Thu Sep 03 2026

Logo

મુંબઈમાં વાહનોની સંખ્યા 54 લાખને પાર, ટ્રાફિક અને પ્રદૂષણ વધ્યું

2026-02-27 17:33:32
Author: Mumbai Samachar Team
મુંબઈમાં વાહનોની સંખ્યા 54 લાખને પાર, ટ્રાફિક અને પ્રદૂષણ વધ્યું

મુંબઈ: મુંબઈમાં વાહનોની વધતી સંખ્યાને કારણે ટ્રાફિકની સમસ્યા અને વાયુ-અવાજ પ્રદૂષણનું પ્રમાણ ચિંતાજનક સ્તરે પહોંચ્યું છે. ખાસ કરીને વાહનોની સંખ્યા ૫૪ લાખની નજીક પહોંચી ગઈ છે, જેમાં સૌથી વધુ સંખ્યા ટુ-વ્હીલરની છે, જે ૩૧ લાખ જેટલી છે. વાહનોને કારણે શહેરમાં વાયુ અને અવાજ પ્રદૂષણમાં વધારો થઈ રહ્યો છે. હાલમાં મુંબઈમાં રસ્તા પર પ્રતિ કિલોમીટર ૨૬૪૮ વાહનો છે.

શહેરમાં ૨,૦૦૦ કિ.મી. લાંબા રસ્તાઓ છે, જે વાહનોની સંખ્યાની સરખામણીમાં અપૂરતા છે. વળી, જે રસ્તાઓ ઉપલબ્ધ છે તેના પર કોઈને કોઈ કામ ચાલતું હોવાથી લેનની સંખ્યા ઓછી થાય છે, જેને કારણે ટ્રાફિકની સમસ્યા વધુ ગંભીર બની રહી છે. હાલમાં ૪૦ ટકા મુંબઈગરાઓ પોતાના અંગત વાહન દ્વારા મુસાફરી કરવાનું પસંદ કરે છે. 

આ ઉપરાંત વાહનોને કારણે સૌથી વધુ વાયુ પ્રદૂષણ થાય છે. વાહનોમાંથી નીકળતા ધુમાડાને લીધે હવાની ગુણવત્તા બગડે છે. તે સિવાય, આજકાલ દરેક વ્યક્તિ ઉતાવળમાં હોવાથી ટ્રાફિક જામમાં હોર્ન વગાડનારાઓની સંખ્યા પણ વધુ છે. સતત હોર્ન વગાડવાને કારણે અવાજ પ્રદૂષણમાં વધારો થાય છે.

વાહનોની ગીચતા બાબતે અન્ય શહેરોની સરખામણીમાં મુંબઈ મોખરે છે. મુંબઈમાં પ્રતિ કિ.મી. રસ્તા પર ૨,૬૪૮ વાહનો છે. જ્યારે ચેન્નઈમાં ૧,૭૬૨, કોલકાતામાં ૧,૨૮૩, બેંગલુરુમાં ૧,૧૩૪ અને દિલ્હીમાં ૨૬૧ વાહનો છે.