Tue Oct 06 2026

Logo

નવી મુંબઈ એરપોર્ટ: આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ માટે પ્રથમ વર્ષે લેન્ડિંગ ચાર્જ 100 ટકા માફ

2026-09-10 19:03:38
Author: Mumbai Samachar Team
નવી મુંબઈ એરપોર્ટ: આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ માટે પ્રથમ વર્ષે લેન્ડિંગ ચાર્જ 100 ટકા માફ

નવી મુંબઈ: નવનિર્મિત નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી આંતરરાષ્ટ્રીય હવાઈ કનેક્ટિવિટી વધારવા માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. એરપોર્ટ્સ ઈકોનોમિક રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AERA)એ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ માટે પ્રથમ વર્ષના લેન્ડિંગ ચાર્જમાં 100 ટકા છૂટને મંજૂરી આપી છે. આ નિર્ણયનો મુખ્ય હેતુ એરલાઇન્સને નવી મુંબઈ એરપોર્ટ પરથી નવી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ શરૂ કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.

ખાસ વાત એ છે કે જો કોઈ એરલાઇન મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી પહેલેથી જ કોઈ આંતરરાષ્ટ્રીય રૂટનું સંચાલન કરતી હોય, તો પણ નવી મુંબઈ એરપોર્ટ પરથી એ જ એરલાઈનને નવા આંતરરાષ્ટ્રીય રૂટ માટે આ પ્રોત્સાહન મળી શકશે. અગાઉની વ્યવસ્થામાં મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં નવો રૂટ રાખવાની શરત હતી, જ્યારે હવે આ માપદંડ ખાસ નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી નવા રૂટ શરૂ કરવા સાથે પણ જોડવામાં આવ્યો છે.

આ પ્રોત્સાહન માત્ર પ્રથમ વર્ષ પૂરતું મર્યાદિત નથી. 5,000 કિલોમીટર સુધીના શોર્ટ-હોલ આંતરરાષ્ટ્રીય રૂટ માટે બીજા વર્ષે લેન્ડિંગ ચાર્જમાં 50 ટકા છૂટ મળશે. જ્યારે 5,000 કિલોમીટરથી વધુના લોંગ-હોલ રૂટ માટે બીજા વર્ષે 50 ટકા અને ત્રીજા વર્ષે 25 ટકા છૂટ આપવામાં આવશે. આથી એરલાઈન્સને નવા રૂટ શરૂ કર્યા બાદ શરૂઆતના વર્ષોમાં ઓપરેશનલ ખર્ચ ઘટાડવામાં મદદ મળશે.

આ ઉપરાંત નવી મુંબઈ એરપોર્ટ પરથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સની ફ્રિક્વન્સી વધારતી એરલાઇન્સ માટે પણ લેન્ડિંગ ચાર્જમાં 75 ટકા સુધીની છૂટની જોગવાઈ કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય કાર્ગો ફ્લાઈટ્સ માટે પણ ખાસ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. નવા આંતરરાષ્ટ્રીય ફ્રેઈટર ઓપરેશનને પ્રથમ વર્ષે લેન્ડિંગ ચાર્જમાં 90 ટકા અને બીજા વર્ષે 50 ટકા સુધીની છૂટ અપાશે. 

નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટનું સંચાલન અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ અને સિડકોની ભાગીદારીથી વિકસાવાયેલા પ્રોજેક્ટ હેઠળ થઈ રહ્યું છે. એરપોર્ટની શરૂઆતની વાર્ષિક ક્ષમતા લગભગ 2 કરોડ મુસાફરોની છે, જ્યારે સંપૂર્ણ વિકાસ બાદ તેની ક્ષમતા 9 કરોડ મુસાફરો અને વાર્ષિક 32 લાખ ટન કાર્ગો હેન્ડલ કરવાની રહેશે. આવી સ્થિતિમાં નવા ટેરિફ ઇન્સેન્ટિવથી નવી મુંબઈને આંતરરાષ્ટ્રીય પેસેન્જર અને કાર્ગો હબ તરીકે વિકસાવવામાં મદદ મળવાની અપેક્ષા છે.

નવા આંતરરાષ્ટ્રીય રૂટ વધશે તો તેનો સીધો લાભ મુસાફરોને પણ થઈ શકે છે. નવી મુંબઈથી વધુ શહેરો માટે સીધી ફ્લાઈટ્સ ઉપલબ્ધ થવાની સાથે એરલાઈન્સ વચ્ચેની સ્પર્ધા વધી શકે છે. નવા રૂટ શરૂ કરતી એરલાઈન્સ શરૂઆતના તબક્કામાં ઓછા ઓપરેશનલ ખર્ચનો લાભ મુસાફરોને સ્પર્ધાત્મક ભાડાના રૂપમાં પણ આપી શકે છે. 

નવી મુંબઈ એરપોર્ટ પહેલેથી જ ઝડપથી મુસાફરોનું કેન્દ્ર બની રહ્યું છે અને હવે આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી વધારવાનો આ નિર્ણય તેની ભૂમિકાને વધુ મજબૂત કરી શકે છે.