હેમંત વાળા
સામાન્ય રીતે એમ માનવામાં આવે કે નવરાત્રીના તહેવારમાં નવ રાત્રી હોય અને નવ દિવસ હોય, પણ ઘણીવાર આમ નથી હોતું. નવરાત્રી આઠ દિવસની પણ હોય અને દસ દિવસની પણ. અહીં એ વાત તો સ્થાપિત થાય છે કે કેટલાંક સંજોગોમાં સમયનું માપ ઘડિયાળ કે કેલેન્ડર મુજબનું નથી હોતું. તેમાં પણ ખાસ કરીને જ્યારે ગ્રહોની ગતિ, ચંદ્રની સ્થિતિ અને સૂર્યના સ્થાનની ગણતરી મુજબ ગણના હતી હોય ત્યારે ઘડિયાળ કે કેલેન્ડરનું મહત્ત્વ એટલું ન હોય.
ચૌદમી જાન્યુઆરીની વાત અલગ છે, અહીં કેલેન્ડર પ્રમાણે તહેવાર નક્કી થાય છે. અન્યથા તહેવાર પ્રમાણે કેલેન્ડર પોતાની વાત રજૂ કરે. સનાતની સંસ્કૃતિમાં તહેવાર એક ‘યોગ’ હોય છે; જ્યાં ખગોળીય પદાર્થની સ્થિતિ, પૃથ્વી પર પ્રવર્તમાન મોસમી પરિસ્થિતિ, જે તે સમય સાથેનાં પૂર્વાપર સંબંધ તથા ખગોળીય પદાર્થની અસરથી માનવીના મન પર પડતી ભાવનાકીય તેમજ શ્રદ્ધાકીય અસરનું આકલન કરવામાં આવે છે.
સનાતની તહેવાર એ ચોક્કસ ગણિતનો વિષય છે, પરંતુ સાથે સાથે તે ભાવનાત્મક ઉભારનું પ્રતિબિંબ છે, જે તે સમયે પ્રવર્તમાન ઊર્જાનું નિર્દેશન છે, શ્રદ્ધાને પ્રેરણા આપતું બળ છે, વૈશ્વિક સમીકરણમાં સકારાત્મક ફાળો આપતી ઘટના છે, દ્રષ્ટા એવાં ઋષિઓ દ્વારા કરાયેલું સૂચન છે, પરંપરાથી સ્થાપિત સાંસ્કૃતિક ઇતિહાસ છે, ચોક્કસ પ્રકારની સર્જનાત્મક ભાવનાને ઊર્જા આપતી પરિસ્થિતિ છે, સામાજિક સમરસતા માટેની સાત્વિક સંભાવના છે, મૂલ્યનિષ્ઠ સામૂહિક આદર્શ સમજવાની તક છે,
શરીર તથા મનને પુન: જાગૃત કરવાનો આશય છે, ઉત્સવીય માહોલનું સર્જન કરી પરસ્પર ખુશી વહેંચવાની પરંપરા છે, જીવનની કેટલીક બાબતોને નવી માનસિકતા સાથે નવી શરૂઆત આપવાની પ્રથા છે, દેવી શક્તિની હાજરીની અનુભૂતિ માટે પ્રયાસ કરવાનું સૂચન છે, પવિત્રતા સાથે શુદ્ધિ તેમજ ધાર્મિકતાને દ્રઢ કરવાનો રિવાજ છે, અને આ બધાં સાથે સમગ્ર સૃષ્ટિ સાથે હકારાત્મક સંવાદ સ્થાપવાનો પ્રયાસ છે. આ બધી વાતો, ઘડિયાળ અને કેલેન્ડરના સમયપત્રકમાં, એક સાથે સમાઈ શકે તે શક્ય નથી.
અહીં એમ પણ નથી કે નવરાત્રીમાં બરાબર આઠ કે નવ કે દસ દિવસ હોય - 192, 216 કે 240 કલાક હોય. અહીં ક્યારેક આવી કલાકની ગણતરી પણ તહેવારના સૂક્ષ્મ માળખામાં બંધબેસતી ન પણ હોય. સનાતની તહેવાર એ વૈશ્વિક ઊર્જાનાં પ્રકાર અને દિશાને આધારે નક્કી કરાતી ઘટના છે. હવે તો વિજ્ઞાન પણ માને છે કે દરેક ગ્રહનો એક રંગ છે અને તે ગ્રહ પૃથ્વીથી ચોક્કસ અંતરગાળામાં ચલિત રહે છે.
પ્રત્યેક ગ્રહના આ રંગ અને પૃથ્વીથી તેનાં અંતરને આધારે સૂર્યનાં કિરણો ત્યાંથી પરાવર્તિત થઈને જે માત્રામાં પૃથ્વીના જે ભૂભાગ પર ઉતરે છે તેના આધારે ત્યાં વિશેષ પ્રકારનો રંગ-સમૂહ સ્થાપિત થાય છે. રંગ ત્યારે જ અનુભવમાં આવે જ્યારે તેની સાથે પ્રકાશ જોડાયેલો હોય અને પ્રકાશ એ ઊર્જાનું એક સ્વરૂપ છે; તેથી એમ કહી શકાય કે આ રંગ-સમૂહ એક વિશેષ પ્રકારની ઊર્જાને સ્થાપિત કરે.
