પાલઘર: પાલઘર જિલ્લાના નાલાસોપારા વિસ્તારમાં 17 વર્ષની વિદ્યાર્થિનીની જાતીય સતામણી કરવા બદલ કોલેજના પ્રિન્સિપાલ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર નાલાસોપારા વિસ્તારમાં આવેલી જુનિયર અને ડિગ્રી કોલેજમાં સગીરા અભ્યાસ કરે છે અને પોતાના શિક્ષણના ખર્ચ ઉઠાવવા માટે તે ત્યાં પાર્ટ-ટાઇમ જૉબ કરે છે.
પોલીસમાં નોંધાવાયેલી ફરિયાદમાં આાક્ષેપ કરાયો હતો કે સગીરાને પ્રિન્સિપાલ પોતાની ઓફિસની કેબિનમાં બોલાવી હતી, જ્યાં સગીરાના દેખાવ અંગે તે વાંધાજનક ટિપ્પણી કરી હતી. આરોપીએ પરવાનગી વિના સગીરાના ફોટા પાડ્યા હતા અને તેને અયોગ્ય સ્પર્શ કર્યો હતો.
પ્રિન્સિપાલે સગીરાને જન્મદિવસની મોટી રાતની પાર્ટીમાં પોતાની સાથે આવવા માટે દબાણ કર્યું હતું અને જો તે ઇનકાર કરે તો તેના પરિવારની સામે તેને બદનામ કરવાની ધમકી તેણે આપી હતી. આરોપીએ તેની સાથે હોટેલમાં રાત રોકાવાનો પ્રસ્તાવ સગીરા સમક્ષ મૂક્યો હતો, એવો આક્ષેપ ફરિયાદમાં કરાયો હતો.
છ મહિનાથી વધુ સમય સુધી ત્રાસ સહન કર્યા બાદ સગીરાએ હિંમત કરીને તાજેતરમાં પોલીસનો સંપર્ક સાધ્યો હતો. આચોલે પોલીસ સ્ટેશનમાં સોમવારે પ્રિન્સિપાલ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ (પોક્સો) એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, એમ પોલીસ અધિકારીએ કહ્યું હતું.
(પીટીઆઇ)