Tue Oct 06 2026

Logo

સ્પોર્ટ્સ બાઈક્સ ચોરીના કેસમાં બે યુવક પકડાયા: 11 બાઈક જપ્ત

2026-02-27 17:17:00
Author: Yogesh C. Patel
સ્પોર્ટ્સ બાઈક્સ ચોરીના કેસમાં બે યુવક પકડાયા: 11 બાઈક જપ્ત

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મુંબઈના અલગ અલગ પરિસરમાંથી સ્પોર્ટ્સ બાઈક્સ ચોરીને વેચી નાખવાના ગુનામાં સંડોવાયેલા બે યુવકની ધરપકડ કરી પોલીસે 11 બાઈક જપ્ત કરી હતી.
સાકીનાકા પોલીસે પકડી પાડેલા બન્ને આરોપીની ઓળખ મિરાજ ઉર્ફે બવાલ મોહમ્મદ રઈસ ખાન (26) અને ઉમેર આમીન શેખ (20) તરીકે થઈ હતી. આરોપીની પૂછપરછમાં મુંબઈનાં વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા 15 ગુના ઉકેલાયા હોવાનો દાવો પોલીસે કર્યો હતો.

સાકીનાકામાં અંધેરી-ઘાટકોપર લિંક રોડ પરની બિલાલ મસ્જિદ સોસાયટી પાસે પાર્ક કરેલી રૉયલ એનફીલ્ડની બાઈક ચોરાઈ હોવાની ફરિયાદ સાકીનાકા પોલીસને મળી હતી. 22 નવેમ્બર, 2025ની રાતે પાર્ક કરેલી બાઈક બીજી સવારે ગુમ હોવાનું જણાતાં ફરિયાદીએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન પોલીસે થાણેના કિરવલી વિલેજ ખાતેથી આરોપી મિરાજને તાબામાં લીધો હતો. મિરાજે 15 બાઈક ચોર્યાની કબૂલાત કરી હતી. ચોરેલી બાઈક તે ઉમેર શેખને વેચતો હોવાનું મિરાજે પૂછપરછમાં કહ્યું હતું. મિરાજની માહિતી પરથી ઉમેરને રાજસ્થાનથી પકડી પાડવામાં આવ્યો હતો. ઉમેરની પૂછપરછ બાદ પોલીસે અલગ અલગ સ્થળેથી 11 બાઈક જપ્ત કરી હતી, જેની કિંમત 23.89 લાખ રૂપિયા હોવાનું પોલીસે જણાવ્યું હતું.