મુંબઈ: મુંબઈના પૂર્વ અને પશ્ચિમ ઉપનગરોને જોડતા મહત્વાકાંક્ષી સાંતાક્રુઝ-ચેમ્બુર લિંક રોડનું અંતિમ તબક્કો હવે વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. સાંતાક્રુઝ-ચેમ્બુર લિંક રોડ વિસ્તરણના બીજા તબક્કા હેઠળ બનેલો 1.40 કિલોમીટર લાંબો ભારત નગર રોડ (યુનિવર્સિટી વિસ્તાર)-વાકોલા જંકશન એલિવેટેડ કોરિડોર ખુલતાં 10.30 કિલોમીટરનું સાંતાક્રુઝ-ચેમ્બુર લિંક રોડનું નેટવર્ક હવે પૂર્ણ થયું છે.
મુંબઈ મહાનગર પ્રદેશ વિકાસ સત્તામંડળ (એમએમઆરડીએ)ના આંકડા મુજબ આ અંતિમ અને મહત્વપૂર્ણ તબક્કાથી ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે વચ્ચે વધુ સુગમ જોડાણ ઉપલબ્ધ થયું છે. ખાસ કરીને બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી) અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે વચ્ચેની બંને દિશાની કનેક્ટિવિટી વધુ સરળ બનશે.
નવા એલિવેટેડ કોરિડોરના કારણે બીકેસી તરફથી આવતો ટ્રાફિક સીધો સાંતાક્રુઝ-ચેમ્બુર લિંક રોડના કેબલ-સ્ટેઈડ બ્રિજ સાથે જોડાઈ શકશે. બીજી તરફ, પશ્ચિમ એક્સપ્રેસ હાઈવે તરફથી આવતા વાહનો હાલના વાકોલા ફ્લાયઓવર મારફતે નવા એલિવેટેડ કોરિડોર પર પહોંચી શકશે.
આ વ્યવસ્થાથી વાહનચાલકોને કલિના, વાકોલા અને કાલાનગર જેવા ટ્રાફિક ભરેલા વિસ્તારોમાંથી પસાર થયા વિના સીધી હાઇવેની કનેક્ટિવિટીનો વિકલ્પ મળશે. પરિણામે બીકેસી અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે વચ્ચેના અનેક રૂટ પર મુસાફરીનો સમય ૩૫ મિનિટ સુધી ઘટવાની શક્યતા છે.
સાંતાક્રુઝ-ચેમ્બુર લિંક રોડ શરૂ થયા બાદ તેના વિવિધ વિસ્તરણ તબક્કાઓ હેઠળ ઈસ્ટર્ન અને વેસ્ટર્ન મુંબઈ વચ્ચેની કનેક્ટિવિટી સતત મજબૂત કરવામાં આવી હતી. હવે આ કામ પૂર્ણ થતાં 10.30 કિલોમીટરનું આખું નેટવર્ક કાર્યરત બન્યું છે.
આ સમગ્ર કોરિડોર ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે, વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે, બીકેસી, સાંતાક્રુઝ, ચેમ્બુર, કલિના, મુંબઈ યુનિવર્સિટી, તિલકનગર, કાપડિયા નગર અને કુર્લા જેવા મહત્વના વિસ્તારોને એકબીજા સાથે જોડે છે.
નવા કોરિડોરથી બીકેસી ઉપરાંત મુંબઈ યુનિવર્સિટી, મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, વિવિધ વ્યાવસાયિક કેન્દ્રો તેમજ આસપાસના રહેણાંક વિસ્તારો સુધીની કનેક્ટિવિટી વધુ ઝડપી અને સુગમ બનવાની અપેક્ષા છે.
મુંબઈમાં દરરોજ વધતા વાહનવ્યવહારના ભાર વચ્ચે આ માર્ગ ઈસ્ટર્ન -વેસ્ટર્ન દિશામાં મુસાફરી કરતા વાહનચાલકો માટે મહત્વપૂર્ણ વિકલ્પ સાબિત થઈ શકે છે. ખાસ કરીને બીકેસી અને પશ્ચિમ ઉપનગરો વચ્ચે નિયમિત અવરજવર કરતા વાહનચાલકોને તેનો સીધો લાભ મળવાની શક્યતા છે.
સંપૂર્ણ કોરિડોર કાર્યરત થતાં મુંબઈના અનેક મુખ્ય માર્ગો પર ટ્રાફિકનું દબાણ ઘટવાની અપેક્ષા છે. ટ્રાફિક મુક્ત કનેક્ટિવિટી અને વૈકલ્પિક માર્ગ ઉપલબ્ધ થતાં વાહનચાલકોનો મુસાફરીનો સમય અને રસ્તા પર થતો બિનજરૂરી વિલંબ ઘટશે.
આ ઉપરાંત, વાહનોના સંચાલન ખર્ચ અને ઇંધણના વપરાશમાં ઘટાડો થવાની સાથે વાહનોમાંથી થતા ઉત્સર્જનમાં પણ ઘટાડો થવાની અપેક્ષા છે. માર્ગ સલામતીમાં સુધારો અને મુસાફરો માટે વધુ સુવિધાજનક મુસાફરી પણ આ પ્રોજેક્ટના કારણે મળશે.
સાંતાક્રુઝ-ચેમ્બુર લિંક રોડના આ કનેક્ટર સાથે હવે ઈસ્ટર્ન અને વેસ્ટર્ન મુંબઈ વચ્ચે કનેક્ટિવિટી નેટવર્ક સંપૂર્ણ રીતે જોડાઈ ગયું છે. મુંબઈના સતત વધતા ટ્રાફિક વચ્ચે આ કોરિડોર આગામી સમયમાં શહેરની માર્ગવ્યવસ્થામાં મહત્વની ભૂમિકા ભજવે તેવી અપેક્ષા છે.