મુંબઈની ત્રણ મેટ્રો લાઈનમાં ૧૦ દિવસ રેલસેવા સવારના ૬.૩૦ વાગે શરૂ થશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈગરાની સેવામાં મેટ્રો રેલ તબક્કાવાર શરૂ કરવામાં આવી રહી છે, જેમાં હવે મેટ્રો લાઇન-નાઈનના બીજા તબક્કામાં ત્રણ વધારાના સ્ટેશનોનો સમાવેશ કરવામાં આવવાનો છે, જે માટે મેટ્રો લાઇન-નાઈન ફેઝ-વન તેમજ હાલના મેટ્રો નેટવર્ક સાથે સરળ સંકલન માટે જરૂરી સિગ્નલિંગ અને મેટ્રો ટ્રેનનું પરીક્ષણ કરવામાં આવવાનું છે. નવા સ્ટેશનો સુધીનો મેટ્રો રેલ શરૂ કરવા પહેલા ટ્રાયલ સેવા માટે સવારનો વિશેષ બ્લોક હાથ ધરવામાં આવશે એવી જાહેરાત મહા મુંબઈ મેટ્રો ઓપરેશન કૉર્પોરેશન લિમિટેડે કરી છે.
આ બ્લોક ૧૫ થી ૨૫ સપ્ટેમ્બર ૨૦૨૬ દરમ્યાન રહેશે. આ સમય દરમ્યાન મેટ્રો લાઇન ટૂ-એ, મેટ્રો-સેવન લાઇન-નાઈન ફેઝ-વન પર મેટ્રો રેલ સવારે ૬.૩૦ વાગ્યે શરૂ થશે. આ ખાસ બ્લોકથી ટેકનિકલ ટીમોને મેટ્રો રેલ શરૂ થાય તે પહેલાના સમયગાળા દરમ્યાન સિગ્નલિંગ સોફ્ટવેર માઈગ્રેશન, પરીક્ષણ અને વેલિડેશન સુરક્ષિત રીતે પૂર્ણ કરવા માટે જરૂરી અવિરત સમય પૂરો પાડશે.
લાઇન-નાઈન ફેઝ-ટૂને ચાલુ કરવા જરૂરી પરીક્ષણો
મેટ્રો લાઇન-નાઈનના ફેઝ-ટૂ ના સ્પીડ ટેસ્ટ માટે જરૂરી સિગ્નલિંગ સોફ્ટવેર હવે ઉપલબ્ધ છે, જે પરીક્ષણ અને કમિશનિંગ પ્રક્રિયામાં આગામી તબક્કા સુધી લઈ જવા માટે પર્યાપ્ત છે. લાઇન-નાઈન ફેઝ-ટૂ હાલની મેટ્રો લાઇન ટૂ-એ, સેવન અને લાઇન નાઈન ફેઝ-વન સાથે સીમલેસ રીતે સંકલિત થશે, તેથી નવા તબક્કાની સિગ્નલિંગ સિસ્ટમને હાલના ઓપરેશનલ નેટવર્ક સાથે ચકાસવી અને માન્ય કરવી જરૂરી છે.
આ પ્રક્રિયામાં ચારકોપ ડેપો ખાતે ઓપરેશન કંટ્રોલ સેન્ટર (ઓસીસી) દ્વારા સિગ્નલિંગ સોફ્ટવેરનું નિયંત્રિત સ્થળાંતર અને પરીક્ષણ કરવામાં આવશે. હાલની લાઇનો પર મુસાફરોની સેવાઓ નિયમિત કલાકો સુધી ચાલી રહી હોવાથી આવા મહત્ત્વપૂર્ણ ટેક્નિકલ પરીક્ષણો ફક્ત નિયંત્રિત સમયગાળા દરમ્યાન જ કરી શકાય છે, જ્યારે મુસાફરોની સેવાઓ ઉપલબ્ધ ન હોય. તેથી આ ખાસ સવારના બ્લોકમાં નિર્ધારિત સલામતી અને સંચાલન ધોરણો અનુસાર કરવામાં આવવાના છે.
પ્રતીકાત્મક તસવીર