Mon Jul 27 2026

Logo

નેપાળના વિદેશ પ્રધાને ભારતને ગણાવ્યું 'પાવરહાઉસ', સરહદ વિવાદ મુદ્દે આપ્યું મોટું નિવેદન!

2026-06-07 14:53:34
Author: Vimal Prajapati
Article Image

નવી દિલ્હીઃ ભારત અને નેપાળ વચ્ચેના સદીઓ જૂના સંબંધોમાં તાજેતરના વર્ષોમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યા છે, પરંતુ બદલાતા વૈશ્વિક પરિબળોને જોતા નેપાળના વલણમાં મોટો બદલાવ આવી રહ્યો છે. નેપાળની નવી સરકારના વિદેશ પ્રધાન શિશિર ખનાલે ભારતની વધતી વૈશ્વિક સત્તા અને આર્થિક તાકાતનો મુક્તમને સ્વીકાર કર્યો છે. તેમણે એક વિશેષ સંબોધનમાં ભારતને વૈશ્વિક સ્તરે એક 'પાવરહાઉસ' ગણાવ્યું છે અને બંને દેશો વચ્ચેના સરહદી વિવાદોને ઉકેલવા માટે મહત્વપૂર્ણ સૂચનો આપ્યા છે.

ભારતની વૈશ્વિક શક્તિ અંગે શું કહ્યું શિશિર ખનાલે?

નેપાળના વિદેશ પ્રધાન શિશિર ખનાલે સ્પષ્ટ શબ્દોમાં સ્વીકાર્યું છે કે, ભારત આજે આર્થિક, તકનીકી અને વ્યૂહાત્મક દ્રષ્ટિએ વિશ્વમાં એક મોટી શક્તિ તરીકે ઉભરી આવ્યું છે. તેમણે જણાવ્યું કે, નેપાળે વાસ્તવિકતાનો સ્વીકાર કરવો પડશે કે પડોશી દેશ તરીકે ભારતની પ્રગતિ નેપાળ માટે પણ વિકાસના નવા દ્વાર ખોલી શકે છે. એક સશક્ત ભારત સાથે મજબૂત સંબંધો રાખવા તે નેપાળના હિતમાં છે. એટલું જ નહીં, પરંતુ શિશિર ખનાલે એ પણ સ્વીકાર કર્યું કે તેઓ ભારતને દુશ્મન નહીં પરંતુ દોસ્ત માને છે.

સરહદ વિવાદ મુદ્દે 'ખુલ્લા દિલથી' ચર્ચા કરાશે

ભારત અને નેપાળ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા સરહદી વિવાદો અંગે સકારાત્મક વલણ અપનાવવાની હિમાયત કરી છે. શિશિર ખનાલે જણાવ્યું કે, બંને દેશોએ ભૂતકાળના મતભેદોને બાજુ પર રાખીને, ટેબલ પર બેસીને 'ખુલ્લા દિલથી' વાતચીત કરવી જોઈએ. કડવાશ વધારવાને બદલે રાજદ્વારી દ્વારનો ઉપયોગ કરીને સરહદી રેખાઓનું કાયમી અને સર્વસંમત નિરાકરણ લાવવું અનિવાર્ય છે, જ્યાં સુધી બંને પક્ષો એકબીજા પર પૂર્ણ વિશ્વાસ નહીં મૂકે, ત્યાં સુધી કોઈ પણ જટિલ ભૌગોલિક મુદ્દાનો ઉકેલ શક્ય નથી તેવો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. 

ચીન કાર્ડ અને ભારત સાથે આર્થિક સહયોગ

તાજેતરના વર્ષોમાં નેપાળમાં ચીનનો વધતો પ્રભાવ ભારત માટે ચિંતાનો વિષય રહ્યો છે. આ અંગે વાત કરતા રાજકીય વિશ્લેષકો અને નેપાળના નેતાઓ હવે માની રહ્યા છે કે ચીન સાથેના સંબંધો પોતાની જગ્યાએ છે, પરંતુ ભૌગોલિક અને સાંસ્કૃતિક નિકટતાના કારણે ભારતનું સ્થાન કોઈ લઈ શકે તેમ નથી. 
નેપાળ હાલમાં ભારતમાં મોટા પાયે વીજળીની નિકાસ કરી રહ્યું છે. શિશિર ખનાલે આશા વ્યક્ત કરી છે કે, આગામી સમયમાં કનેક્ટિવિટી, વેપાર અને પર્યટન ક્ષેત્રે બંને દેશો વચ્ચેનો સહયોગ નવી ઊંચાઈઓ સર કરશે.

લિપુલેખ મુદ્દે નેપાળના વિદેશ પ્રધાનની સ્પષ્ટતા

ભારતીય વિદેશ પ્રધાન એસ. જયશંકર સાથેની મુલાકાત દરમિયાન ખાનાલે જણાવ્યું હતું કે નેપાળ ભારત સાથેના તેના સંબંધોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે અને બાલેન્દ્ર શાહના નેતૃત્વ હેઠળની સરકાર નવી દિલ્હી સાથે નોંધપાત્ર અને અર્થપૂર્ણ રીતે જોડાણ કરવા તૈયાર છે. ભારત અને નેપાળ વચ્ચે એક ખાસ પ્રકારના સંબંધ છે, જે સરહદ પારના જોડાણ અને સહિયારી સાંસ્કૃતિક અને ધાર્મિક પરંપરાઓના મજબૂત પાયા પર બનેલો છે. લિપુલેખ મામલે નેપાળના વડા પ્રધાન બાલેન્દ્ર શાહે ચીન અને યુકે પ્રત્યે જે વલણ જણાવ્યું હતું તે અંગે પણ નેપાળના વિદેશ પ્રધાન દ્વારા યોગ્ય સ્પષ્ટતા કરવામાં આવી હતી.