હેસિયત યાદ કરાવે...

 

- રાજ ગોસ્વામી

નેપાળની પહાડીઓમાંથી આવેલી તસવીરો જોવી સહેલી નથી. પાણીની એક એવી તોતિંગ દીવાલ, જેમાં માટી, પથ્થર, બરફ અને કાટમાળ બધું જ એકસાથે ધસમસતું નીચે આવ્યું, જંગલો ધસી ગયાં, રસ્તાઓ ગાયબ થઈ ગયા, પુલ તૂટી પડ્યા, ઘરો અને વાહનો જાણે કોઈએ ઉખાડીને ફગાવી દીધાં હોય તેમ ક્યાંકના ક્યાંક પહોંચી ગયા.....

26 ઑગસ્ટે નેપાળ-તિબેટ સરહદ નજીક આવેલા આ વિનાશક પૂરમાં 160થી વધુ લોકોનાં મૃત્યુ થયાં હોવાના પ્રારંભિક અહેવાલો છે અને સેંકડો લોકો હજુ લાપતા છે. શરૂઆતમાં જેને ભારે વરસાદનું પરિણામ માનવામાં આવતું હતું, તેના કરતાં આ ઘટનાનું સ્વરૂપ જુદું હોવાનું નિષ્ણાતોના વિશ્ર્લેષણમાં સામે આવ્યું છે. ઊંચાઈ પર ગ્લેશિયરનો એક ભાગ તૂટ્યો અને તેના કારણે માટી, બરફ, પાણી, પથ્થર અને કાટમાળનો ભયાનક પ્રવાહ માનવ જીવન પર ધસી આવ્યો. કદાચ એટલા માટે કે આવા ‘વગર જોઈતા’ દુ:ખને સ્વીકારવાનું માણસ માટે બહુ મુશ્કેલ હોય છે. જોકે દરેક દુર્ઘટનાનો કોઈ અર્થ નથી હોતો. ક્યારેક પહાડ ફક્ત તૂટી પડે છે.

બરફ ફક્ત સરકી પડે છે. પાણી પોતાના માર્ગમાં આવતી દરેક વસ્તુને તાણી જાય છે. તેમના માટે શું જંગલ અને શું સમાજ! પ્રકૃતિને આપણી નૈતિક ભાષાની જરૂર નથી હોતી. તે ન તો ક્રૂર છે, ન દયાળુ. તે આપણા પ્રત્યે બેપરવા છે. એ એવી રીતે જ શહેરમાં આવી જાય છે, જેવી રીતે તે જંગલમાં રહેતી હોય છે અને કદાચ આ હકીકત સ્વીકારવી એ જ વિનમ્રતાની પહેલી સીડી છે.

સદીઓથી માણસ પ્રકૃતિને સમજવાનો પ્રયત્ન કરતો આવ્યો છે. આધુનિક યુગમાં તો તેણે પ્રકૃતિને નિયંત્રિત કરવાનો ભ્રમ પણ પાળી લીધો છે. પહાડો તોડીને રસ્તાઓ બનાવ્યાં, નદીઓ પર પુલો બાંધ્યાં છે, હવામાનની આગાહી કરવા માટે ઉપગ્રહોને અંતરીક્ષમાં મોકલ્યા છે, બરફની હિલચાલ સમજવા માટે અત્યાધુનિક સાધનો ઊભાં કર્યાં. આ બધું માનવબુદ્ધિની અદ્ભુત સિદ્ધિ છે, પરંતુ આ બધી સિદ્ધિનો અર્થ એ નથી કે આપણે પ્રકૃતિ પર વિજય મેળવી લીધો છે.

 નેપાળની આ ઘટના આપણને એક સાથે બે વાત યાદ અપાવે છે; આપણી સંસ્કૃતિ કેટલી શક્તિશાળી છે અને તે સાથે જ કેટલી નાજુક પણ છે. એક ગ્લેશિયરનો ટુકડો તૂટી પડવાથી સર્જાયેલી કુદરતી શક્તિ એવી ખતરનાક હોય છે કે વર્ષોની મહેનતથી ઊભું કરેલું વિશાળ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બાંધકામ થોડી મિનિટોમાં નાશ પામે છે.આવી ‘વિનમ્રતા’ એટલે હાર માની લેવી એમ નહીં. પ્રકૃતિ સામે માથું નમાવવું અને પ્રકૃતિ સામે હાથ ઊંચા કરી દેવા તે બે જુદી વાત છે. 

નિયતિવાદ કહે છે : ‘જે થવાનું હતું એ થઈ ગયું. માણસ કરી પણ શું શકે?’ વિનમ્રતા કહે છે : ‘બધું આપણા નિયંત્રણમાં નથી, પરંતુ જે કંઈ આપણા હાથમાં છે તેની જવાબદારી આપણે પૂરી નિષ્ઠાથી નિભાવવી જોઈએ.’

