મુંબઈઃ મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનો અને પશ્ચિમ રેલવેના વિવિધ ઉપનગરીય સ્ટેશનો પર પ્લેટફોર્મ, ફૂટ ઓવરબ્રિજ અને સીડીઓ પર રખડતા કૂતરાઓનો ત્રાસ મુસાફરો માટે સતત ચિંતાનો વિષય બનતો રહ્યો છે. પીક અવર્સ દરમિયાન કૂતરાઓ કરડવાના કે મુસાફરો પાછળ દોડવાના કારણે અકસ્માત અને નાસભાગનું જોખમ વધી જાય છે. આ સમસ્યાને ગંભીરતાથી લઈને પશ્ચિમ રેલવે પ્રશાસને એક મોટો નિર્ણય લીધો છે. હવે મુંબઈ ડિવિઝનના તમામ સ્ટેશનો પર રખડતા કૂતરાઓને નિયંત્રિત કરવા માટે સ્ટેશન અધિકારીઓને વ્યક્તિગત સ્તરે સીધી જવાબદારી સોંપવામાં આવી છે.
સ્ટેશન અધિકારીઓને સોંપાઈ સ્પેશિયલ ડ્યુટી:
પશ્ચિમ રેલવેના નિર્દેશ મુજબ, દરેક સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટ અને સ્ટેશન મેનેજરને પોતાના વિસ્તારમાં કૂતરાઓની સંખ્યા પર નજર રાખવા અને પરિસ્થિતિ નિયંત્રણમાં રાખવા માટે 'નોડલ રિસ્પોન્સિબિલિટી' આપવામાં આવી છે.
રોજિંદુ મોનિટરિંગ: અધિકારીઓ પ્લેટફોર્મ, ટિકિટ કાઉન્ટર, બ્રિજ અને પરિસરમાં કૂતરાઓના જમાવડા પર નિયમિત દેખરેખ રાખશે.
મ્યુનિસિપલ ઓથોરિટી સાથે સંકલન: રેલવે પ્રશાસને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અન્ય સ્થાનિક પાલિકાઓના ડોગ કંટ્રોલ ડિપાર્ટમેન્ટ સાથે સીધો સંપર્ક સાધીને સંયુક્ત અભિયાન ચલાવવાની સૂચના આપી છે.
પ્રાણી અધિકારો (Animal Welfare Guidelines)ના કાયદાઓનું સંપૂર્ણ પાલન કરીને રખડતા કૂતરાઓનું રસીકરણ, નસબંધી અને તેમને સ્ટેશનથી દૂર સલામત સ્થળે ખસેડવાની પ્રક્રિયા હાથ ધરાશે.
મુસાફરોને ખાવાનું ન ખવડાવવા અપીલ:
રેલવે અધિકારીઓના ધ્યાનમાં આવ્યું છે કે ઘણા મુસાફરો અને ફેરિયાઓ પ્લેટફોર્મ પર જ કૂતરાઓને ખાવાનું આપે છે, જેના કારણે તેઓ પ્લેટફોર્મ અને ટ્રેનના દરવાજા પાસે અડિંગો જમાવી દે છે. રેલવે હવે પ્લેટફોર્મ પરિસરમાં કૂતરાઓને અનિયંત્રિત રીતે ખાવાનું ન નાખવા અંગે મુસાફરોમાં જાગૃતિ ફેલાવશે.
મુસાફરોની સુરક્ષા પ્રથમ પ્રાથમિકતા:
લાખો દૈનિક પ્રવાસીઓની અવરજવર ધરાવતા ચર્ચગેટથી વિરાર-દહાણુ સુધીના પશ્ચિમ રેલવે કોરિડોર પર મુસાફરો વિના કોઈ ભયે સુરક્ષિત રીતે અવરજવર કરી શકે તે માટે આ પગલું ભરવામાં આવ્યું છે.