સનાતની સંસ્કૃતિના તહેવારો આ ઊર્જાના પ્રકાશને આધારે નક્કી થતાં હોય છે તેમ વિશ્વાસપૂર્વક કહી શકાય. નવરાત્રીના તહેવારમાં આવી ચોક્કસ પ્રકારની ઊર્જા જેટલા સમય સુધી પૃથ્વીના આ ભૂભાગમાં પ્રાપ્ત થાય તેટલા સમય સુધી નવરાત્રીનો તહેવાર પ્રવર્તમાન છે તેમ કહેવાય.
આ સમયગાળામાં સુચિત અને નિર્ધારિત પૂજા કરવાની હોય, મા જગદંબાના કોઈપણ કે જે તે સ્વરૂપની ભક્તિ કરવાની હોય, યજ્ઞ-હવન જેવાં શાસ્ત્રીય રીતે સૂચિત ક્રિયા-કર્મ કરવાનાં હોય, સામાજિક સમરસતા સાથે ઉત્સવીય માહોલ સર્જી સામાજિક ઉત્તરદાયિત્વ સ્વરૂપ ધર્મનું પાલન કરવાનું હોય, પોતાની શ્રદ્ધા અનુસાર ઇષ્ટદેવની આરાધના કરવાની હોય અને આધ્યાત્મના માર્ગ પર આગળ વધી શકાય તે માટે જગત-જનનીને વિનંતી કરવાની હોય.
એમ કહી ન શકાય કે આમ કરવા માટે નવ દિવસની આવશ્યકતા હોય. હકીકત તો એ છે કે નવરાત્રીના ચોઘડિયામાં આની શરૂઆત કરી જ્યાં સુધી અંતિમ પરિણામ પ્રાપ્ય ન થાય, માતાની પરમ-કૃપા સમાન અંતિમ લક્ષ્ય સિદ્ધ ન થાય, માયાના પ્રપંચનો તોડ ન નીકળે, નિત્ય-અનિત્યનો ભેદ સમજમાં ન આવે કે દ્રષ્ટિ અંદરની તરફ ન વળે ત્યાં સુધી પ્રયત્નો ચાલુ રાખવા પડે; નવરાત્રી ત્યાં સુધી લંબાય. નવરાત્રી તો આત્માનુભૂતિ થઈ શકે તે માટેના પુરુષાર્થના પ્રારંભ માટે છે, તેનો અંત તો પરિણામ પ્રાપ્તિ સમયે થાય. જ્યારે નવરાત્રી જેવાં તહેવારને સમયની મર્યાદામાં બાંધવામાં આવે ત્યારે તે તહેવાર પાછળનો મૂળ હેતુ સિદ્ધ થવાની સંભાવના ઓછી રહે.
અન્ય તહેવારની સરખામણીમાં આ લાંબો તહેવાર છે. તેનાં સ્પષ્ટ કારણો છે. આ સમયગાળામાં કરવાં યોગ્ય ધાર્મિક તેમજ આધ્યાત્મિક કાર્ય ઘણાં છે. અહીં સ્વરૂપની પસંદગી પણ શક્ય છે, ભક્તિ કે સાધનાના માર્ગમાં વિવિધતા હોવાથી તેમાં પણ પસંદગીની સંભાવના છે, પ્રાપ્ય સંસાધનો, ઉપકરણો તથા વ્યક્તિગત ક્ષમતા તેમજ રુચિ અનુસાર માર્ગની પસંદગી પણ થઈ શકે છે. અહીં જે માત્રામાં અને જે પ્રકારની અને જે વિવિધતાથી, ભક્તિની વિવિધ સંભાવનાઓ નો સમાવેશ થાય છે તે અકલ્પનીય છે, અદભુત છે અને માનવજાત પર વરદાન સમાન છે. આ વરદાન ઘડિયાળ કે કેલેન્ડરની ગતિ પ્રમાણે કાર્યરત ન રહે તે સ્વાભાવિક છે.
નવરાત્રીના દિવસો નક્કી કરવા માટેની સ્પષ્ટ ગણતરી પંચાંગમાં જોવાં મળે. અહીં ઘડિયાળ તથા કેલેન્ડરમાં નિર્ધારિત થઈ શકે તે સ્તરની ગણતરી શક્ય હોય છે, પરંતુ સનાતનની તહેવારમાં આવી ભૌતિક ગણતરી કરતા સૂક્ષ્મ ભાવ, સૂક્ષ્મ સંવેદના તથા સૂક્ષ્મ ચેતનાની સમજને વધુ મહત્ત્વ અપાય છે. સંપૂર્ણતામાં તો એમ કહી શકાય કે તહેવાર મનમાં હોય, તેનો સમયગાળો પણ મનની સ્થિતિ પ્રમાણે નિર્ધારિત થાય. જેને માતાનું શરણું પ્રાપ્ત થયું હોય તે આખું વરસ નવરાત્રી ઉજવી શકે.