(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: છેલ્લા એક અઠવાડિયાથી વરસાદે મુંબઈમાં બ્રેક લીધો છે પણ જુલાઈના પહેલાં અઠવાડિયામાં વરસી ગયેલા મુશળધાર વરસાદને પગલે મુંબઈમાં લેપ્ટોસ્પાયરોસિસની સાથે જ મચ્છરોને કારણે થતા મલેરિયા અને ડેન્ગ્યૂના કેસમાં મોટો વધારો નોંધાયો છે.
મુંબઈમાં ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે મલેરિયા, ડેન્ગ્યૂની સાથે જ લેપ્ટોના કેસમાં વધારો જણાયો છે. પાલિકાના આરોગ્ય ખાતાના જણાવ્યા મુજબ ગયા વર્ષે જાન્યુઆરીથી ૧૪ જુલાઈ સુધીમાં મલેરિયાના ૩,૧૧૫ કેસ નોંધાયા હતા, તેની સામે આ વર્ષે આ સમયગાળામાં મલેરિયાના ૩,૮૬૧ કેસ નોંધાયા છે. ડેન્ગ્યૂના ગયા વર્ષે જાન્યુઆરીથી ૧૪ જુલાઈ સુધીમાં ૭૩૪ કેસ સામે આ વર્ષે આ સમયગાળામાં તેના ૯૩૮ કેસ નોંધાયા છે. લેપ્ટોના ગયા વર્ષે ૧૩૬ કેસ સામે આ વર્ષે ૧૫૭ કેસ નોંધાયા છે.
સ્વાઈનફ્લુના ગયા વર્ષે ૪૨ કેસ સામે આ વર્ષે જાન્યુઆરીથી જુલાઈ સુધીમાં ૧૧૩ કેસ નોંધાયા છે. જોકે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ગૅસ્ટ્રો અને ચિકનગુનિયાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે.
પાલિકાના જણાવ્યા મુજબ પાણીજન્ય બીમારી તથા મચ્છરોના કરડવાથી થતા મલેરિયા અને ડેન્ગ્યૂને રોકવા માટે જૂન અને જુલાઈ મહિનામાં સ્પેશિયલ ક્ધસ્ટ્રકશન ડ્રાઈવ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જેમાં કુલ ૩,૦૦૦ ક્ધસ્ટ્રકશન સાઈટની તપાસ કરીને ૫૪,૭૬૩ મજૂરના લોહીના નમૂના લેવામાં આવ્યા હતા, જેમાંથી ૩૭ મજૂરને મરેલિયા થયો હોવાનું જણાઈ આવ્યું હતું.
પહેલી જૂન ૨૦૨૬થી ૧૪ જુલાઈ ૨૦૨૬ સુધીના સમયગાળામાં સર્વેક્ષણ કરવામાં આવેલા ઘરની સંખ્યા ૧૦,૬૯,૪૧૩, સર્વેક્ષણ કરવામાં આવેલી લોકસંખ્યા ૩૬,૮૧,૬૮૩, ભેગા કરવામાં આવેલા લોહીના નમૂના ૧,૦૦,૪૭૨ હતા. આ દરમ્યાન મુંબઈના જુદા જુદા વિસ્તારમાં ૯૬ હેલ્થ કેમ્પ યોજવામાં આવ્યા હતા. મલેરિયાને નિયંત્રણમાં લાવવા માટે ૪૯,૫૯૯ પ્રજનન સ્રોતની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી ૫,૩૪૯ ઍનોફિલીસ મચ્છરના ઉત્પત્તિનાં સ્થળ મળી આવ્યાં હતાં. ડેન્ગ્યૂને નિયંત્રણમાં રાખવા કરવામાં આવેલા ઈન્સ્પેકશન દરમ્યાન એડિસ મચ્છરોના ઉત્પત્તિની સંખ્યા ૨૨,૦૪૧ મળી આવ્યા હતા. ૪,૯૪,૫૫૮ ઝૂંપડામાં ઘુમાડો છોડવામાં આવ્યો હતો.