Thu Jul 23 2026

Logo

તમે પણ સ્ટેશન પર કે ટપરી પર ચા પીવો છો? નાલાસોપારા સ્ટેશનનો આ વીડિયો જોઈ લેશો તો...

2026-07-10 16:28:36
Author: Darshana Visaria
Article Image

નાલાસોપારા: મુંબઈ લોકલ ટ્રેનમાં મુસાફરી કરતા લાખો મુસાફરો માટે રેલવે સ્ટેશન પર મળતી ગરમાગરમ ચા એ ફ્રેશનેસનો એક સુપરડોઝ હોય છે, પરંતુ આ ચા પીવી હવે જોખમી સાબિત થઈ શકે છે. સોશિયલ મીડિયા પર નાલાસોપારા રેલવે સ્ટેશનનો એક અત્યંત આઘાતજનક વીડિયો વાયરલ થયો છે, જેમાં એક ચા વિક્રેતા અત્યંત અસ્વચ્છ અને ગંદા પાણીમાં પોતાની ચાની કિટલી ધોતો નજરે પડે છે.

વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે ચા વેચનાર વ્યક્તિ પ્લેટફોર્મની આસપાસ જમા થયેલા દુષિત પાણીનો ઉપયોગ વાસણ સાફ કરવા માટે કરી રહ્યો છે. સ્ટેશન જેવી જાહેર જગ્યાએ, જ્યાં હજારો લોકોની અવરજવર હોય છે, ત્યાં આવી ગંભીર બેદરકારી સામે આવતા લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે.

સ્થાનિક મુસાફરો અને જાગૃત નાગરિકો આ વીડિયો જોઈને હચમચી ઉઠ્યા છે. લોકોનું કહેવું છે કે આવા ચા વિક્રેતાઓ દ્વારા પીરસવામાં આવતી ચા પીવાથી કોલેરા, ટાઈફોઈડ અને ફૂડ પોઈઝનિંગ જેવી ગંભીર બીમારીઓ ફેલાવવાનું જોખમ રહેલું છે.

આ ઘટનાને પગલે રેલવે પ્રશાસન અને ફૂડ સેફ્ટી વિભાગની કામગીરી પર પણ સવાલો ઉભા થયા છે. સોશિયલ મીડિયા યુઝર્સે રેલવે પ્રશાસન પાસે માંગ કરી છે કે, સ્ટેશન પર ખાણી-પીણીના સ્ટોલ ધરાવતા વિક્રેતાઓનું કડક ચેકિંગ કરવામાં આવે અને આવા બેદરકાર વિક્રેતાઓ સામે તાત્કાલિક અસરથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તથા તેમનું લાયસન્સ રદ કરવામાં આવે.

અત્યાર સુધી આ વીડિયોના આધારે રેલવે તંત્ર દ્વારા કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી, પરંતુ આ વીડિયોએ મુંબઈના રેલવે સ્ટેશનો પર મળતા ખાદ્ય પદાર્થોની સ્વચ્છતા અંગે ગંભીર ચિંતા ઉભી કરી છે.