Tue Apr 28 2026

Logo

રાણીબાગમાં આવેલા મેયર બંગલાના રીનોવેશન માટે ૩.૪૮ કરોડનો ખર્ચ પાલિકા કરશે

2026-04-28 08:53:00
Author: Sapna Desai
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈના પ્રથમ નાગરિક કહેવાતા મુંબઈના મેયરનું સત્તાવાર નિવાસસ્થાન ભાયખલામાં વીરમાતા જિજાબાઈ ભોંસલે બોટનિકલ ગાર્ડન અને પ્રાણીસંગ્રહાલયમાં આવેલું છે. લગભગ ચાર વર્ષ સુધી આ નિવાસસ્થાન બંધ રહ્યા બાદ તેનું નવીનીકરણ અને સમારકામનું કામ કરવામાં આવવાનું છે. મુંબઈ મહાનગરપાલિકાએ આ પ્રોજેક્ટ માટે લગભગ ૩.૪૮ કરોડનો ખર્ચ પ્રસ્તાવિત કર્યો છે અને અંતિમ મંજૂરી માટે તેનો પ્રસ્તાવ સ્થાયી સમિતિમાં  રાખ્યો છે.

હેરિટેજ શ્રેણીમાં આવતો ૧૯૩૧માં બાંધવામાં આવેલો આ બંગલો ૬,૦૦૦ ચોરસ ફૂટમાં ફેલાયેલો છે અને સાગના લાકડાના બાંધકામ અને  પરંપરાગત ટાઈલ્સવાળી છત ધરાવે છે. આ બંગલાનું પુન:સ્થાપનનું કાર્ય ચાલી રહ્યું છે. પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું કે મેયરની નિમણૂક પહેલા પુન:સ્થાપનાના કામની તૈયારી કરવામાં આવી હતી. જોકે પદ  સંભાળ્યા બાદ મેયર રિતુ તાવડેએ બંગલાની મુલાકાત લીધી હતી અને અમુક સમારકામ સૂચવ્યા હતા, જેેનો પાછળથી આ યોજનામાં સમાવિષ્ટ કરવામાં આવ્યો હતો.

યોજનામાં જે સુધારા કરવામાં આવ્યા હતા, તેમાં આંતરિક ફર્નિચરનું સંપૂર્ણ નવીનીકરણ, નવી ટાઈલ્સ અને ફિક્સર સાથે બધા બાથરૂમનું નવીનીકરણ અને પહેલા અને ગ્રાઉન્ડ ફ્લોર પર વધારાના બાથરૂમનો ઉમેરવાના કામનો સમાવેશ થાય છે. ગ્રાઉન્ડ ફ્લોરના લેઆઉટમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં એક હૉલને ડ્રોઈંગ રૂમમાં રૂપાંતરિત કરવામાં આવશે અને એક વધારાનો બેડરૂમ ઉમેરવામાં આવશે. સાથે સંપૂર્ણ ઈટાલિયન માર્બલ ફ્લોરિંગ પણ ઉમેરવામાં આવશે. રસોડું સંપૂર્ણપણે આધુનિક બનાવવામાં આવશે જ્યારે હેરિટેજ શૈલીના ઝુમ્મર લાઇટિંગ ફિક્સર બેસાડવામાં આવશે, જેથી બંગલાના કલાસિક દેખાવને જાળવી રાખવામાં મદદ મળશે.


પાલિકા પ્રશાસને સૌથી ઓછી બોલી લગાવનાર મેસર્સ બ્લુકોન એન્જિનિયરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રાઈવેટ લિમિટેડ કંપનીને કૉન્ટ્રેક્ટર આપવાનો પ્રસ્તાવ મુકયો છે. વર્ક ઓર્ડર બહાર પડયા બાદ પાંચ મહિનામાં નવીનીકરણનું કામ પૂર્ણ થવાની અપેક્ષા છે.