આ ફિલ્મ પૂરી કરવા માટે નિર્માતા-નિર્દેશક એન. ચંદ્રા પાસે પૂરતું ફંડ નહોતું ત્યારે નાનાએ પોતાનું ઘર ગિરવે મૂકીને બે લાખ રૂપિયા એમને આપ્યા હતા.
મોર્નિંગ મ્યૂસિંગ - રાજ ગોસ્વામી
મેહુલકુમારની બોક્સ-ઓફિસ ફોર્મ્યુલાએ તેમને મસાલા ફિલ્મોની દુનિયામાં ‘ખેંચી’ લીધા તે પહેલાં, નાના પાટેકરનો શરૂઆતનો દાયકો એકદમ અસાધારણ હતો. દીક્ષા, થોડા સા રૂમાની હો જાયેં, પ્રહાર, અંધા યુદ્ધ, પરિંદા અને અંગાર જેવી ફિલ્મોમાં તેમની અભિયન યાત્રા શાનદાર હતી. આ એક એવી યાત્રા હતી જેમાં નોખા કિરદાર કરીને હિન્દી સિનેમામાં પોતાની એક અનુઠી જગ્યા બનાવી હતી.
મૌલિક કિરદારો કરવાના એ દૌરની શરૂઆત થઇ હતી એન. ચંદ્રાની ‘અંકુશ’ ફિલ્મથી. 1986માં દિલીપકુમારની ‘કર્મા,’ અમિતાભ બચ્ચનની ‘આખરી રાસ્તા,’ રાજેશ ખન્નાની ‘અમૃત,’ ફિરોઝ ખાનની ‘જાંબાઝ,’ જીતેન્દ્રની ‘સ્વર્ગ સે સુંદર,’ સંજય દત્તની ‘નામ,’ ગોવિંદાની ‘ઈલ્ઝામ’ અને અનીલ કપૂરની ‘ચમેલી કી શાદી’ જેવી મોટી ફિલ્મો વચ્ચે માત્ર રૂપિયા 12 લાખમાં બનેલી ‘અંકુશ’ આવી, અને બોક્સ ઓફીસ પર હરણની જેમ ઠેકડા ભરીને મોટી હીટ સાબિત થઇ.
નાના પાટેકરનો એન્ગ્રી યંગ મેનનો અવતાર આ ફિલ્મથી થયો હતો. નાના ત્યારે મરાઠી થિયેટરમાં કામ કરતો હતો અને પુણેમાં રહેતો હતો. ‘અંકુશ’ ફિલ્મથી તે મુંબઈ રહેવા આવી ગયો હતો. એટલું જ નહીં, આ ફિલ્મના નિર્દેશક એન. ચંદ્રાને કોઈ ધીરધાર કરવાવાળું મળતું ન હતું એટલે નાનાએ બે લાખ રૂપિયામાં તેનું ઘર ગિરવે મુક્યું હતું.
આ ફિલ્મ મુંબઈની ચાલના બેરોજગાર છોકરાઓના આક્રોશથી ભરેલી હતી. નાનાએ તેમાં રવીન્દ્ર કેલકર ઉર્ફે રવિની ભૂમિકા કરી હતી. મરાઠી ઉચ્ચારણો સાથે નાનાએ જે તાકાતથી તેમાં સંવાદો ઉચ્ચાર્યા હતા, દર્શકો તેનો પાવર જોઇને સીટમાંથી ઉછળી પડ્યા હતા. ત્યારનું મુંબઈ તેની કપડા મિલોના કારણે જાણીતું હતું અને મિલો બંધ થઇ પછી જે બેકારી આવી હતી, તેનું ચિત્રણ આ ફિલ્મમાં હતું. તેમાં નોકરી-ધંધા વગરના ચાર ભાઈબંધો આમતેમ રખડી ખાય છે, પણ તેમની ચાલની એક કામકાજી છોકરી અનિતા (નિશા સિંહ) પર તેના ઐયાશ માલિકો બળાત્કાર કરે છે, ત્યારે માલિકોને પાઠ ભણાવવા માટે ચારે જણા તેમની સામાજિક હતાશાને હિંસામાં ઠાલવે છે.
