Fri Jul 24 2026

Logo

Dadar Viral Video Controversy: દાદર વિરોધ પ્રદર્શનના વાયરલ વીડિયો પર મુંબઈ પોલીસની સ્પષ્ટતા

2026-07-24 14:45:00
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ: દાદર વિસ્તારમાં યોજાયેલા સીજેપી (CJP)ના વિરોધ પ્રદર્શન દરમિયાનનો એક વાયરલ વીડિયો હાલ મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો લાવી રહ્યો છે. આ વીડિયોમાં એક સાદા ડ્રેસમાં રહેલા પોલીસ અધિકારી મહિલા પ્રદર્શનકારી સાથે અયોગ્ય વર્તન કરતા હોવાનો આક્ષેપ એનસીપી (શરદ પવાર જૂથ)ના નેતા રોહિત પવાર અને કોંગ્રેસ સાંસદ વર્ષા ગાયકવાડ દ્વારા કરવામાં આવ્યો હતો. જોકે, આ મુદ્દે મુંબઈ પોલીસે સત્તાવાર સ્પષ્ટતા જારી કરીને આક્ષેપોને સદંતર પાયાવિહોણા અને બેજવાબદાર ગણાવ્યા છે.

શું છે વાયરલ વીડિયો અને વિવાદ?
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં એક પોલીસ અધિકારી વિરોધ કરી રહેલા એક પુરુષ પ્રદર્શનકારીને કાબૂમાં લેવા માટે પકડી રહ્યા હતા. એ જ સમયે એક મહિલા પ્રદર્શનકારી અચાનક વચ્ચે આવી ગઈ હતી અને અધિકારીનો હાથ મહિલાના છાતીના ભાગે સ્પર્શ્યો હતો.

આ વીડિયો શેર કરતાં રોહિત પવારે આકરા શબ્દોમાં વિરોધ નોંધાવ્યો હતો અને નાયબ મુખ્યપ્રધાન તથા ગૃહપ્રધાન દેવેન્દ્ર ફડણવીસને ટેગ કરીને લખ્યું હતું. આ બદમાશ કોણ છે? તે પોતાની દીકરીની ઉંમરની યુવતી સાથે કેવું ઘૃણાસ્પદ કૃત્ય કરી રહ્યો છે. જો આ વ્યક્તિ પોલીસ અધિકારી હોય તો તેને માત્ર સસ્પેન્ડ નહીં, પરંતુ સેવામુકત કરીને જેલમાં ધકેલી દેવો જોઈએ. કોંગ્રેસ સાંસદ વર્ષા ગાયકવાડે પણ આ વીડિયો શેર કરીને પોલીસ કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા.

મુંબઈ પોલીસની સ્પષ્ટતા: 'યુવતી અચાનક વચ્ચે આવી ગઈ'
મુંબઈ પોલીસે આ વાયરલ વીડિયો અંગે ફેક્ટ-ચેક કરીને સ્થિતિ સ્પષ્ટ કરી છે. વરિષ્ઠ અધિકારીઓએ સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કર્યા બાદ જણાવ્યું હતું કે, રોહિત પવાર અને અન્ય નેતાઓ દ્વારા વીડિયોનું સદંતર ખોટું અર્થઘટન કરવામાં આવી રહ્યું છે.

પોલીસે સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે સંબંધિત પોલીસ અધિકારી વાદળી શર્ટ પહેરેલા એક પુરુષ પ્રદર્શનકારીને કાબૂમાં લેવા માટે પકડી રહ્યા હતા અને તેમનું ધ્યાન વિરુદ્ધ દિશામાં હતું. તે દરમિયાન જ મહિલા પ્રદર્શનકારી અજાણતા અને અચાનક તેમની વચ્ચે આવી ગઈ હતી. અધિકારીએ જાણી-જોઈને કે અયોગ્ય ઈરાદાથી મહિલા સાથે ગેરવર્તન કર્યું હોય તેવો કોઈ પુરાવો નથી. નેતાઓ જેવા જવાબદાર વ્યક્તિઓએ કોઈપણ નિષ્કર્ષ પર પહોંચતા પહેલા તથ્યોની પૂરેપૂરી ચકાસણી કરવી જોઈએ.

બીજેપીનો રોહિત પવાર પર વળતો પ્રહાર
આ મુદ્દે ભાજપના પ્રવક્તા નવનાથ બનેએ રોહિત પવાર પર પલટવાર કરતાં જણાવ્યું હતું કે, રાજકીય રોટલા શેકવા માટે મુંબઈ પોલીસ દળને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમણે ઉમેર્યું કે વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે અધિકારી કાયદો-વ્યવસ્થા જાળવવા પુરુષ પ્રદર્શનકારીને પકડવા દોડી રહ્યા હતા, તેથી તથ્યો તપાસ્યા વગર જાહેરમાં ગંભીર આક્ષેપો કરવા યોગ્ય નથી.

ડ્રગ્સના કેસમાં ધમકી આપનાર અધિકારી સામે કડક પગલાં
નોંધનીય છે કે, આ પહેલા રોહિત પવારે અન્ય એક વીડિયો પણ શેર કર્યો હતો, જેમાં એક પોલીસ અધિકારી કેટલાક યુવાનોને ધમકાવતા જોવા મળ્યા હતા કે જો તેઓ ફરી પકડાશે તો તેમની સામે ૫૦ ગ્રામ ડ્રગ્સનો ખોટો કેસ કરીને જેલમાં ધકેલી દેવાશે. પોલીસે આ બાબતને ગંભીરતાથી લઈને તપાસ બાદ સંબંધિત અધિકારીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે.