Tue Oct 06 2026

Logo

નવી મુંબઈમાં બેકાબૂ કારે પાંચ વાહનને ટક્કર મારી: યુવાનનું મોત, પાંચ જખમી

2026-07-07 20:28:58
Author: Yogesh C. Patel
નવી મુંબઈમાં બેકાબૂ કારે પાંચ વાહનને ટક્કર મારી: યુવાનનું મોત, પાંચ જખમી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
બેકાબૂ ઈલેક્ટ્રિક કારે આગળ જઈ રહેલાં પાંચથી છ વાહનને ટક્કર મારી હોવાની ઘટના નવી મુંબઈના તળોજા ખાતે બની હતી. આ ઘટનામાં એક યુવાનનું મોત નીપજ્યું હતું, જ્યારે પાંચ જણ ઘવાયા હતા. તળોજા પોલીસના જણાવ્યા મુજબ ગમખ્વાર અકસ્માત મંગળવારની બપોરે 12.45 વાગ્યાની આસપાસ તળોજા ફેઝ-1 ખાતે થયો હતો. ઘટનામાં જીવ ગુમાવનારાની ઓળખ નદીમ આઝમ ખાન તરીકે થઈ હતી.

અધિકારીએ જણાવ્યું હતું કે અકસ્માત બાદ આરોપી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. જોકે કારને ઓળખી કાઢવામાં આવી હોવાથી આરોપીની શોધ ચલાવાઈ રહી છે. પોલીસ ફરિયાદ અનુસાર પુરપાટ વેગે આવેલી મહિન્દ્રા એક્સયુવી ઈલેક્ટ્રિક કાર પરથી ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો હતો. કાર આગળ જઈ રહેલા વાહનોને ટકરાઈને રસ્તાને કિનારે ઊભી રહી હતી. કારે છ જણને અડફેટે લીધા હતા, જેમાં નદીમ ખાનનું મૃત્યુ થયું હતું.

અકસ્માતમાં જખમી શરાફુદ્દીન શાકીર અલી (43), રામદુલારે રામસહાય ગુપ્તા (37), સની મહેન્દ્ર નિષાદ (33), વિઘ્નેશ સંતોષ પાનસરે (17) અને મોહમ્મદ ગુલફરાઝ અમડી નસીમ શેખ (28) જખમી થયા હતા. સારવાર માટે તેમને એમજીએમ હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ પ્રકરણે તળોજા પોલીસે ગુનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરી હતી.