Fri Sep 04 2026

Logo

મરીન ડ્રાઇવ પર ‘ગોળીબાર’ની ધમકી આપતો વીડિયો બનાવી અપલોડ કર્યો: યુવક ઝડપાયો

2026-03-01 09:03:00
Author: Yogesh D. Patel
મરીન ડ્રાઇવ પર ‘ગોળીબાર’ની ધમકી આપતો વીડિયો બનાવી અપલોડ કર્યો: યુવક ઝડપાયો

મુંબઈ: મરીન ડ્રાઇવ પર ફરવા આવ્યા બાદ ‘ગોળીબાર’ કરવાની ધમકી આપતો વીડિયો બનાવીને તેને સોશિયલ મીડિયા પર અપલોડ કરવા બદલ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે 26 વર્ષના યુવકની ધરપકડ કરી હતી. ગયા વર્ષે જમીનના વિવાદને લઇ પિતાની થયેલી હત્યાને પગલે બદલો લેવાને ઇરાદે તેણે આ વીડિયો બનાવ્યો હોવાની પોલીસને શંકા છે.

ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ ધરપકડ કરેલા યુવકની ઓળખ ચંદ્રેશ ઉપાધ્યાય તરીકે થઇ હતી, જે ચારકોપનો રહેવાસી છે અને એ જ વિસ્તારમાં કામ કરે છે. ચંદ્રેશ 26 ફેબ્રુઆરીએ મરીન ડ્રાઇવ ખાતે ફરવા માટે આવ્યો હતો, જ્યાં તેણે વીડિયો બનાવ્યો હતો, જેમાં ગોળીબારની ધમકી અપાઇ હતી અને વીડિયો બાદમાં અપલોડ કર્યો હતો.

સોશિયલ મીડિયા પર અપલોડ થયેલા વીડિયો પર પોલીસનું ધ્યાન જતાં તપાસ હાથ ધરાઇ હતી અને ત્યાર બાદ ચંદ્રેશને તાબામાં લેવાયો હતો. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે ચંદ્રેશના પિતાની ઑગસ્ટ, 2025માં જમીનના વિવાદને લઇ હત્યા કરવામાં આવી હતી. પોલીસને શંકા છે કે આરોપીએ આ વીડિયો બદલો લેવાને ઇરાદે અથવા તેના સંબંધીઓને ડરાવવા બનાવ્યો હશે, જેમને તે હત્યામાં સામેલ હોવાનું માને છે. 


ક્રાઇમ બ્રાન્ચના અધિકારીએ જણાવ્યું હતું કે આરોપીનો મોબાઇલ તપાસવામાં આવ્યો હતો, જેમાં પિસ્તોલની અનેક તસવીરો મળી આવી હતી. આથી પોલીસને શંકા છે કે તે હથિયાર ખરીદવાની યોજના બનાવી રહ્યો હશે. ચંદ્રેશની ધરપકડ કરાયા બાદ તેને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો, જ્યાં તેને પોલીસ કસ્ટડી ફટકારવામાં આવી હતી.