ત્ર્યંબકેશ્ર્વર મહાદેવના દર્શન કરીને પાછા ફરી રહેલા જોગેશ્ર્વરીના પરિવારને નડ્યો અકસ્માત: સાત જખમી
થાણે: મુંબઈ-નાશિક હાઈવે પર શાહપુર નજીક છેલ્લાં બે વર્ષથી નધણિયાતી હાલતમાં છોડી દેવામાં આવેલી સળગેલી ટ્રક સાથે ત્ર્યંબકેશ્ર્વરના દર્શન કરીને પાછા ફરી રહેલા પરિવારની કાર ભટકાતાં ગમખ્વાર અકસ્માત થયો હતો. આ ઘટનામાં મુંબઈના જોગેશ્ર્વરી ખાતે રહેતા પરિવારના ચાર જણે જીવ ગુમાવ્યા હતા, જ્યારે સાત ગંભીર રીતે ઘવાયા હતા.
શાહપુર પોલીસના જણાવ્યા મુજબ શાહપુર તાલુકાના આટગાંવ નજીક બુધવારની બપોરે હાઈવે પર આ ઘટના બની હતી. અકસ્માતમાં મૃત્યુ પામેલાઓની ઓળખ શ્રીરામ જૈસ્વાલ, આયુષ જૈસ્વાલ, લાડો જૈસ્વાલ અને સૂરજ જૈસ્વાલ તરીકે થઈ હતી. એક જ પરિવારના ચારેય મૃતકો મુંબઈના જોગેશ્ર્વરી પરિસરમાં રહેતા હતા.
પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે જૈસ્વાલ પરિવાર નાશિકના પ્રસિદ્ધ શ્રદ્ધાસ્થાન ત્ર્યંબકેશ્ર્વરમાં શંકર મંદિરમાં દર્શન માટે ગયો હતો. ત્યાંથી પાછા ફરતી વખતે કારમાં ટેક્નિકલ ખામી સર્જાતાં ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. બેકાબૂ કાર રસ્તાને કિનારે ઊભેલી ટ્રક સાથે ભટકાઈ હતી.
પોલીસના જણાવ્યા મુજબ સળગેલી ટ્રક છેલ્લાં બે વર્ષથી ઘટનાસ્થળે પાર્ક કરાયેલી હતી. કારની ટક્કર એટલી જોરદાર હતી કે બોનેટનો ભાગ પૂરો ચગદાઈ ગયો હતો. બનાવની જાણ થતાં જ સ્થાનિક રહેવાસીઓ અને હાઈવે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કચ્ચરઘાણ વળી ગયેલી કારમાંથી મૃતકો અને જખમીઓને મહામુસીબતે બહાર કાઢવામાં આવ્યા હતા.
જખમી સાત જણ સુભી જૈસ્વાલ, શિવમ જૈસ્વાલ, હશિક જૈસ્વાલ, સુનીતા જૈસ્વાલ, રાધિકા જૈસ્વાલ, સતીશ જૈસ્વાલ અને સંતરામ જૈસ્વાલને સારવાર માટે શાહપુર ઉપજિલ્લા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.
અકસ્માતને પગલે હાઈવે પર મુંબઈ તરફની લેન પર ભારે ટ્રાફિક જૅમ થઈ ગયો હતો. કલાક સુધી વાહનોની લાંબી લાઈન લાગી હતી. પોલીસે ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનને રસ્તાને કિનારે ખસેડ્યા પછી વાહનવ્યવહાર પૂર્વવત્ કરવામાં આવ્યો હતો.
શાહપુર પોલીસની પ્રાથમિક તપાસ સૂચવે છે કે એકાએક બ્રેક ફેલ અને સ્ટિયરિંગ લૉક થવાને કારણે ડ્રાઈવરે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો. ઘટનાની નોંધ કરી શાહપુર પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી. (પીટીઆઈ)