Fri May 01 2026

Logo

પહેલીવાર સલમાન ખાન અને નયનતારા સ્ક્રિનશેર કરશે, સાઉથની ફિલ્મોમાં ભાઈજાનની એન્ટ્રી

2026-03-31 21:51:54
Author: Mumbai Samachar Team
Article Image

સુપરસ્ટાર સલમાન ખાનના ફેન્સ માટે એક મોટા અને ખુશીના સમાચાર સામે આવ્યા છે. સલમાન ખાનના ચાહકો હંમેશા તેની ફિલ્મોની આતુરતાથી રાહ જોતા હોય છે, ત્યારે હવે સલમાન ટૂંક સમયમાં ફિલ્મ 'માતૃભૂમિ' માં જોવા મળશે. મહત્વનું છે કે, સોમવારે સલમાન ખાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક તસવીર શેર કરીને પોતાની આગામી સાઉથ ફિલ્મની સત્તાવાર જાહેરાત કરી હતી. 

સાઉથની ફિલ્મમાં ભાઈજાન
ડાયરેક્ટર વામશી પેડીપલ્લી સાથે ફોટો શેર કરતા સલમાને કેપ્શનમાં લખ્યું કે, "દિલ, દિમાગ અને જીગરથી... આ એપ્રિલ મહિનાથી ડાયરેક્ટર વામશી અને પ્રોડ્યુસર દિલ રાજુ સાથે ફિલ્મનું શૂટિંગ શરૂ કરવા જઈ રહ્યા છીએ." બોલિવૂડમાં રાજ કર્યા બાદ હવે સલમાન ખાન સાઉથની ફિલ્મોમાં પણ પોતાનો જાદુ ચલાવવા માટે તૈયાર છે. આ જાહેરાત બાદ ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ સાથે જ ફિલ્મની ફીમેલ લીડ એટલે કે મુખ્ય અભિનેત્રીને લઈને પણ સોશિયલ મીડિયા પર અનેક અપડેટ્સ સામે આવી રહ્યા છે.

સલમાન અને નયનતારા પહેલીવાર એકસાથે
સલમાન ખાનની નવી ફિલ્મને લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે. જાણીતા ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે સોશિયલ મીડિયા પર પુષ્ટિ કરી છે કે, સલમાન ખાનની આ ફિલ્મમાં સાઉથની સુપરસ્ટાર નયનતારા લીડ હિરોઈન તરીકે જોવા મળશે. એટલે કે પડદા પર પહેલીવાર સલમાન અને નયનતારાની જોડી ધૂમ મચાવતી જોવા મળશે. નેશનલ એવોર્ડ વિનર ડાયરેક્ટર વામશી પેડીપલ્લી આ ફિલ્મનું નિર્દેશન કરવાના છે, જ્યારે સાઉથના દિગ્ગજ નિર્માતા દિલ રાજુ આ પ્રોજેક્ટને પ્રોડ્યુસ કરી રહ્યા છે.

ફિલ્મનું નામ હજુ ફાયનલ નથી
જોકે, આ એક્શન ડ્રામા ફિલ્મનું ટાઇટલ હજુ સુધી ફાઈનલ કરવામાં આવ્યું નથી, પરંતુ આ ફિલ્મ એપ્રિલ 2026 થી ફ્લોર પર જશે એટલે કે તેનું શૂટિંગ શરૂ થશે. સલમાન અને નયનતારા જેવા બે મોટા સ્ટાર્સ એકસાથે આવતા ફેન્સમાં ફિલ્મને લઈને ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. ફિલ્મ સાથે જોડાયેલી અન્ય વિગતો પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન માટે ગતવર્ષ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ રહ્યું નથી. વર્ષ 2025માં આવેલી થયેલી તેની ફિલ્મ 'સિકંદર' દર્શકોને આકર્ષવામાં નિષ્ફળ રહી હતી અને બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી. 

કરિયરની મોટી ફિલ્મ સાબિત થઈ શકે
એ.આર. મુરુગદાસના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં રશ્મિકા મંદાના, કાજલ અગ્રવાલ અને સત્યરાજ જેવા દિગ્ગજ કલાકારો હોવા છતાં ફિલ્મ કોઈ ખાસ કમાલ કરી શકી ન હતી. જોકે, હવે સલમાન ખાન તેના નવા પ્રોજેક્ટ 'માતૃભૂમિ: મે વોર રેસ્ટ ઇન પીસ' (Maatrubhumi: May War Rest in Peace) સાથે તૈયાર છે. ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મનું નામ પહેલા 'બેટલ ઓફ ગલવાન' રાખવામાં આવ્યું હતું, પરંતુ બાદમાં તેને બદલીને 'માતૃભૂમિ' કરી દેવામાં આવ્યું છે. 

આ ફિલ્મ માટે સલમાને ખૂબ જ મહેનત કરી છે, જે તેના ટ્રેલર અને ગીતોમાં સ્પષ્ટપણે જોવા મળે છે. આ ફિલ્મ પહેલા 17 એપ્રિલ 2026 ના રોજ રીલિઝ થવાની હતી, પરંતુ હવે તેની રિલીઝ ડેટ લંબાવવામાં આવી હોવાના અહેવાલો છે.