‘શરૂઆતમાં મને એ બળાત્કારીઓ પૈકીના એકની ભૂમિકા ઓફર થઇ હતી,’ નાનાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, ‘મેં એન. ચંદ્રાને ગાળો આપીને કાઢી મુક્યો. ફિલ્મની મુખ્ય ભૂમિકા એક જાણીતો મરાઠી એક્ટર રવીન્દ્ર મહાજન કરવાનો હતો, પણ તેણે 25,000 રૂપિયા માગ્યા હતા. નિર્માતા પાસે એટલા નહોતા. મને એડવાન્સમાં રૂપિયા 3,000 અને ફિલ્મ વેચાય પછી 7,000ની ઓફર થઇ હતી, પણ થયું એવું કે મેં જ મારું ઘર ગિરવે મુકીને ફિલ્મ પૂરી કરવા બે લાખ રૂપિયા આપ્યા. ફિલ્મ હીટ ગઈ પછી ચંદ્રાએ મને પૈસા ય પાછા આપ્યા અને ઉપરથી મને એક સ્કૂટર ભેટમાં આપ્યું. એ મારું પહેલું સ્કૂટર હતું.’
એન. ચંદ્રા તેને યાદ કરીને કહે છે, અંકુશે મારી જિંદગી બદલી નાખી હતી. તેને બનાવવા માટે મારે બહુ સંઘર્ષ કરવો પડ્યો હતો. મેં મારું ઘર વેચી દીધું હતું. નિર્માતા પાસે પૈસા ખતમ થઇ ગયા તો મારી બહેન અને પત્નીનાં ઘરેણાં વેચી દીધાં હતાં, પણ અંકુશે મારું નસીબ બદલી નાખ્યું. મુંબઈના વિતરણના હક્ક મેં મારી પાસે રાખ્યા હતા. મને 12 લાખના 95 લાખ મળ્યા. એ સાચા અર્થમાં બ્લોકબસ્ટર ફિલ્મ હતી.
‘અંકુશ’ ગુલઝારની 1971માં આવેલી વિનોદ ખન્ના અભિનીત ‘મેરે અપને’ની તર્જ પર બની હતી. ‘મેરે અપને’ ગુલઝારની નિર્દેશક તરીકેની પહેલી ફિલ્મ. ચંદ્રશેખર નાર્વેકર ઉર્ફે એન. ચંદ્રાના પિતા તારદેવમાં ફિલ્મ સેન્ટર સ્ટુડીઓમાં કામ કરતા હતા અને પિતાની દેખા-દેખી ગુલઝારની ‘પરિચય’ ફિલ્મના સેટ્સ પર ક્લેપર બોય તરીકે કામ કરવા લાગ્યા હતા અને એમાંથી તે ગુલઝારના એડિટર બન્યા હતા.
‘મેરે અપને’માં વિનોદ ખન્નાનો જે રોલ હતો, તેના પરથી જ એન. ચંદ્રાએ ‘અંકુશ’માં રવીન્દ્ર કેલકરનો રોલ લખ્યો હતો. ‘મેરે અપને’ની બેકાર વિદ્યાર્થીઓની હિંસાને એન. ચંદ્રાએ ‘અંકુશ’માં મુંબઈના બેરોજગાર ટપોરી યુવાનોની હિંસામાં તબદીલ કરી નાખી હતી. હું ગુલઝારનો શિષ્ય હતો, ચંદ્રા કહે છે, તેમણે મને ખાલી ફિલ્મો બનાવતાં જ શીખવ્યું ન હતું, પણ જીવન પ્રત્યેનો પૂરો અભિગમ શીખવાડ્યો હતો.
‘મેરે અપને’માં લડતા-ઝઘડતા બેકાર યુવાનોની ટોળકીમાં મીના કુમારી (આનંદી દેવી) શાંતિ દૂત બનીને આવે છે, જયારે ‘અંકુશ’માં ચાર ગુસ્સાતુર યુવાનોમાં તેમની પાડોશી પ્રેમાળ યુવતી અનિતાના કારણે નૈતિક પરિવર્તન આવે છે.
