(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મની લોન્ડરિંગ, આતંકવાદીને મદદ જેવા ગુનાઓમાં ધરપકડનો ભય દેખાડી ‘ડિજિટલ અરેસ્ટ’ને નામે સાયબર ઠગ ટોળકી દ્વારા સિનિયર સિટીઝનો પાસેથી નાણાં પડાવવાના સમયાંતરે બની રહેલા બનાવોને રોકવા સાયબર પોલીસ દ્વારા નવી પહેલ કરવામાં આવી છે. ગોરેગામથી બોરીવલી પશ્ર્ચિમમાં એકલા રહેતા સિનિયર સિટીઝન્સના ઘરે જઈને પોલીસ દ્વારા હવે માર્ગદર્શન આપીને સાવચેત રહેવાનું સમજાવવામાં આવી રહ્યું છે.
વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ ડિજિટલ અરેસ્ટનો હાઉ ઊભો કરીને વરિષ્ઠ નાગરિકોને છેતરી નાણાં પડાવવાના કેસ છાસવારે નોંધાઈ રહ્યા છે. અનેક માધ્યમોનો ઉપયોગ કરીને આ અંગે જનજાગૃતિ કરવામાં આવી રહી છે. ડિજિટલ અરેસ્ટ જેવું કંઈ હોતું નથી, એની સમજ વારંવાર આપવા છતાં ડરના માર્યા સિનિયર સિટીઝન્સ આવી છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે. પરિણામે પોલીસે હવે સિનિયર સિટીઝન્સને વ્યક્તિગત મળીને સાવચેત કરવાનો માર્ગ અપનાવ્યો છે.
આ માટે ઝોન-11 હેઠળના ગોરેગામ પશ્ર્ચિમથી બોરીવલી પશ્ર્ચિમ સુધી વિસ્તારોમાં એકલા રહેતા સિનિયર સિટીઝન્સની વિગતો પ્રાપ્ત કરવામાં આવી હતી. બાદમાં પાંચેય રિજનનાં સાયબર પોલીસ સ્ટેશન અને ક્રાઈમ બ્રાન્ચના આઠ પોલીસ અધિકારી અને 36 કર્મચારીને આ ઝુંબેશ પાર પાડવાની જવાબદારી સોંપાઈ હતી.
અધિકારીઓએ એકલા રહેતા 563 સિનિયર સિટીઝનના ઘરે જઈને ‘ડિજિટલ અરેસ્ટ’થી ડરીને નાણાં ટ્રાન્સફર ન કરવાનું સમજાવ્યું હતું. વરિષ્ઠ નાગરિકો સારી રીતે સમજી શકે તે માટે તેમને મરાઠી અને ઈંગ્લિશમાં છપાયેલાં પેમ્ફલેટ પણ આપવામાં આવ્યાં હતાં. પોલીસ, સીબીઆઈ, ઈડી કે કોઈ પણ સરકારી તપાસ એજન્સી ડિજિટલ અરેસ્ટ કરતી નથી. કાયદામાં એવી કોઈ જોગવાઈ ન હોવાનું સમજાવવામાં આવ્યું હતું. આવી છેતરપિંડીથી બચવા અજાણી વ્યક્તિના વીડિયો કૉલ રિસીવ ન કરવાનું પણ કહેવામાં આવ્યું હતું.