નેપાળની આ દુર્ઘટનાને સમજવાનો કદાચ આ સૌથી માનવીય રસ્તો છે. જો કોઈ પહાડનો ભાગ તૂટી પડે તો આપણે તેને આપણા આદેશથી રોકી શકતા નથી, પરંતુ શું આપણે આવાં જોખમને અગાઉથી ના ઓળખી શકીએ? શું વધુ સચોટ ચેતવણી-વ્યવસ્થા ના ઊભી કરી શકીએ? શું એવા વિસ્તારોમાં બાંધકામ પર નિયંત્રણ ના મૂકી શકીએ જ્યાં અચાનક પૂર (ફ્લેશ ફલડ)નું જોખમ વધારે હોય? શું સ્થાનિક લોકોને એવી ભાષામાં, એવી પદ્ધતિથી ચેતવણી આપી શકાય કે તેઓ થોડી જ મિનિટોમાં તેનો અર્થ સમજી શકે? શું આપત્તિ પછી બચાવકર્મીઓ પાસે એવાં સાધનો અને વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા હોઈ શકે કે તૂટેલા પુલો અને બંધ રસ્તાઓ વચ્ચે પણ બચાવકાર્ય ચાલુ રહી શકે?

આ બધા સવાલોના જવાબ ‘હા’ છે અને એટલે જ આવી ઘટનાને માત્ર ‘કુદરતનો કહેર’ કહીને આગળ વધી જવું પૂરતું નથી. હવામાન પરિવર્તન આ સમગ્ર પ્રશ્નને વધુ ગંભીર બનાવે છે. વૈજ્ઞાનિકો લાંબા સમયથી કહી રહ્યા છે કે હિમાલયના ગ્લેશિયરો ઝડપથી બદલાઈ રહ્યા છે અને વધતું તાપમાન ઊંચાઈવાળા વિસ્તારોમાં બરફ તથા જમીનને વધુ અસ્થિર બનાવી રહ્યું છે. નેપાળે ભૂતકાળમાં પણ ગ્લેશિયર અને ગ્લેશિયલ સરોવરો સાથે જોડાયેલી અચાનક પૂરની ઘટનાઓ જોઈ છે. તેનો અર્થ એવો નથી કે દરેક આપત્તિને સીધી રીતે હવામાન પરિવર્તનના ખાતામાં મૂકી દેવી જોઈએ.

વિજ્ઞાનને આવી ઉતાવળ પસંદ નથી, પરંતુ એટલું ચોક્કસ સમજવું જરૂરી છે કે જે કુદરતી વ્યવસ્થાને આપણે વર્ષોથી સ્થિર માનીને બેઠા છીએ, તેમાં પરિવર્તન આવી રહ્યું છે અને અહીંથી આપણી જવાબદારી શરૂ થાય છે.

પ્રકૃતિની શક્તિ સામે માણસનો અહંકાર હાસ્યાસ્પદ છે, પરંતુ પોતાની જવાબદારીમાંથી છટકી જવા માટે પ્રકૃતિનું નામ લેવું પણ એટલું જ ખતરનાક છે. ‘આ તો કુદરત હતી. એને કોણ રોકી શકે?’ આ વાક્ય સાંભળવામાં બહુ વાસ્તવિક લાગે છે, પરંતુ ઘણી વાર એ આપણને જવાબદારીમાંથી છટકી જવા દે છે.

કોઈ પુલ તૂટી પડવો કુદરતી ઘટનાનું પરિણામ હોઈ શકે, પરંતુ એ પુલ ક્યાં બાંધવામાં આવ્યો હતો? તેની ડિઝાઇન કેવી હતી? બાંધકામ કેટલું મજબૂત હતું? પૂર અને ભૂસ્ખલનના જોખમનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું કે નહીં? આ બધા માનવસર્જિત પ્રશ્નો છે.

એટલે કુદરતી આપત્તિની અંદર પણ માનવીની નૈતિક જવાબદારી છુપાયેલી હોય છે. જે આજે આપણને કાયમી લાગે છે, તે ખરેખર કાયમી નથી. પહાડો પણ બદલાય છે. નદીઓ પણ પોતાનો માર્ગ બદલે છે. બરફ પીગળે છે. શહેરો ઉજડી શકે છે. અને માણસનું પોતાનું જીવન પણ એક ક્ષણમાં બદલાઈ શકે છે.

ગ્લેશિયરને આપણા આદેશથી ચલાવી શકતા નથી, પરંતુ આપણે આપણાં શહેરો, આપણી નીતિઓ, આપણી ટેક્નોલોજી અને આપણી ચેતવણીની વ્યવસ્થાઓને વધુ સારી બનાવી શકીએ છીએ, પણ  વધુ પડતો આત્મવિશ્વાસ આપણને પ્રકૃતિ સાથે ટકરાવ તરફ લઈ જાય છે અને વધુ પડતો નિરાશાવાદ આપણને નિષ્ક્રિય બનાવી દે છે. આ બંનેની વચ્ચે એક ત્રીજી જગ્યા છે :

 વિનમ્રતા અને સક્રિયતાની જગ્યા

બધું આપણા હાથમાં નથી. એટલે જે કંઈ આપણા હાથમાં છે તેને આપણે વધુ ગંભીરતાથી લઈએ. નેપાળની પહાડીઓમાંથી ધસમસીને નીચે આવેલું એ પાણી કદાચ આપણને આ બે વાત એકસાથે શીખવે છે.

પહેલી :  માણસ પ્રકૃતિનો માલિક નથી અને બીજી:  એટલા માટે જ માણસે પોતાના નિર્ણયોનો માલિક બનવું વધુ જરૂરી છે. પ્રકૃતિ સામે વિનમ્ર રહો, પરંતુ નિયતિ સામે ઘૂંટણ ન ટેકો. કારણ કે વિનમ્રતા આપણને આપણી મર્યાદા બતાવે છે; જવાબદારી એ મર્યાદાની અંદર આપણે શું કરવાનું છે તે શીખવે છે.