Mon Oct 05 2026

Logo

નેશનલ ફિલ્મ એવોર્ડ્સ દિલ્હીથી ગુજરાત ખસેડાતા વિપક્ષ આક્રમક: મુંબઈ-દિલ્હીનું મહત્વ ઘટાડવાનો આરોપ

2026-09-10 21:48:57
Author: Mumbai Samachar Team
નેશનલ ફિલ્મ એવોર્ડ્સ દિલ્હીથી ગુજરાત ખસેડાતા વિપક્ષ આક્રમક: મુંબઈ-દિલ્હીનું મહત્વ ઘટાડવાનો આરોપ

મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિરોધ પક્ષોએ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ દિલ્હીથી ગુજરાત ખસેડવા બદલ કેન્દ્ર સરકારની ટીકા કરી હતી અને આક્ષેપ કર્યો હતો કે રાષ્ટ્રીય રાજધાની તથા મુંબઈના મહત્વને ઘટાડવા માટે આવું કરવામાં આવ્યું છે.

રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ ગુજરાતના કેવડિયા ખાતે ૨૨ સપ્ટેમ્બરે યોજાશે, જેમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પુરસ્કારો અર્પણ કરશે. કેવડિયાનું નામ બદલીને હવે 'એકતા નગર' કરવામાં આવ્યું છે,જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા આવેલી છે. 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' તરીકે ઓળખાતી આ પ્રતિમાનું ઉદ્ઘાટન ૨૦૧૮માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું.

એનસીપી (એસપી) ના નેતા સુપ્રિયા સુળેએ કહ્યું કે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ નવી દિલ્હીમાં જ યોજાવો જોઈએ, કારણ કે તે દેશની રાજધાની છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે દિલ્હી અને મુંબઈનું મહત્વ ઘટાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે, કારણ કે ક્રિકેટ વર્લ્ડ કપની મેચો અને વિદેશી રાષ્ટ્રાધ્યક્ષોની મુલાકાતો સહિતના વિવિધ મહત્વપૂર્ણ કાર્યક્રમો હવે વધુને વધુ ગુજરાતમાં યોજાઈ રહ્યા છે.
  
શિવસેના (યુબીટી)ના નેતા આદિત્ય ઠાકરેએ પણ કહ્યું કે ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર બધું જ ગુજરાત લઈ જવા માંગે છે, પછી ભલે તે ઓલિમ્પિક ગેમ્સ હોય કે ક્રિકેટ મેચો. તેમણે સવાલ કર્યો કે શું આ કેન્દ્ર સરકાર માત્ર ગુજરાત માટે છે કે સમગ્ર દેશ માટે?

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેએ કહ્યું કે ભારતમાં આ પહેલાં ઘણા વડા પ્રધાનો થઈ ગયા છે, પરંતુ તેમાંથી કોઈએ પણ પોતાના ગૃહ રાજ્ય અથવા કાર્યક્ષેત્રના રાજ્યને વાસ્તવિકતા કરતાં વધુ મહાન તરીકે રજૂ કરવાનો બળજબરીપૂર્વકનો પ્રયાસ કર્યો નથી. 

"ઓસ્કાર સમારોહ લોસ એન્જલસમાં યોજાય છે. ટ્રમ્પ, બુશ કે ઓબામા જેવા (અમેરિકી) પ્રમુખોએ ક્યારેય આ સમારોહને પોતપોતાના ગૃહ રાજ્યોમાં ખસેડવાનો પ્રયાસ કર્યો નથી.અને જો મહારાષ્ટ્ર તથા દક્ષિણના રાજ્યો મક્કમ વલણ નહીં અપનાવે, તો આ જ લોકો આખરે સમગ્ર દખ્ખણ પ્રદેશની ઓળખ અને ગૌરવને કચડી નાખશે અને ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હશે," એમ ઠાકરેએ ઉમેર્યું.