Tue Oct 06 2026

Logo

વીફરેલી ગર્લફ્રેન્ડનું ભયંકર કારસ્તાન: બૉયફ્રેન્ડ વખાણ કરતો હતો એ યુવતીના વાળ કાપી નાખ્યા

2026-03-27 10:10:00
Author: Yogesh C. Patel
વીફરેલી ગર્લફ્રેન્ડનું ભયંકર કારસ્તાન: બૉયફ્રેન્ડ વખાણ કરતો હતો એ યુવતીના વાળ કાપી નાખ્યા

AI Genrated Image


બૉયફ્રેન્ડ જે યુવતીના વાળ પર મોહી ગયો હતો તેના ઘરે ગર્લફ્રેન્ડ બે બહેનપણી સાથે પહોંચી ગઈ: વાળ કાપતાનો વીડિયો બનાવી વાયરલ કરવાની ધમકી આપી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અંધેરીના વર્સોવા વિસ્તારમાં બનેલી આંચકાજનક ઘટનામાં વીફરેલી ગર્લફ્રેન્ડે ભયંકર કારસ્તાન કર્યું હતું. બૉયફ્રેન્ડ જે યુવતીનાં વાળનાં ગુણગાન ગાતો હતો તેના ઘરે ગર્લફ્રેન્ડ બે બહેનપણી સાથે પહોંચી ગઈ હતી. વાળ પકડીને ઘરમાંથી બહાર ખેંચી કાઢ્યા પછી ગર્લફ્રેન્ડે એ યુવતીના વાળ કાપી નાખ્યા હતા. પછી આ કૃત્યનો વીડિયો બનાવી સોશ્યલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી હતી.

વર્સોવાના એસવીપી નગરમાં રહેતી રહેતી 20 વર્ષની યુવતીએ નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે ત્રણ યુવતી વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. પોલીસ ફરિયાદ અનુસાર એક કૉમન ફ્રેન્ડના માધ્યમથી ફરિયાદીની ઓળખાણ યુવક અને તેની આરોપી ગર્લફ્રેન્ડ સાથે થઈ હતી. ફરિયાદી અને યુવક મિત્ર હોવાથી ઈન્સ્ટાગ્રામ પર ચૅટિંગ પણ કરતાં હતાં.

કહેવાય છે કે યુવક તેની ગર્લફ્રેન્ડ સાથે હોય ત્યારે ફરિયાદીના વાળનાં વખાણ કરતો હતો. વાળ પર મોહી ગયેલા બૉયફ્રેન્ડનું ફરિયાદી સાથે કોઈ ચક્કર હોવાની શંકા ગર્લફ્રેન્ડને હતી. આ વાતે ફરિયાદીએ ચોખવટ કર્યા છતાં આરોપી તેના પર શંકા કરતી હતી. શંકાને પગલે એક વાર આરોપીએ ફરિયાદીનો મોબાઈલ ફોન પણ ચેક કર્યો હતો, પરંતુ વાંધાજનક કંઈ ન મળતાં તેણે માફી સુધ્ધાં માગી હતી.

જોકે બૉયફ્રેન્ડ વારંવાર વખાણ કરતો હોવાથી ગર્લફ્રેન્ડ રોષે ભરાઈ હતી. મંગળવારની રાતે ગર્લફ્રેન્ડ તેની બે બહેનપણી સાથે ફરિયાદીના ઘરે ગઈ હતી. ડૉરબેલ વાગતાં આઈસક્રીમનું પાર્સલ આવ્યું હોવાનું માની ફરિયાદી દરવાજો ખોલવા ગઈ. દરવાજો ખૂલતાં જ આરોપી બહેનપણીઓ સાથે પેસેજમાં ઊભી હોવાનું નજરે પડ્યું હતું.

ફરિયાદમાં જણાવાયું હતું કે ફરિયાદીને વાળ ખેંચીને ફ્લૅટની બહાર કાઢવામાં આવી હતી. પછી પેસેજમાં આરોપી ગર્લફ્રેન્ડે કાતરથી ફરિયાદીના વાળ કાપી નાખ્યા હતા. તે વખતે બન્ને બહેનપણીએ વીડિયો રેકોર્ડિંગ કરી લીધું હતું. પછી એ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી ત્રણેય યુવતી ત્યાંથી પસાર થઈ ગઈ હતી. ડરી ગયેલી ફરિયાદીએ પોલીસનો સંપર્ક સાધી આ મામલે ફરિયાદ નોંધાવી હતી.