Tue Oct 06 2026

Logo

પ્રાણીબાગમાં શિવસેનાના પૅંગ્વિન સામે ભાજપનો સિંહ

2026-07-18 08:33:41
Author: Sapna Desai
પ્રાણીબાગમાં શિવસેનાના પૅંગ્વિન સામે ભાજપનો સિંહ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ભાયખલાના વીરમાતા જિજાભાઈ ભોસલે બોટનિકલ ઉદ્યાન અને ઝૂ (પ્રાણીબાગ) હાલ ચર્ચાનો વિષય બન્યો છે. પ્રાણીબાગમાં ગુજરાતથી સિંહ લાવવાના ભાજપ જોરદાર પ્રયાસ કરી રહ્યું છે. આ દરમ્યાન મુંબઈના મેયરે ઉદ્ધવની શિવસેના પર રાજકીય કટાક્ષ કરતા કહ્યું હતું કે તેઓ પૅંગ્વિન લાવ્યા હતા તો અમે સિંહ લાવશું.

વરલીના ધારાસભ્ય આદિત્ય ઠાકરેએ મુંબઈ પ્રાણીસંગ્રહાલયમાં પૅંન્ગ્વિન લાવવાના પ્રસ્તાવને સમર્થન આપ્યું હતું, જે દેશનું એકમાત્ર પ્રાણી સંગ્રહાલય છે જ્યાં પૅંગ્વિન છે. શુક્રવારે મેયરે જણાવ્યું હતું કે ગુજરાતના સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયથી સિંહ લાવવામાં આવવાના છે, જે એક્સચેન્જ પ્રક્રિયા હેઠળ રહેશે.  વીરમાતા જીજાબાઈ ભોસલે બોટનિકલ ગાર્ડન અને પ્રાણીસંગ્રહાલયમાં સિંહની જગ્યા તૈયાર હોવા છતાં ચાર વર્ષથી ખાલી છે તે જાણ્યા પછી તેઓેએ આ પ્રસ્તાવને પુનર્જીવિત કરવાનો નિર્ણય કર્યો હતો. એક્સચેન્જ પ્રક્રિયા હેઠળ જરૂરી મંજૂરીઓ મેળવવા માટે પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

પ્રાણી સંગ્રહાલયના સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે તેઓએ સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયને જાણ કરી છે કે તેઓ સિંહોની જોડી માટે ત્રણ જોડી કેપ્યુચિન વાંદરાઓ આપવા  ઇચ્છુક છે અને ગુજરાત પ્રાણી સંગ્રહાલયના પ્રતિસાદની રાહ જોઈ રહ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓ યુવાન સિંહોને હસ્તગત કરવા આતુર છે, જેથી  ભાયખલા પ્રાણીસંગ્રહાલયમાં તેમનું સંવર્ધન કરી શકાય અને અહીં તેમની વસ્તી વધારવામાં મદદ મળી શકે. 

કેપ્યુચિન વાંદરાઓની ખરીદીમાં લગભગ ૭૦-૮૦ લાખ રૂપિયાનો ખર્ચ થવાની ધારણા છે. અધિકારીઓને આશા છે કે વર્ષના અંત સુધીમાં સિંહો આવી શકે છે. ગુજરાત પ્રાણી સંગ્રહાલય બદલામાં પ્રાણીઓની માગ કરી રહ્યું છે, પરંતુ ભૂતકાળમાં ભાયખલા પ્રાણી સંગ્રહાલયના સત્તાવાળાઓએ માગણી કરી હતી કે સિંહોને દાનમાં આપવામાં આવે. 

આ પહેલી વખત નથી જયારે મુંબઈમાં એશિયાટિક સિંહ લાવવાના પ્રયાસ કરવામાં આવ્યા હોય. આ અગાઉ જાન્યુઆરી ૨૦૨૫માં પણ ભાયખલા પ્રાણી સંગ્રહાલયે ઔપચારિક રીતે ગુજરાતના મુખ્ય મુખ્ય વન સંરક્ષકને પત્ર લખીને દાન તરીકે એશિયાટિક સિંહોની જોડીની માંગણી કરી હતી. અગાઉના પ્રસ્તાવમાં પણ અડચણો આવી હતી. એક પ્રસંગે સક્કરબાગે  સિંહના બદલામાં ઝેબ્રાની માગણી કરી હતી, પરંતુ મુંબઈ પ્રાણીસંગ્રહાલયમાં ઝેબ્રા ન હોવાથી આ પ્રસ્તાવ આગળ વધી શકયો નહોતો. 

આ અગાઉ ૨૦૧૯માં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ ગુજરાતના મુખ્ય પ્રધાનના કાર્યાલયને પત્ર લખીને મુંબઈ માટે સિંહોની વિનંતી કરી હતી, પરંતુ તેમાં પણ આગળ કશું થયું નહોતું.

ર્પૅંંગ્વિનનો ફૂલ્યો-ફાલ્યો પરિવાર
પૅંગ્વિનના પરિવારમાં ચાર નવા સભ્યોનો ઉમેરો થયો છે. એ સાથે રાણીબાગમાં  પૅંગ્વિનનો પરિવાર હવે પચ્ચીસનો થઈ ગયો છે.  છેલ્લા ૧૦ મહિનામાં ચાર બચ્ચાનો જન્મ થયો છે, જેમાં બે માદા અને બે નર પૅંગ્વિનનો સમાવેશ થાય છે. બચ્ચાના  નામ મિલી, બેલા, પીકાચો અને લો રાખવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.  જુલાઈ ૨૦૧૬ની સાલમાં દક્ષિણ કોરિયાથી લાવવામાં આવેલા આઠ હમબૉલ્ટને માર્ચ ૨૦૧૭માં મુંબઈગરાને જોવા માટે મૂકવામાં આવ્યા હતા, ત્યારથી તેની સંખ્યામાં સતત વધારો થતો ગયો છે.