નીટ યુજી 2026ની પરીક્ષામાં થયેલી ગરબડ પાછળ એક ચોંકાવનારું કારણ સામે આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જે એક જ પેનલના શિક્ષકોને પ્રશ્નપત્ર સેટ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી, તેમની પાસે જ તેનું મરાઠી અનુવાદ પણ કરાવવામાં આવ્યું હતું. આ બેવડું કામ જ નીટ પરીક્ષાની ગોપનીયતા ભંગ થવાનું સૌથી મોટું કારણ બન્યું.
CBIની ચાર્જશીટ મુજબ, NTAના પરીક્ષા પેનલમાં સામેલ કેમિસ્ટ્રીના શિક્ષક પી. વી. કુલકર્ણી, ફિઝિક્સના શિક્ષિકા મનીષા ગુરુનાથ મંધારે અને બાયોલોજીના શિક્ષિકા મનીષા સંજય હવલદારને પેપર તૈયાર કરવાની સાથે સાથે તેનું મરાઠીમાં અનુવાદ કરવાનું કામ પણ આપવામાં આવ્યું હતું.
શિક્ષકોએ પેપર્સ યાદ કરી લીધા, વિદ્યાર્થીઓ સુધી પહોંચાડ્યા
તપાસમાં એવો પણ આરોપ છે કે આ શિક્ષકો પાસે પરીક્ષા પહેલાં ફાઇનલ પેપર લાંબા સમય સુધી ઉપલબ્ધ રહ્યું હતું. આ દરમિયાન તેમણે સવાલો યાદ કરી લીધા અને પાછળથી પુણેમાં પોતાની કોચિંગ ક્લાસમાં ભણતા પસંદગીના વિદ્યાર્થીઓ સુધી આ સવાલો પહોંચાડી દીધા.
શિક્ષકોએ વિદ્યાર્થીઓને સીધા સવાલો ગોખાવ્યા
ચાર્જશીટ મુજબ, શિક્ષકોએ ફાઇનલ પેપર સાથે જોડાયેલા સવાલો યાદ કરીને તેમનો એક 'ક્વેશ્ચન બેંક' તૈયાર કર્યો. ત્યારબાદ તેમણે પસંદગીના વિદ્યાર્થીઓને એ જ સવાલો ભણાવ્યા અને કેટલાક સવાલોને ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવીને ખાસ રીતે ગોખાવ્યા. વિદ્યાર્થીઓને એ નહોતું જણાવવામાં આવ્યું કે આ સવાલો સીધા ફાઇનલ NEET-UG પેપરમાંથી લેવામાં આવ્યા છે.
તપાસમાં એ પણ ખુલાસો થયો છે કે પુણેની બ્યુટીશિયન મનીષા વાઘમારે, જે ત્રણેય શિક્ષકોને ઓળખતી હતી, તેણે કોચિંગના વિદ્યાર્થીઓ પાસેથી આ સવાલો એકઠા કર્યા. ત્યારબાદ તેણે તેને PDF સ્વરૂપે ટાઈપ કર્યા અને ધનંજય લોખંડેને વેચી દીધા. આરોપ છે કે લોખંડેએ આ PDF આગળ ઘણા લોકો સુધી પહોંચાડી.
3 નિષ્ણાતોએ અલગ-અલગ રીતે પેપર બહાર કાઢ્યું
તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, મનીષા વાઘમારે અને ધનંજય લોખંડેએ પેપરને રાષ્ટ્રીય સ્તરે ફેલાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. CBIએ આ આખી પ્રક્રિયામાં સામે આવેલી ખામીઓની જાણકારી NTAને આપી દીધી છે અને ટૂંક સમયમાં આ અંગે વિસ્તૃત રિપોર્ટ પણ સોંપશે.
ચાર્જશીટ મુજબ, NTAના વિષય નિષ્ણાતોએ (સબ્જેક્ટ એક્સપર્ટ્સ) જ NEET-UG 2026નું પેપર લીક કર્યું હતું. પેપર પ્રિન્ટિંગ પ્રેસમાંથી નહીં પરંતુ NTAના ગોપનીય કામમાં રોકાયેલા એક્સપર્ટ્સ દ્વારા લીક થયું હતું. 3 વિષય નિષ્ણાતોએ દિલ્હી સ્થિત NTA ઓફિસમાંથી પેપર અલગ-અલગ રીતે બહાર કાઢ્યું હતું. તપાસમાં ખુલાસો થયો છે કે ગોપનીય વિભાગમાંથી બહાર નીકળતી વખતે નિષ્ણાતોનું કોઇ ચેકિંગ કરવામાં નહોતું આવતું.