સંકલિત આરોગ્યસંભાળ ઇકોસિસ્ટમ વિકસાવવા માટે 1.2 બિલિયનનું રોકાણ કરવાની પ્રતિબદ્ધતા
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ’મેડિસિટી’ એ રાજ્ય સરકારનું એક વિશ્ર્વ કક્ષાની આરોગ્યસંભાળ ઇકોસિસ્ટમ બનાવવાનું વિઝન છે જે દર્દીની સંભાળ, તબીબી શિક્ષણ, સંશોધન, નવીનતા અને પ્રતિભાને એક સંકલિત હબમાં એકસાથે લાવે છે. આ ખ્યાલ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રજૂ કરાયેલા ‘હીલ ઇન ઇન્ડિયા’ના વિઝન સાથે સુસંગત છે અને ટૂંક સમયમાં વાસ્તવિકતા બનશે, એમ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું.
વિશ્વની સૌથી મહત્વાકાંક્ષી આરોગ્યસંભાળ ઇકોસિસ્ટમમાંની એક બનાવવા તરફ એક ઐતિહાસિક પગલું ભરતા, મહારાષ્ટ્ર સરકાર, ક્લેવલેન્ડ ક્લિનિક (સીસી), બ્રુકફિલ્ડ એસેટ મેનેજમેન્ટ અને આરોહણ હેલ્થ સિટી (એએચસી)એ નવી મુંબઈ ઇન્ટરનેશનલ મેડિસિટીના વિકાસ માટે સહયોગ કરવા માટે સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા હતા. ફડણવીસ મુંબઈથી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા ઐતિહાસિક પ્રસંગના સાક્ષી બન્યા હતા. તેમની સાથે વરિષ્ઠ સરકારી અધિકારીઓ તેમજ બ્રુકફિલ્ડ અને એએચસીના પ્રતિનિધિઓ પણ હતા.
મુખ્ય પ્રધાનના અંગત સલાહકાર કૌસ્તુભ ધવસે, ક્લેવલેન્ડ ક્લિનિક મુખ્યાલયમાં મહારાષ્ટ્ર સરકારનું પ્રતિનિધિત્વ કર્યું. ક્લેવલેન્ડ ક્લિનિક ટીમનું નેતૃત્વ તેના સીઈઓ ડો. ટોમિસ્લાવ મિહાલજેવિક, ડો. સમીર કાપડિયા (પ્રેસિડેન્ટ, કાર્ડિયોવેસ્ક્યુલર મેડિસિન), ડો. ફાલ્કોન (પ્રેસિડેન્ટ, ઇમર્જિંગ માર્કેટ્સ) અને લક્ષ્મી મિત્તલ, આર્સેલરમિત્તલના એક્ઝિક્યુટિવ ચેરમેન અને ક્લેવલેન્ડ ક્લિનિકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સભ્ય દ્વારા કરવામાં આવ્યું હતું. ડો. સલોની પટવર્ધન પણ ક્લેવલેન્ડમાં હાજર હતા.
આ પ્રસંગે ફડણવીસે કહ્યું હતું કે, ‘આ એમઓયુ ભારતમાં આરોગ્યસંભાળ ક્ષેત્રમાં પરિવર્તનશીલ યાત્રાની શરૂઆત છે. અમને ગર્વ છે કે વિશ્ર્વની સૌથી પ્રતિષ્ઠિત આરોગ્યસંભાળ સંસ્થાઓમાંની એક, ક્લેવલેન્ડ ક્લિનિકે આ પહેલમાં મહારાષ્ટ્ર સાથે ભાગીદારી કરવાનો નિર્ણય લીધો છે.’ ફડણવીસે ડો. મિહાલજેવિકના નેતૃત્વ હેઠળના સમગ્ર ક્લેવલેન્ડ ક્લિનિક નેતૃત્વનો અને ખાસ કરીને ડો. સમીર કાપડિયા અને લક્ષ્મી મિત્તલનો આ પહેલને આગળ વધારવા બદલ આભાર માન્યો હતો.
ભારતના પ્રથમ વિશ્ર્વ કક્ષાની આરોગ્યસંભાળ, સંશોધન, તબીબી શિક્ષણ અને તબીબી પર્યટન કેન્દ્ર તરીકે કલ્પના કરાયેલા નવી મુંબઈના ઇન્ટરનેશનલ મેડિસિટી નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટને અડીને આવેલા લગભગ 250 એકર વિસ્તારમાં વિકસાવવામાં આવશે.
પ્રસ્તાવિત ભાગીદારી મુજબ, ક્લેવલેન્ડ ક્લિનિક આ પ્રોજેક્ટ માટે મુખ્ય સંસ્થા તરીકે કાર્ય કરશે. ઉચ્ચ ગુણવત્તાવાળી આરોગ્યસંભાળ, તબીબી શિક્ષણ, સંશોધન, નવીનતા અને દર્દી-કેન્દ્રિત આરોગ્યસંભાળ પૂરી પાડવાનો તેનો વૈશ્વિક અનુભવ પ્રોજેક્ટને ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ પ્રોજેક્ટ લગભગ 1.2 બિલિયન યુએસ ડોલરનું રોકાણ આકર્ષિત કરશે અને 10,000 થી વધુ સીધી નોકરીઓનું સર્જન કરશે તેવી અપેક્ષા છે.