મુંબઈ: મુંબઈમાં આજે વહેલી સવારથી પડી રહેલા ભારે વરસાદની અસર મુંબઈની લોકલ ટ્રેન સહિત હવાઈ સેવા પર પડી હતી. મધ્ય રેલવે અને પશ્ચિમ રેલવેમાં લોકલ ટ્રેનો પંદરથી 20 મિનિટ મોડી દોડતી રહી હતી, જ્યારે વિઝિબિલિટી નબળી પડવાને કારણે હવાઈ સેવા પર અસર થઈ હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
મુંબઈ સહિત થાણે-કલ્યાણ ડોંબિવલીમાં વરસાદને કારણે જનજીવન પર અસર જોવા મળી હતી. બીજી બાજુ ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને ખાનગી વિમાન કંપની સ્પાઈસજેટે મુસાફરો માટે ટ્રાવેલની એક એડવાઇઝરી જાહેર કરી હતી. કંપનીએ મુસાફરોને એરપોર્ટ માટે ઘરેથી નીકળતા પહેલાં પોતાની ફ્લાઇટનું લેટેસ્ટ સ્ટેટસ ચેક કરવાની સલાહ આપી હતી.
સ્પાઈસ જેટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું છે કે મુંબઈ એરપોર્ટ પર ભારે વરસાદને કારણે ફ્લાઈટ્સના આગમન અને પ્રસ્થાન ઉપરાંત સિવાયના અન્ય ફ્લાઈટ સંબંધિત ઓપરેશન પણ પ્રભાવિત થઈ શકે છે. ખરાબ હવામાનને કારણે ફ્લાઈટ્સ વિલંબ થઈ શકે છે અથવા કેટલીક ફ્લાઈટ્સ રિશેડ્યૂલ કરવામાં આવી શકે છે.
આ અગાઉ ખાનગી વિમાન કંપની ઈન્ડિગોએ પણ કોલકાતામાં ભારે વરસાદને પગલે મુસાફરો માટે ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી હતી. કંપનીએ જણાવ્યું હતું કે ભારે વરસાદને કારણે ફ્લાઇટ ઓપરેશન પ્રભાવિત થઈ શકે છે અને ફ્લાઈટમાં વિલંબ થવાની શક્યતા છે.
ઈન્ડિગોએ જણાવ્યું હતું કે તેની ટીમો હવામાનની સ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે. મુસાફરોને એરપોર્ટ માટે નીકળતા પહેલાં પોતાની ફ્લાઈટનું સ્ટેટસ ચેક કરવાની અને મુસાફરી માટે વધારાનો સમય રાખવાની પણ સલાહ આપવામાં આવી છે. ભારે વરસાદના કારણે રસ્તા પર ટ્રાફિકની ગતિ પણ ધીમી પડી શકે છે.
આ દરમિયાન નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરી રહેલી સ્પાઈસજેટ સાથે જોડાયેલો અન્ય એક મુદ્દો પણ સામે આવ્યો છે. એરક્રાફ્ટ સપ્લાયર કંપનીઓએ એરલાઇનના ચાર બોઇંગ 737-8 મેક્સ વિમાનોનું રજિસ્ટ્રેશન રદ કરવા માટે ડીજીસીએનો સંપર્ક સાધ્યો હોવાની ચોંકાવનારી વિગત પણ સામે આવી છે.
સ્પાઈસ જેટે પણ જણાવ્યું કે આ ચારેય વિમાનો લાંબા સમયથી ઓપરેશનમાંથી બહાર છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ વિમાનોનું રજિસ્ટ્રેશન રદ થવાથી લીઝ રેન્ટનો ખર્ચ ઘટાડવામાં પણ મદદ મળશે. અહીં એ જણાવવાનું કે મુંબઈ સહિત પરાના વિસ્તારમાં વરસાદી માહોલ ઊભો થયો છે, જેમાં સવારથી વરસાદને કારણે અમુક નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા હતા, જ્યારે વરસાદનું જોર વધે તો જનજીવન પર વ્યાપક પ્રમાણમાં અસર થઈ શકે એમ અધિકારીએ જણાવ્યું હતું.