Sun Sep 06 2026

Logo

મુંબઈના રાણી બાગમાં હવે ગર્જશે ગુજરાતના સિંહઃ BMCએ કરી તૈયારી

2026-02-24 21:14:21
Author: Mumbai Samachar Team
મુંબઈના રાણી બાગમાં હવે ગર્જશે ગુજરાતના સિંહઃ BMCએ કરી તૈયારી

મુંબઈ: ભાયખલાના વીરમાતા જીજાબાઈ ભોંસલે ઉદ્યાનમાં (રાણી બાગ) હવે સાચા અર્થમાં 'જંગલનો રાજા' ગર્જના કરશે. છેલ્લા ઘણા વર્ષોની પ્રતીક્ષાનો અંત આવવાના સંકેતો મળી રહ્યા છે અને રાણી બાગમાં એશિયાટિક સિંહ લાવવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ સીધો ગુજરાત સરકારનો સંપર્ક કરવાની તૈયારી કરી છે. 

રાણીબાગમાં કોરિયન પેંગ્વિન પછી હવે ગુજરાતના સિંહ દાખલ થવાના હોવાથી પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો થવાનો અંદાજ છે.

મુંબઈના મેયર રિતુ તાવડે ટૂંક સમયમાં ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને એક સત્તાવાર પત્ર લખવાના છે. આ પત્ર દ્વારા મુંબઈના 'રાણીની બાગ' માટે ઓછામાં ઓછા એક કે બે એશિયાઈ સિંહો આપવાની વિનંતી કરવામાં આવશે. 

ગુજરાતમાં એશિયાઈ સિંહોની સંખ્યા મોટી છે અને તેઓ ત્યાંના વાતાવરણ સાથે અનુકૂળ થયેલા હોવાથી આ માંગ કરવામાં આવી રહી છે. 

રાણી બાગમાં સિંહોને રાખવા માટે જરૂરી જગ્યા, તેમના કુદરતી રહેઠાણ અને તબીબી સુવિધાઓ સંપૂર્ણપણે તૈયાર છે. મુંબઈ મહાનગરપાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે સિંહોના સ્વાસ્થ્ય અને સલામતીનું ધ્યાન રાખવા માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે.