Thu Jul 23 2026

Logo

મુંબઈમાં બુધવારે ઝરમર વરસાદની આગાહી

2026-05-26 22:18:52
Author: Sapna Desai
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: છેલ્લા અનેક દિવસોથી ગરમી અને ઉકળાટથી હેરાન-પરેશાન થઈ ગયેલા મુંબઈગરાને થોડી રાહત મળી શકે છે. ભારતીય હવામાન વિભાગે બુધવારે મુંબઈ, થાણે અને આસપાસના વિસ્તારોમાં બપોર અને સાંજ દરમિયાન હળવો વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે.

હાલ મુંબઈ સહિત સમગ્ર રાજ્ય ગરમીની  શેકાઈ રહ્યું છે. વિદર્ભમાં મોટાભાગના વિસ્તારોમાં ૪૫ ડિગ્રીની ઉપર તાપમાન નોંધાઈ રહ્યું છે. મુંબઈમાં પણ લઘુતમ અને મહત્તમ તાપમાનમાં વધારો થવાની સાથે જ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી ગયું હોવાથી અસહ્ય બફારોનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે હવામાન વિભાગે બુધવારે વાતાવરણ ગરમ અને ભેજવાળી સ્થિતિની આગાહી કરી છે, જેમાં બપોર અને સાંજ દરમિયાન હળવો વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે.

આ દરમ્યાન મંગળવારે બીજા દિવસે પણ શહેરમાં દિવસનું તાપમાન સામાન્ય કરતાં વધુ રહ્યું હતું. કોલાબા વેધશાળામાં મહત્તમ તાપમાન ૩૫.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે સાંતાક્રુઝ વેધશાળામાં ૩૪.૭ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં લગભગ એક ડિગ્રી વધારે હતું. જોકે રાત્રિનું તાપમાન મોસમી સરેરાશની નજીક રહ્યું. કોલાબામાં લઘુતમ તાપમાન ૨૮ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે સાંતાક્રુઝમાં ૨૯ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ભેજનું સ્તર પણ ઊંચું રહ્યું, જેને કારણે અસહ્ય ઉકળાટ અને બફારો અનુભવ્યો હતો.  કોલાબામાં ભેજનું પ્રમાણ ૮૧ ટકા અને સાન્તાક્રુઝમાં ૬૯ ટકા નોંધાયું હતું. છેલ્લા કેટલાક દિવસોમાં સામાન્ય કરતાં વધુ તાપમાન અને ઉચ્ચ ભેજના મિશ્રણને કારણે શહેરમાં ગરમી જેવી હવામાન પરિસ્થિતિઓ સર્જાઈ છે.