Sun May 31 2026

Logo

નવી મુંબઈ પાલિકાએ બે મહિનામાં  ૧૦૦ કરોડનો પ્રોપર્ટી ટેક્સ વસૂલ્યો

2026-05-31 09:04:00
Author: Sapna Desai
Article Image


(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: નવી મુંબઈ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી ઝૂંબેશને નાગરિકોએ ભરપૂર પ્રતિસાદ આપતા નાણાકીય વર્ષ ૨૦૨-૨૭નાં પહેલા બે મહિનામાં જ ૧૦૦ કરોડ રૂપિયા કરતા વધુ  પ્રોપર્ટી ટેક્સ વસૂલ કરવામાં સફળ રહી છે. 

આ નાણાકીય વર્ષમાં પહેલી એપ્રિલ, ૨૦૨૬થી ૩૦ મે, ૨૦૨૬ સુધીના બે મહિનામાં  ૧૦૦ કરોડથી વધુ મિલકત વેરો વસૂલવામાં આવ્યો છે. નવી મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ડૉ. કૈલાશ શિંદેએ જણાવ્યું હતું કે નવી મુંબઈ મહાનગર  પાલિકાની સ્થાપના પછી પહેલી વખત  નાણાકીય વર્ષના પહેલા બે મહિનામાં ૧૦૦ કરોડ રૂપિયાથી વધુ રકમ વસૂલવામાં આવી છે. ૩૦ મેના  બપોરે ૧૨ વાગ્યા સુધી પ્રોપર્ટી ટેક્સ  તરીકે  ૧૦૧ કરોડ ૧૦ લાખ રૂપિયા વસૂલવામાં આવ્યા હતા,  જેમાંથી  ૮૦ કરોડ  રૂપિયા ઓનલાઈન અને ૧૯ કરોડ રૂપિયા બેંક વ્યવહારો દ્વારા અને બે કરોડ રૂપિયા ઓફલાઈન પ્રત્યક્ષ કર ચુકવણી દ્વારા એકત્રિત કરવામાં આવ્યા હતા.

નવી મુંબઈના નાગરિકોએ મોટાભાગે ક્યૂઆર કોડ, યૂપીઆઈ, નેટ બેંકિગ, ડેબિટ/ક્રેડિટ કાર્ડ, મોબાઈલ બેંકિંગ અને મહાનગરપાલિકા દ્વારા પૂરા પાડવામાં આવતા વિવિધ ઓનલાઈન વિકલ્પોને પસંદ કર્યા છે. આમા  રહેણાંક મિલકતોમાંથી  ૨૯.૫૨ કરોડ રૂપિયા, બિન-રહેણાંક મિલકતોમાંથી ૨૪.૮૫ કરોડ રૂપિયા અને ઔદ્યોગિક મિલકતોમાંથી ૪૧.૨૧ કરોડ રૂપિયા વસૂલવામાં આવ્યા છે. કુલ ૩,૫૪,૭૩૭ કરદાતાઓમાંથી ૫૬,૧૬૬ નાગરિકોએ અત્યાર સુધીમાં મહાનગરપાલિકાને પ્રોપટી ટેક્સ ચૂકવ્યો છે.

નવી મુંબઈ પાલિકા દ્વારા દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ ૩૦ જૂન, ૨૦૨૬ પહેલા પ્રોપર્ટી ટેક્સ  ભરીને વધારાના બે ટકા સરચાર્જથી બચે અને ઓનલાઈન અને ડિજિટલ સુવિધાઓનો મહત્તમ લાભ લેવો.

વોટ્સએપ ચેટ પર ઓનલાઈન બિલ મેળવો
મહાનગરપાલિકાએ નાગરિકો માટે મિલકત વેરાનું બિલ પણ ઓનલાઈન ઉપલબ્ધ કરાવ્યું છે. ઉપરાંત પ્રોપર્ટી ટેક્સનું  બિલ મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઇટ અને વોટ્સએપ ચેટબોટ નંબર ૮૨૯૧૯૨૦૫૦૪ પરથી ઓનલાઈન મેળવી શકાય છે. વોટ્સએપ ચેટબોટ દ્વારા બિલ મેળવવા માટે નાગરિકોએ મહાનગરપાલિકાના સત્તાવાર નંબર ૮૨૯૧૯૨૦૫૦૪ પર હાઈ કહેતો સંદેશ મોકલવાનો રહેશે અને નીચેની સૂચનાઓ અનુસાર મિલકત નંબર નોંધાવવાનો રહેશે. ત્યારબાદ, સંબંધિત પ્રોપર્ટી ટેક્સ બિલ તાત્કાલિક મોબાઇલ પર ઉપલબ્ધ થશે. એ ઉપરાંત નાગરિકોની સુવિધા માટે, મોબાઇલ નંબરને પ્રોપર્ટી સાથે લિંક કરવાની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આનાથી ટેક્સ ચુકવણી સૂચનાઓ, બિલ અને અન્ય મહત્વપૂર્ણ માહિતી સીધી મોબાઇલ પર પ્રાપ્ત કરવામાં મદદ મળે છે.