‘અંકુશ’ એન્ટી-હિરો ફિલ્મ હતી.અને કંઇક અંશે એમાં એન. ચંદ્રાના મૂડનું જ પ્રતિબિંબ હતું. એક આશાસ્પદ યુવાન તરીકે તે પોતે પણ પોતાની દિશા શોધી રહ્યા હતા. ચંદ્રા ગંદા રાજકારણ, ભ્રષ્ટાચાર, શોષણ અને બેરોજગારીની સમસ્યાઓથી પ્રભાવિત હતા અને સમાજની આ અન્યાયી વ્યવસ્થા સામે તેમનામાં ગુસ્સો તમતમતો હતો. ચંદ્રા મુંબઈના વરલી નાકા વિસ્તારમાં મોટા થયા હતા. એ કહે છે, મારી આજુબાજુમાં ગરીબ લોકો હતા. નેપિયન્સી રોડ અને વોર્ડન રોડનાં અમે ખાલી નામ જ સાંભળ્યા હતાં.
તેમણે જે સળંગ ત્રણ સુપરહીટ ફિલ્મો આપી તે નપુંસક ગુસ્સાથી ભરેલી હતી: અંકુશ (1986), પ્રતિઘાત (1987) અને તેજાબ (1988). ‘અંકુશ’થી નાના પાટેકરની હિન્દી ફિલ્મોમાં જબરદસ્ત ઇનિંગ શરૂ થઇ, પ્રતિઘાતથી ગુજરાતી નાટકોની અભિનેત્રી સુજાતા મહેતાનો સિક્કો બેસી ગયો અને તેજાબથી માધુરી દીક્ષિત ટોચ પર પહોંચી ગઈ.
‘અંકુશ’નું બીજું એક યાદગાર યોગદાન તેનું ભજન ‘ઇતની શક્તિ હમેં દેના દાતા’ હતું. એક જમાનામાં (કદાચ આજે પણ હશે) દેશની શાળાઓમાં આ ભજન રાષ્ટ્રગાનની માફક ગાવામાં આવતું હતું. આ ગીતના રચિયતાઓ પણ ફિલ્મના ચાર એકટરોની જેમ સાવ અજાણ્યા હતા: ગીતકાર અભિલાષ, મરાઠી ગાયિકા પુષ્પા પાગધરે અને સંગીતકાર કુલદીપ સિંહે.
ગીતકાર અભિલાષે આ ગીત લખવા પાછળ અઢી-ત્રણ મહિના કાઢ્યા હતા. એન. ચંદ્રાએ તેમને પ્રાર્થના લખવાનું કહ્યું હતું અને તેમણે 60-70 મુખડાં લખ્યાં હતાં, પણ ચંદ્રાને માફક આવતાં ન હતાં. રોજ બે-ત્રણ લખીને વંચાવે. કંટાળીને એક દિવસ અભિલાષે કહ્યું કે મારાથી નહીં થાય, તમે બીજા કોઈ ગીતકારને શોધી લો. અભિલાષ અને સંગીતકાર કુલદીપ કાંદિવલી તરફ જતા હતા, તો રસ્તામાં કુલદીપે તેમને સમજાવ્યા કે, તુમ હિમ્મતી હો, તુમ મેં બડી શક્તિ હૈ... આખિર કમજોર ક્યોં પડ રહે હો? હતાશ અભિલાષના કાનમાં બે શબ્દો રમતા રહ્યા-શક્તિ અને કમજોરી, અને ફ્લેટ પર જઈને તેમણે કુલદીપને એક પંક્તિ સંભળાવી- ઇતની શક્તિ મુજે દેના દાતા, મન કા વિશ્વાસ કમજોર હો ના.
કુલદીપે કહ્યું કે ચાલો પાછા અને ચંદ્રાને સંભળાવીએ. ચંદ્રાએ મુખડું સાંભળ્યું તો કહ્યું કે મારે આવું જ ગીત તો જોઈતું હતું.
ચંદ્રાએ પાછળથી કહ્યું હતું, ફિલ્મની સફળતામાં આ ભજનનો મોટો હાથ હતો. એક વખતે દિલ્હીના અડધા રાજકારણીઓના મોબાઈલ ફોનમાં આ ગીતની કોલર ટયુન હતી. કદાચ તેમનાં પાપ છુપાવવા માટે હશે! એક વાર હું દહેરાદૂનમાં હતો અને ત્યાંના એક અગ્રણી રાજકારણી મને મળવા માગતા હતા. મેં એમને ફોન કર્યો તો કોલર ટયુન વાગી- ઇતની શક્તિ હમેં દેના દાતા. હું તેમને મળ્યો ત્યારે પૂછ્યું કે આ કઈ ફિલ્મનું ગીત છે? તેમને ખબર ન હતી. એ ભજન ફિલ્મથી ખાસું આગળ નીકળી ગયું હતું.