(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: જુલાઈ મહિનામાં પડેલા મુશળધાર વરસાદને પગલે પાણીજન્ય કહેવાતી બીમારીઓએ મુંબઈમાં માથું ઊંચક્યું છે. જૂન મહિનાની સરખામણીમાં મુંબઈમાં જુલાઈ મહિનામાં મૅલેરિયા અને ડેન્ગ્યૂના બમણા કેસ નોંધાયા છે. જુલાઈમાં મૅલેરિયાના ૧,૩૮૦, ડેન્ગ્યૂના ૪૬૬ કેસ તો ગૅસ્ટ્રોના ૮૫૧ કેસ નોંધાયા છે.
મુંબઈમાં જૂન મહિનામાં સાધારણ વરસાદ રહ્યા બાદ જુલાઈમાં લગભગ આખો મહિનો ભારે વરસાદ રહ્યો હતો. ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, તેને પગલે ચોમાસાજન્ય કહેવાતી બીમારીનું પ્રમાણ વધી ગયું હોવાનો પાલિકાના સાર્વજનિક આરોગ્ય વિભાગે દાવો કર્યો છે. જૂન મહિનાની સરખામણીમાં જુલાઈ મહિનામાં મૅલેરિયા, ડેન્ગ્યૂ, લેપ્ટો જેવી પાણીજન્ય બીમારી જ નહીં પણ સ્વાઈન ફ્લૂ અને કૉવિડ-૧૯ કેસમાં પણ મોટો વધારો નોંધાયો છે.
આરોગ્ય ખાતાના જણાવ્યા મુજબ જૂન મહિનામાં મૅલેરિયાના ૬૫૫ દર્દી સામે જુલાઈમાં દર્દીનો આંકડો બમણો થઈને ૧,૩૮૦ કેસ નોંધાયા હતા. ડેન્ગ્યૂના જૂનમાં ૨૬૬ સામે જુલાઈમાં ૪૬૬, લેપ્ટોસ્પાયરોસિસના જૂનમાં ૩૩ સામે જુલાઈમાં ૭૮ કેસ નોંધાયા હતા. તો ગૅસ્ટ્રોના જૂનમાં ૬૦૩ કેસ સામે જુલાઈમાં ૮૫૧ અને કૉવિડ ૧૯ના જૂનમાં ૨૭ કેસ સામે જુલાઈમાં ૫૮ કેસ નોંધાયા હતા. સ્વાઈનફ્લૂના કેસ પણ જૂનમાં ૫૮ હતા, તેની સામે જુલાઈમાં આ આંકડો લગભગ બમણો એટલે કે ૧૦૫ દર્દી નોંધાયા હતા.
આરોગ્ય ખાતાના દાવા મુજબ મૅલેરિયા અને ડેન્ગ્યૂના વધતા કેસ રોકવા માટે પ્રતિબંધાત્મક ઉપાયો તરીકે નિયમિત સર્વેક્ષણ, લાર્વાનો નાશ, દવાનો છંટકાવ, પાણી ભરાઈ રહેવાનો સ્થળો પરથી પાણીને કાઢીને ‘શૂન્ય મચ્છર પ્રજનન’ ઝુંબેશ અમલમાં મૂકવામાં આવી રહી છે. પહેલીથી ૩૧ જુલાઈ દરમ્યાન ૬,૫૧,૩૧૬ ઘરનું ઈન્સ્પેકશન કરવામાં આવ્યું હતું, જેમાં ૭૫,૬૫૦ લોકોના લોહીના નમૂના એકત્ર કરવામાં આવ્યા હતા. જુલાઈમાં ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા હતા. તેથી એકલા જુલાઈ મહિનામાં જ ૫૧,૨૧૬ લોકોને લેપ્ટોસ્પાયરોસિસ પ્રતિબંધાત્મક દવાઓ આપી હતી.
મૅલેરિયાને નિયંત્રણમાં લાવવા માટે મુંબઈમાં ૫૪,૬૦૫ જેટલા કૂવા, પાણીની ટાંકી અને સ્વિમિંગ પૂલની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી ૫,૯૬૯ જગ્યાએ મૅલેરિયાને જવાબદાર ગણાતા એનોફિલીસ મચ્છરોના ઉત્પત્તિના સ્થળ મળી આવ્યા હતા.
ડેન્ગ્યૂને નિયંત્રણમાં લાવવા માટે ૧૦,૯૧,૩૧૫ જેટલા પાણીના પિપડા, ટાયર, ફેંગશૂઈ ઝાડ, નકામી વસ્તુઓ, મની પ્લાન્ટ વગેરેનું ઈન્સ્પેકશન કર્યું હતું. આ દરમ્યાન ૨૧,૯૨૪ જેટલા એડિસ મચ્છરોના ઉત્પત્તિ સ્થળ મળી આવ્યા હતા.