LPG હવે કેવી રીતે પહોંચશે ઘર સુધી, સમજવા જેવી છે સમગ્ર પ્રક્રિયા?
નવી દિલ્હી/જામનગરઃ ઈરાન-અમરિકા અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે સમગ્ર મિડલ ઈસ્ટમાં માહોલ હવે સંવેદનશીલ બની રહ્યો છે. આ માહોલ વચ્ચે હવે ભારતીય તિરંગા ધરાવતું જહાજ હોર્મઝ સ્ટ્રેટ પસાર કરીને ભારત પહોંચ્યું હતું. ગુજરાતના જામનગર પાસે આવેલા વાડીનાર ખાતે ગેસ સ્ટોક અનલોડ કર્યો હતો.
પંડિત દીન દયાલ પોર્ટ ઓથોરિટીના ચેરમેન સુશીલકુમાર સિંહે જણાવ્યું હતું કે રાતના 2.30 વાગ્યે આ જહાજ આવી પહોંચ્યું હતું. નંદા દેવી જહાજ 46,500 મેટ્રિક ટન LPG ગેસ લઈને ભારત પહોંચાડવામાં આવ્યો છે.
અત્યારે જ કંઈ ગેસની કટોકટી ખતમ થશે નહીં
જહાજમાંથી ગેસને ડાયરેક્ટ આપણા સુધી પહોંચવા માટે ઘણી પ્રક્રિયામાંથી પસાર થવાનું હોય છે. જહાજ આવી ગયું એટલે બીજી મિનિટે ગેસની કટોકટી ખતમ થશે એવું નથી. મોટાભાગના કેસમાં LPG ગેસ સમુદ્રના રસ્તેથી જહાજ મારફતે આપણા દેશમાં આવે છે. વિદેશમાંથી જહાજ રવાના થયા બાદ એક રૂટ નક્કી હોય છે, જ્યાંથી જહાજ પસાર થાય છે.
જહાજ પછી પોર્ટ પર રોકાય છે, મોટા-મોટા પાઈપની મદદથી ગેસને કિનારા પર બનેલા ઈમ્પોર્ટ ટર્મિનલમાં ભરવામાં આવે છે. અહીં પ્રેશર અને ફોર્સ પણ એટલા જ મહત્ત્વના હોય છે. કિનારાથી થોડે દૂર ગોળાકારમાં ટેંકમાં આ ગેસનો સ્ટોક કરવામાં આવે છે, જેને LPG સ્ટોક ટર્મિનલ તરીકે ઓળખવામાં આવે છે.
સમજવા જેવી છે વિતરણ વ્યવસ્થા
ટર્મિનલ પરથી દેશના જુદા જુદા ભાગમાં આવેલા બોટલિંગ પ્લાન્ટ સુધી ગેસને પહોંચાડવામાં આવે છે. અહીં પણ બે પ્રકારની પદ્ધતિને ફોલો કરવામાં આવે છે. પાઈપલાઈન મારફતે અને રોડ ટેન્કર દ્વારા. જ્યારે પાઈપલાઈન મારફતે ગેસનું વિતરણ કરવામાં આવે છે એમાં જમીનની અંદર ગેસની પાઈપલાઈન નાંખેલી હોય છે, જેમાં ગેસને ફોર્સ પૂર્વક રવાના કરવામાં આવે છે.
હજારો કિલોમીટર દૂર ગેસ મોકલવા માટેનો આ સુરક્ષિત રસ્તો મનાય છે. આ કોઈ સામાન્ય પાઈપલાઈન હોતી નથી. ગેસનું વહન કરી શકે એટલી સક્ષમ હોય છે.
રોડ ટેન્કરથી વિતરણ
હાઈ-વે પર ઘણીવાર તમે સફેદ રંગના ગેસ ટેન્કરને દોડતા જોયા હશે, જેમાં પાછળના ભાગે હાઈલી ઈમ્ફેમેબલ લખેલું હોય છે. આ ટ્રક જે તે ગેસ પ્લાન્ટ સુધી જાય છે અને પછી બોટલમાં ફીલ કરીને વિતરણ કરવામાં આવે છે. જ્યાં ગેસના બાટલાને ભરવામાં આવે છે તેને બોટલિંગ પ્લાંટ તરીકે ઓળખવામાં આવે છે. બાટલા ભરાય એ પહેલા ખાલી ગેસ સિલિન્ડરનું ચેકિંગ કરવામાં આવે છે.
લિંક કે હોલ હોય તો એ બોટલને અલગ કરી દેવામાં આવે છે. પછી ઓટોમેટિક મશિનની મદદથી સિલિન્ડરનું વજન થાય છે. ગેસ ભરાઈ ગયા બાદ વાલ્વ ચેક કરવામાં આવે છે પછી એના પર કેપ લગાવવામાં આવે છે. પછી તેને સીલ કરી દેવામાં આવે છે. આ પછી સિલિન્ડર જે તે એજન્સી સુધી પહોંચે છે અને ત્યાંથી જે તે ગ્રાહક સુધી ગેસ સિલિન્ડર પહોંચે છે.
દેશભરમાં વિતરણ કરાશે
આ ગેસનું વિતરણ સમગ્ર દેશમાં કરવામાં આવશે. ઊંડા સમુદ્રમાં શિપ ટુ શિપ પ્રક્રિયાના માધ્યમથી ગેસનું વિતરણ કરાશે. કાર્ગો MT BW Birch જહાજમાં સ્થાનાંતરિત કરાશે, આ પ્રક્રિયા આજથી(17 માર્ચ 2026થી) જ શરૂ કરી દેવામાં આવી છે. જહાજના કેપ્ટન અને ક્રુ મેમ્બર્સ સાથે મુલાકાત કરીને સમગ્ર સ્ટાફનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.સુરક્ષિત રીતે જહાજ ભારત સુધી પહોંચ્યું છે. ટ્રાંસફર પ્રક્રિયા દરમિયાન શક્ય એટલો તમામ સહયોગ પણ પોર્ટ તરફથી આપવામાં આવશે.