મુંબઈ: આખરે મીઠી નદીમાંથી ગાળ કાઢવાનું કામ શરૂ થઈ ગયુ છે. ૧૮ કિલોમીટર લંબાઈની મીઠીના પટને ત્રણ પટ્ટામાં વહેંચી દેવામાં આવ્યા બાદ કૉન્ટ્રેક્ટરો દ્વારા ચાલી રહેલા સફાઈના કામનું મુંબઈ મહાનગરપાલિકાના એડિશનલ કમિશનર (પ્રોજેક્ટ) અભિજિત બાંગરે ઈન્સ્પેકશન કર્યું હતું એ દરમ્યાન તેમણે પૂરજનક પરિસ્થિતિને રોકવા માટે નદીને અડીને આવેલા નીચાણવાળા વિસ્તારમાં સફાઈ પર ખાસ ધ્યાન આપવાનો કૉન્ટ્રેક્ટરને નિર્દેશ આપ્યો હતો.
ચોમાસા દરમ્યાન મીઠીનો ગાળ કાઢવા માટે મુંબઈ મહાનગરાપાલિકાએ ૨૮ કરોડ રૂપિયાનું ટેન્ડર બહાર પાડ્યું હતું. મીઠી નદીની સફાઈના માટેે પાલિકાએ બે વખત ટેન્ડર બહાર પાડયા હતા અને તેની મુદત પણ લંબાવવામાં આવી હતી. છતાં કોઈ કૉન્ટ્રેક્ટરે રસ બતાવ્યો નહોતો. છેવટે બે જ બિડરે મીઠીની સફાઈમાં રસ દર્શાવ્યો હતો. એ બાદ મીઠી નદીનું ત્રણ પૅકેજ અંતર્ગત પાંચ ઠેકાણે કામની શરૂઆત થઈ છે.
ગયા વર્ષે મીઠી નદીના સફાઈના કામમાં થયેલા ૧,૧૦૦ કરોડ રૂપિયાના કૌભાંડની તપાસ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ હાથ ધરી હતી, જેમાં કૉન્ટ્રેક્ટરના માણસો સહિત પાલિકાના અધિકારીઓની ધરપકડ કરવામાં આવી હતી, તેને પગલે ચોમાસા દરમ્યાન મીઠીની સફાઈનું કામ કૉન્ટ્રેક્ટરે બંધ કરી દીધું હતું. તેથી ઑગસ્ટમાં ભારે વરસાદના સમયે મીઠી નદીના પાણીનું સ્તર ૩.૯ મીટર સુધી વધીને લગભગ ૪.૨ મીટરના જોખમી સપાટી નજીક પહોંચી ગયું હતું અને તેને કારણે મીઠી નદીની આજુબાજુના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. તેથી આ વર્ષે તેનું પુનરાવર્તન થાય તેના પર ખાસ ધ્યાન આપવાનો નિર્દેશ પ્રશાસને અધિકારીઓને આપ્યો છે.
પાલિકાના એડિશનલ કમિશનર અભિજિત બાંગરે મીઠી નદી સહિત નાળા સફાઈના કામનું ઈન્સ્પેકશન કર્યું હતું એ દરમ્યાન તેમણે કહ્યું હતું કે આ વર્ષે પાલિકાનું ધ્યાન સમયસર મીઠી અને નાળાઓની સફાઈનું કામ પૂરું થાય તેના પર તો રહેશે જ પણ સાથે જ ચોમાસામાં નદીમાં પાણી ભરાઈને પૂર આવે નહીં તેના પર ખાસ રહેશે. ચોમાસા પહેલા ૩૧ ટકા સફાઈ કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે.
મીઠી નદીના સમગ્ર ૧૮ કિલોમીટરના પટ્ટાને વહેંચી દેવામાં આવ્યું છે. પહેલા પૅકેજમાં વિહાર તળાવ સંજય ગાધી રાષ્ટ્રીય ઉદ્યાન કે જ્યાંથી નદીનું ઉદ્ગમ સ્થાન છે ત્યાથી ટીચર્સ કોલોની (બાન્દ્રા પૂર્વ) સુધીનો ૧૧.૮ કિલોમીટરનો સૌથી લાંબા પટ્ટાનો સમાવેશ થાય છે. જે વાકોલા અને કલિના વિસ્તારને પણ આવરી લેય છે અને આ બંને વિસ્તાર એકદમ નીચાણવાળા હોવાથી થોડા વરસાદમાં પણ અહીં પાણી ભરાઈ જાય છે.
બીજો ૧.૩ કિલોમીટરનો પટ્ટો બાન્દ્રા-કુર્લા કૉમ્પલેક્સ (બીકેસી) વિસ્તારને આવરી લે છે. જયારે છેલ્લા પૅકેજમાં ૪.૭ કિલોમીટરનો વિસ્તાર ધારાવી અને માહિમને આવરી લે છે અહીંથી નદી અરબી સમુદ્રમાં ઠલવાય છે.
કામમાં ગડબડ કરી તો કૉન્ટ્રેક્ટ સામે કાર્યવાહી
મીઠી નદીનો ગાળ કાઢવા માટે નીમવામાં આવેલા કૉન્ટ્રેક્ટરે કરેલા કામનું પાલિકાના અધિકારીઓએ ઈન્સ્પેકશન કરવાનું રહેશે. સંબંધિત કૉન્ટ્રેક્ટર યોગ્ય પ્રકારને નક્કી કરેલી મુદતમાં ગાળ કાઢવાનું કામ કરે છે કે નહીં તેની ખાતરી કાર્ય બાદ જ તેને ચૂકવણી કરવાની રહેશે. કામની ગુણવત્તા જળવાઈ રહે અને કમ્પ્યુટર સિસ્ટમમાં તમામ માહિતી અપલોડ થાય તેનું પણ અધિકારીઓએ ધ્યાન રાખવાનું રહેશે. જો કામમાં કોઈ ગડબડ કરી તો સંંબંધિત કૉન્ટ્રેક્ટર સામે યોગ્ય કાર્યવાહી કરવાની ચેતવણી પાલિકાએ આપી છે.