Tue Aug 25 2026

Logo

મુંબઈગરાઓ માટે બનશે અમદાવાદ જેવું વિશાળ ક્રિકેટ સ્ટેડિયમઃ એકસાથે 1,00,000 પ્રેક્ષકો માણી શકશે મૅચની મોજ

2026-04-02 16:41:11
Author: Ajay Motiwala
મુંબઈગરાઓ માટે બનશે અમદાવાદ જેવું વિશાળ ક્રિકેટ સ્ટેડિયમઃ એકસાથે 1,00,000 પ્રેક્ષકો માણી શકશે મૅચની મોજ

એમસીએના પ્રમુખ અજિંક્ય નાઇક તાજેતરમાં સૂચિત સ્ટેડિયમ સંદર્ભમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મળ્યા હતા.


મુંબઈઃ મુંબઈ મેટ્રોપોલીટન રિજ્યન (MMR)માં એક લાખ સીટની ક્ષમતાવાળું વિશાળ ક્રિકેટ સ્ટેડિયમ બનવાનું છે અને એ સંબંધમાં આ સ્ટેડિયમના વિકાસ કાર્યને વેગ આપવા વિશે ચર્ચા કરવા મુંબઈ ક્રિકેટ અસોસિયેશન (MCA)ના પ્રમુખ અજિંક્ય નાઇક તાજેતરમાં રોડ-મેપ નક્કી કરવા સંબંધમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને તેમ જ રાજ્ય સરકારના બીજા ટોચના અધિકારીઓને મળ્યા હતા. શક્યતઃ નવી મુંબઈ-સ્થિત આ પ્રકલ્પ ફડણવીસના નેતૃત્વ હેઠળ હાથ ધરવામાં આવી રહ્યો છે.

નાઇક સિટી ઍન્ડ ઇન્ટસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન ઑફ મહારાષ્ટ્ર (સિડકો)ના મૅનેજિંગ ડિરેકટર વિજય સિંઘલ તથા અન્ય ટોચના અધિકારીઓને પણ આ મેગા પ્રૉજેક્ટ સંબંધમાં ચર્ચા માટે મળ્યા હતા. આ સ્ટેડિયમ (STADIUM) મુંબઈના હાર્દ ક્ષેત્રમાં બનશે એવી પણ અગાઉ ચર્ચા હતી. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં શ્રી નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં 1,32,000 પ્રેક્ષકો બેસી શકે એટલી સીટ છે. વાનખેડે સ્ટેડિયમમાં 33,000-પ્લસ પ્રેક્ષકો બેસી શકે એટલી સીટ છે.

આ વર્લ્ડ ક્લાસ સ્ટેડિયમ બનવા સાથે મહારાષ્ટ્ર વૈશ્વિક ખેલજગતના નકશામાં મહત્ત્વનું સ્થાન જમાવશે. અજિંક્ય નાઇકે જણાવ્યું હતું કે `વિશાળ સ્ટેડિયમ બનાવવાની આ પહેલ મહારાષ્ટ્ર રાજ્યની ખેલકૂદ સંબંધિત અર્થવ્યવસ્થા માટે એક નવો પંથ કંડારશે. આ સ્ટેડિયમ ખેલાડીઓના પર્ફોર્મન્સના વિકાસ માટે નવી ઉચ્ચ સ્તરિય તકો ઊભી કરશે, પાયાના સ્તરેથી ઊભરતી ટૅલન્ટને નવી ઓળખ અપાવશે તેમ જ ક્રિકેટ સાથે સ્પર્શતી સમગ્ર અર્થવ્યવસ્થાને વધુ મજબૂત બનાવશે.'

નવું સ્ટેડિયમ ખેલકૂદ સાથે સંકળાયેલા પર્યટન ઉદ્યોગને પણ વેગ આપશે, મોટી આંતરરાષ્ટ્રીય ઇવેન્ટને મુંબઈ તરફ આકર્ષશે તેમ જ સમગ્ર મુંબઈ પ્રદેશને જાગતિક ખેલકૂદ સ્તરે વધુ લોકપ્રિય બનાવશે.