Fri Sep 04 2026

Logo

સાકીનાકા બાદ હવે ઘાટકોપરમાં 'મોતનો કૂવો': ધોધમાર વરસાદ વચ્ચે ખુલ્લા મેનહોલ પર લાકડી બાંધી પાલિકાએ મુંબઈગરાઓને રામભરોસે છોડ્યા

2026-07-04 16:52:47
Author: Darshana Visaria
સાકીનાકા બાદ હવે ઘાટકોપરમાં 'મોતનો કૂવો': ધોધમાર વરસાદ વચ્ચે ખુલ્લા મેનહોલ પર લાકડી બાંધી પાલિકાએ મુંબઈગરાઓને રામભરોસે છોડ્યા

મુંબઈ: મુંબઈમાં વરસી રહેલા મુસળધાર વરસાદે એક જ દિવસમાં મુંબઈ મહાનગરપાલિકાના તમામ પ્રિ-મોન્સૂન દાવાઓ અને વહીવટી સજ્જતાના લીરેલીરા ઉડાડી દીધા છે. આર્થિક રાજધાની મુંબઈના અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા છે, પરંતુ આ બધા વચ્ચે ઘાટકોપર પૂર્વના પંત નગર વિસ્તારમાંથી બીએમસીની એક અત્યંત ચોંકાવનારી અને જીવલેણ બેદરકારી સામે આવી છે, જે ગમે ત્યારે મોટી હોનારત સર્જી શકે છે.

સાકીનાકાની ગોઝારી ઘટનામાંથી કોઈ સબક નહીં!
થોડાંક સમય પહેલાં જ મુંબઈના સાકીનાકા વિસ્તારમાં એક ખુલ્લા મેનહોલમાં પડી જવાથી એક નિર્દોષ વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો. આ દર્દનાક દુર્ઘટના બાદ પણ સુધરાઈના અધિકારીઓની ઉંઘ નથી ઉડી. 

ઘાટકોપરના પંત નગર જેવા પોશ વિસ્તારમાં એક મોટો મેનહોલ ખુલ્લો છોડી દેવામાં આવ્યો છે. આ ખુલ્લા મોત સમાન મેનહોલની આસપાસ સુરક્ષાના કોઈ પાકા પગલાં લેવાને બદલે બીએમસીના કર્મચારીઓએ માત્ર એક સામાન્ય લાકડી અને દોરડું બાંધીને પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી લીધા છે. મેનહોલ પાસે એક કર્મચારી ઊભો છે, પરંત જો કોઈ કારણનુસાર એ કર્મચારી ત્યાંથી ખસી જાય તો મોટી હોનારત સર્જાઈ શકે છે. 

જો કોઈ હોનારત સર્જાશે તો જવાબદાર કોણ?
હાલમાં ઘાટકોપર પૂર્વનો આખો વિસ્તાર જળમગ્ન થઈ ચૂક્યો છે અને રસ્તાઓ પર ઘૂંટણ સમાણા પાણી ભરાયા છે. આવી સ્થિતિમાં સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે, જો વરસાદના પાણીના ભારે પ્રવાહ વચ્ચે ત્યાં તહેનાત કર્મચારીઓ હટી જશે, અને પાણી ભરાવાને કારણે કોઈ રાહદારી, વાહનચાલક કે માસૂમ બાળક આ ખુલ્લા મેનહોલને જોઈ નહીં શકે અને તેમાં ગરકાવ થઈ જશે, તો તે દુર્ઘટનાની જવાબદારી કોણ લેશે? બીએમસીના કમિશનર કે જવાબદાર વોર્ડ ઓફિસર?

મુંબઈગરાઓના જીવની કિંમત આટલી સસ્તી?
સ્થાનિક રહીશોમાં આ દ્રશ્યો જોઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે દર વર્ષે કરોડો રૂપિયાનો ટેક્સ ભરતી મુંબઈની જનતાને પ્રાથમિક સુરક્ષા આપવામાં પણ તંત્ર કેમ નિષ્ફળ નીવડે છે? શું બીએમસીના ભ્રષ્ટ અધિકારીઓ માટે મુંબઈગરાઓના કિંમતી જીવની કિંમત માત્ર એક મામૂલી દોરડા કે લાકડી જેટલી જ રહી ગઈ છે? તંત્ર કોઈ મોટી હોનારત થાય અને કોઈનો જીવ જાય તેની રાહ કેમ જોઈ રહ્યું છે તેવા તીખા સવાલો અત્યારે સોશિયલ મીડિયા પર પણ પૂછાઈ રહ્યા છે.