Thu Sep 03 2026

Logo

મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર લેન્ડસ્લાઈડને  MSRDC એ ‘ઈશ્વરીય ઘટના’ ગણાવી, કોન્ટ્રાક્ટરનો પણ બચાવ કર્યો

2026-07-06 21:00:04
Author: Vimal Prajapati
મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર લેન્ડસ્લાઈડને  MSRDC એ ‘ઈશ્વરીય ઘટના’ ગણાવી, કોન્ટ્રાક્ટરનો પણ બચાવ કર્યો

મુંબઈઃ મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર આજે વહેલી સવારે ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનની ઘટના બની હતી. ભૂસ્ખલન બાદ મિસિંગ લિંક સેક્શનમાં મુંબઈથી પુણે જતી લેન પર વાહનવ્યવહાર ફરી શરૂ કરી દેવામાં આવ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ધોધમાર વરસાદને કારણે થયેલા આ ભૂસ્ખલનના કારણે 6,695 કરોડ રૂપિયાના ખર્ચે બનેલો મુંબઈ-પુણે એક્સપ્રેસવે પ્રોજેક્ટનો એક મોટો હિસ્સો ઠપ્પ થઈ ગયો હતો. આ ઘટના બાદ મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશને જે કારણ આપ્યું છે ખરેખર હાસ્યાસ્પદ અને ચોંકાવનારૂ છે.

તંત્ર નહીં પરંતુ કુદરત જવાબદાર છે: MSRDCનો આલાપ

MSRDCનું કહેવું છે કે, આના માટે કુદરત જવાબદાર છે.  6,695 કરોડ રૂપિયાના ખર્ચે બનેલો મુંબઈ-પુણે એક્સપ્રેસવે પ્રોજેક્ટ પાણીમાં ગયો તેને MSRDCએ ‘ઈશ્વરીય ઘટના’ ગણાવી છે. તેનો અર્થ એ થયો કે, આ માટે તંત્ર કે સરકાર નહીં પરંતુ કુદરત જવાબદાર છે. કરોડો રૂપિયાના ખર્ચે કોઈ કામ કરવામાં આવે અને તેને નુકસાન થયા તો તેના માટે હવે કુદરત જવાબદાર રહેશે તેવું MSRDCના અધિકારીઓનું કહેવું છે. 

MSRDC કેમ કોન્ટ્રાક્ટરને છાવરે છે?

MSRDC ના વાઈસ ચેરમેન અનિલ કુમાર ગાયકવાડે કહ્યું કે, ‘આમાં કોન્ટ્રાક્ટરની કોઈ ભૂલ નથી, આ કુદરતનો પ્રકોપ છે’. મહારાષ્ટ્ર કોર્પોરેશને ઉમેર્યું કે ભૂસ્ખલનનો સામનો કરવા માટેના ઉપાયો અને આયોજનો હતા, પરંતુ તેની પણ એક મર્યાદા હોય છે. MSRDC હવે કોન્ટ્રાક્ટરના સપોર્ટમાં આવ્યું છે. જેથી પ્રશ્ન થઈ રહ્યો છે કે, શું આ પ્રોજેક્ટમાં હજારો કરોડ રૂપિયા ખર્ચયા તેમાં કોઈ મિલીભગત હતી? જો કોઈ કૌભાંડ કે ભ્રષ્ટાચાર નથી થયો તો MSRDC કોન્ટ્રાક્ટરને કેમ છાવરે છે? આવા પ્રશ્નો અત્યારે થઈ રહ્યાં છે. 

એન્જિનિયરિંગની પણ એક મર્યાદા હોય છે: MSRDC અધિકારી

આ ઘટનાને કુદરતી આફત ગણાવતા MSRDC ના એક અન્ય વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, ‘પથ્થરો પડતા રોકવા માટેના તમામ સુરક્ષા ઉપાયો લગાવેલા છે, જેની તપાસ IIT-Bombay દ્વારા કરવામાં આવી છે. આમાં સુરંગની ઉપર પહાડ પર 15 મીટરની ઊંચાઈ સુધી ખડકોને રોકવા માટે સ્ટીલની જાળી પણ લગાવેલી છે. પરંતુ, આ વખતે પથ્થરો લગભગ 150 મીટરની ઊંચાઈ પરથી નીચે પડ્યા છે. આટલો ભારે વરસાદ એક કુદરતી આપત્તિ સમાન છે, જેને રોકવા માટે ખાસ કંઈ કરી શકાતું નથી’.

જાળીની ઊંચાઈ વધારવા હજી કરોડો ખર્ચાશે?

આ વરસાદ રોકાયા બાદ ખડકોનું નિરીક્ષણ કરવામાં આવશે અને જો શક્ય હશે તો જાળીની ઊંચાઈ વધુ વધારવામાં આવશે, જોકે આ કામ ઘણું ખર્ચાળ હશે અને તેના માટે જંગલમાંથી પસાર થવું પડશે તેવું અધિકારીઓ જણાવી રહ્યાં છે. એટલે કે, પહેલા જે હજારો કરોડ રૂપિયાનો ખર્ચ થયો તેમાં રહેલી ખામીઓને સુધારવા માટે હવે ફરી રૂપિયાનું પાણી કરવામાં આવશે. 

નુકસાન અંગે MSRDCએ શું જણાવ્યું?

MSRDC એ સ્પષ્ટ કર્યું છે કે ભૂસ્ખલનને કારણે ટનલને કોઈ માળખાકીય નુકસાન થયું નથી અને કોન્ટ્રાક્ટરે તમામ નિયત સુરક્ષા નિયમોનું પાલન કર્યું હતું. આઈઆઈટી બોમ્બેની સલાહ બાદ સુરંગની ઉપરના ઢોળાવને રોક બોલ્ટ અને સ્ટીલ મેશની મદદથી સ્થિર કરવામાં આવ્યો હતો. જો આ સુરક્ષા પ્રણાલી ન હોત, તો પડતા પથ્થરોથી થનારું નુકસાન આના કરતાં પણ ઘણું વધારે અને ભયાનક હોઈ શકત.