Sun Aug 23 2026

Logo

નાગપુરમાં 'અંડર-19' ટીમમાં પસંદગી નહીં થતાં 17 વર્ષની ક્રિકેટરે ભર્યું અંતિમ પગલું, જાણો કારણ

2026-07-31 19:35:37
Author: Mumbai Samachar Team
Article Image

નાગપુર: મહારાષ્ટ્રના નાગપુરમાં અંડર-19 ક્રિકેટ ટીમમાં પસંદગી ન થતાં 17 વર્ષની એક પ્રતિભાશાળી ક્રિકેટરે આત્મહત્યા કરી લેતાં ખળભળાટ મચી ગયો છે. નાગપુરના બજાજ નગર પોલીસ સ્ટેશનની સીમામાં આવેલા લક્ષ્મીનગર પરિસરમાં આ દુઃખદ ઘટના બની હતી. પ્રાથમિક તપાસમાં યુવતીની વિદર્ભની અંડર-19 ટીમમાં પસંદગીમાં ન થતા તે તણાવમાં હોવાનું સામે આવ્યું છે.

પોલીસના જણાવ્યા મુજબ લક્ષ્મીનગરમાં જૈન મંદિર નજીક આવેલા એક એપાર્ટમેન્ટમાં યુવતી તેના ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. તપાસ દરમિયાન પોલીસને એક સ્યુસાઇડ નોટ પણ મળી છે. તેમાં યુવતીએ પોતાના ભાઈને ક્રિકેટમાં સારું પ્રદર્શન કરી માતા-પિતાનું નામ રોશન કરવા માટે સંદેશ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે.

મૂળ અકોલાની રહેવાસી આ યુવતી છેલ્લા બે વર્ષથી તેની માતા સાથે નાગપુરમાં રહીને ક્રિકેટ એકેડમીમાં તાલીમ લઈ રહી હતી. તેને તાજેતરમાં જ ધોરણ 12ની પરીક્ષા પાસ કરી હતી અને વ્યાવસાયિક ક્રિકેટમાં કારકિર્દી બનાવવાનું સપનું જોયું હતું. તેના પિતા મોરેશ્વર અકોલામાં સિવિલ કોન્ટ્રાક્ટર છે, જ્યારે માતા વૈશાલી ગૃહિણી છે. પરિવાર દ્વારા પુત્ર અને પુત્રી બંનેને ક્રિકેટમાં કારકિર્દી બનાવવા માટે નાગપુર મોકલવામાં આવ્યા હતા.

યુવતીનો ભાઈ પ્રબલ પણ ક્રિકેટર છે અને હાલમાં તે બીસીએની અંડર-23 ટીમમાં રમે છે. પરિવારને બંને સંતાનો પાસેથી ક્રિકેટમાં મોટી આશાઓ હતી. જોકે, અંડર-19 ટીમની પસંદગીમાં નિરાશા બાદ યુવતી ઊંડા તણાવમાં આવી ગઈ હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

બજાજનગર પોલીસે આ મામલે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધ્યો છે અને સ્યુસાઇડ નોટ સહિતના પુરાવાના આધારે વધુ તપાસ હાથ ધરી છે. યુવતીની આત્મહત્યા પાછળ પસંદગી નહીં થવાની નિરાશા ઉપરાંત અન્ય કોઈ કારણ હતું કે નહીં, તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે. પ્રતિભાશાળી ક્રિકેટરની આ કરુણ વિદાયથી પરિવારજનો, પરિચિતો અને ક્રિકેટ જગતમાં શોકની લાગણી ફેલાઈ છે.