Sun Mar 08 2026

Logo

મુંબઈ-પુણે એક્સપ્રેસ-વે પર ત્રાસદાયક ટ્રાફિક: 15 મિનિટના બ્લૉકની યોજના

1 week ago
Author: Yogesh C Patel
Article Image

મુંબઈ: મુંબઈ-પુણે એક્સપ્રેસ-વે પર વારંવાર ટ્રાફિક જૅમની સ્થિતિ સર્જાતી હોવાથી વાહનચાલકોને આ સમસ્યામાંથી બહાર કાઢવા હાઈવે પોલીસે 15 મિનિટના વિશેષ બ્લૉકની યોજના અમલમાં મૂકવી પડી રહી છે.

એક્સપ્રેસ-વે પર સપ્તાહ પહેલાં ગૅસ વહન કરતું ટૅન્કર આડોશી ટનલ પાસે ઊંધું વળતાં થયેલા ગૅસ લિકેજને કારણે લગભગ 36 કલાક સુધી ટ્રાફિક જૅમની સમસ્યા સર્જાઈ હતી. કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયેલા વાહનધારકો આ જૅમને કારણે ત્રાસી ગયા હતા. ત્યાર બાદ આ જ માર્ગ પર સોમવારે ગૅસ ટૅન્કરને લોનાવલાના અમૃતાંજન બ્રિજ પાસે અકસ્માત નડ્યો હતો. સદ્નસીબે એ સમયે ભારે ટ્રાફિક જૅમ થયો નહોતો, પરંતુ કલાકો સુધી વાહનચાલકો રઝળી પડ્યા હતા. હવે ગુરુવારના મળસકે ફરી એવી જ સ્થિતિ ઊભી થઈ હતી.

મળસકે પાંચ વાગ્યાથી મુંબઈ-પુણે એક્સપ્રેસ-વે પર ખંડાલા નજીક વાહનોની લાંબી લાઈન લાગી હતી. કહેવાય છે કે પાંચ કિલોમીટર સુધી ટ્રાફિક જૅમ રહ્યો હતો. ભારે વાહનો અને ટ્રકના ડ્રાઈવરો ઘાટમાં પણ યોગ્ય લેનમાં વાહન ચલાવતા ન હોવાથી આ સમસ્યા ઊભી થઈ હોવાનું પોલીસનું કહેવું છે.

ભારે વાહનોને ત્રીજી અને ચોથી લેનમાંથી પસાર થવાની સૂચના આપવામાં આવી હોવા છતાં ઑવરટેકના પ્રયાસમાં લેન તોડે છે અને અન્ય વાહનોની ગતિ અવરોધે છે. પરિણામે ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે.

ટ્રાફિકની માહિતી મળતાં જ હાઈવે પોલીસ અને સ્થાનિક પોલીસ વાહનવ્યવહારનું નિયમન કરવા પહોંચી ગઈ હતી. હાઈવે પોલીસ દ્વારા ટ્રાફિક જૅમ ઓછો કરવા 15 મિનિટનો વિશેષ બ્લૉક લેવાનું નક્કી કરાયું હતું. આ બ્લૉક અનુસાર થોડો સમય માટે વાહનો રોકીને તબક્કાવાર માર્ગ ખુલ્લો કરવામાં આવી રહ્યો હતો. પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે હાઈવે પોલીસની ટીમ ઘટનાસ્થળે તહેનાત કરી દેવામાં આવી હતી. ભારે વાહનોને ચોથી લેનમાં લેવાનો આદેશ ડ્રાઈવરોને આપવામાં આવ્યો હતો.