મુંબઈ: ભારતના સૌથી જટિલ રોડ ટનલ પ્રોજેક્ટમાં આવતા ઑરેન્જ ગેટથી મરીન ડ્રાઈવ ટનલ રોડ પ્રોજેક્ટે વધુ એક ઐતિહાસિક તબક્કો પાર કર્યો હોઈ હવે પ્રોજેક્ટમાં મુખ્ય ટનલિંગ ડ્રાઈવના કામની શરૂઆત થઈ છે. મુંબઈના અંડરગ્રાઉન્ડ પરિવહન વ્યવસ્થા માટે એક મહત્ત્વનો રૂટ ગણાય છે.
મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)ની ઑરેન્જ ગેટ-મરીન ડ્રાઈવન ટ્વિન અંડરગ્રાઉન્ડ ટનલ પ્રોજેક્ટમાં ‘માવળા’ ટનલ બોરિંગ મશીનને ડિસેમ્બર ૨૦૨૫માં જમીનની અંદર ઉતાર્યું હતું. આ ટીબીએમએ અત્યાર સુધી ૭૦મીટરનું ખોદકામ પૂર્ણ કર્યું છે. ટીબીએમ સંપૂર્ણપણે જમીનની નીચે ખોદકામ પૂરું કરીને સવાથી દોઢ વર્ષમાં જમીનથી બહાર આવે એવી શક્યતા છે.
ઈસ્ટર્ન ફ્રીવેથી ડાયરેક્ટ મરીન ડ્રાઈવ ઝડપથી પહોંચી શકાય તે માટે એમએમઆરડીએ ઑરેન્જ ગેટથી-મરીન ડ્રાઈવ સુધી ટ્વિન ટનલ પ્રોજેક્ટ હાથમાં લીધો છે. ૯.૨ કિલોમીટર લંબાઈની આ ટ્વિન ટનલના કામ માટે ૯,૧૫૮ કરોડ રૂપિયાનો ખર્ચ અપેક્ષિત છે. આ પ્રોજેક્ટનો કૉન્ટ્રેક્ટ એલ ઍન્ડ ટી કંપનીને આપવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ઑરેન્જ ગેટથી લૉન્ચિંગ શાફ્ટ તૈયાર કરવામાં આવ્યો હોઈ આ લૉન્ચિંગ શાફ્ટમાંથી બે ટીબીએમ જમીનની નીચે ઊતારીને ટનલ બનાવવામાં આવવાની છે. ટીબીએમને ત્રણ ડિસેમ્બર, ૨૦૨૫ના નીચે ઉતાર્યા બાદ તેણે કામ શરૂ કરી દીધું હતું.
અંડરગ્રાઉન્ડમાં ટનલ બનાવવા માટે ૨૬ માર્ચ, ૨૦૨૬ સુધીમાં માવળા ટીબીએમએ ૭૦ મીટર સુધીનું ખોદકામ પૂર્ણ કર્યું હોવાનું એમએમઆરીડીએ દ્વારા જણાવવામાં આવ્યું હતું. થોડા દિવસોમાં જ ૩,૭૨૦માંથી ૭૦ મીટર ખોદકામ પૂર્ણ કરીને માવળા આગળ વધી રહ્યું છે. ખોદકામ પૂરું કરીને તેને બહાર આવતા સવાથી દોઢ વર્ષનો સમય લાગવાની શક્યતા છે.
ઑરેન્જ ગેટ લૉન્ચિંગ શાફ્ટમાંથી એક ટીબીએમ મશીનથી જમીનની નીચે ખોદકામ શરૂ છે અને હવે બીજી દિશામાંથી ખોદકામ કરવા માટે જર્મનીથી ટીબીએમ લાવવામાં આવવાનું હોઈ બહુ જલદી તે મુંબઈમાં દાખલ થવાનું છે. તેના હિસ્સા આવ્યા બાદ તેનું જોડાણ કરીને તેને પણ જમીનની નીચે ઉતારવામાં આવશે.
આ પ્રોજેક્ટ પૂરો થયા બાદ ઑરેન્જ ગેટથી મરીન ડ્રાઈવ દરમ્યાનનો પ્રવાસ ફક્ત પાંચ મિનિટમાં પાર કરી શકાશે. તેમ જ તેને કોસ્ટલ રોડ અને અટલ સેતુ સાથે પણ સીધો જોડવામાં આવવાનો છે, તેને કારણે ટ્રાફિકની સમસ્યાથી છૂટકારો મળવાની સાથે જ ઈંધણની પણ બચત થશે અને પ્રદૂષણમાં ઘટાડો થવામાં મદદ મળશે.