Tue Sep 15 2026

Logo

ટ્રકમાં કરિયાણાની સામગ્રીમાં સંતાડેલો 702 કિલો ગાંજો જપ્ત: બેની ધરપકડ

2026-05-22 19:33:47
Author: Yogesh C. Patel
ટ્રકમાં કરિયાણાની સામગ્રીમાં સંતાડેલો 702 કિલો ગાંજો જપ્ત: બેની ધરપકડ

મુંબઈ: નાર્કોટિક્સ ક્ધટ્રોલ બ્યૂરો (એનસીબી)એ ટ્રકમાં કરિયાણાની સામગ્રી વચ્ચે સંતાડીને લઈ જવાતો 702 કિલો ગાંજો જપ્ત કરી બે આરોપીની ધરપકડ કરી હતી. આધારભૂત માહિતીને આધારે એનસીબીના મુંબઈ ઝોનલની ટીમે ગોંદિયા જિલ્લામાં એક ટ્રકને આંતરી હતી. ટ્રકમાં હાજર પ્રકાશ એમ. ડી. અને પદ્મલાલ એન. એમ.ને તાબામાં લીધા હતા. ટ્રકમાં કરિયાણાની સામગ્રી હોવાનો દાવો બન્નેએ કર્યો હતો.

શંકાને પગલે એનસીબીની ટીમે ટ્રકમાં તપાસ કરી હતી. ડિટર્જન્ટ, ટૂથપેસ્ટ અને હેર ડાય જેવી વસ્તુઓનાં બૉક્સ વચ્ચે ગાંજો સંતાડવામાં આવ્યો હતો. અંદાજે ત્રણ કરોડ રૂપિયાનો 702 કિલો ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો.
પ્રાથમિક તપાસમાં આ ગાંજો ઓડિશાથી લાવવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

નાગપુર, ગોંદિયા, પુણે અને મુંબઈની ડ્રગ સિન્ડિકેટ માટેનો આ ગાંજો હોવાનું આરોપીએ કહ્યું હતું. બન્ને આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. એપ્રિલમાં પણ એનસીબીએ ઓડિશાથી લાવવામાં આવેલો 210 કિલો ગાંજો જપ્ત કરી ચાર આરોપીની ધરપકડ કરી હતી. (પીટીઆઈ)