(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈની 'લાઈફલાઈન' કહેવાતી લોકલ ટ્રેનમાં લોકો મોતની સવારી કરવા મજબૂર બન્યા છે, તેનો વધુ એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં અનેક મહિલાઓ ખચાખચ ભરેલી લોકલ ટ્રેનના દરવાજા પર બહાર લટકીને મુસાફરી કરતી જોવા મળે છે. આ દ્રશ્ય જોઈને લોકોના મોંઢામાંથી બૂમ નીકળી ગઈ હતી તો અમુક લોકોની મજબૂરી પર પણ સવાલો ઊઠાવ્યા હતા.
આ વીડિયો સોશિયલ મીડિયા પર એક યુઝરે "નારી શક્તિ કો નમન" કેપ્શન સાથે શેર કર્યો હતો. વીડિયોમાં મહિલાઓ પોતાનો જીવ જોખમમાં મૂકીને ટ્રેન પકડવા મજબૂર દેખાય છે. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતા જ લોકોની આ બાબતે મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી હતી.
એક તરફ લોકોએ આ મહિલાઓની હિંમત અને કામ પ્રત્યેની નિષ્ઠાને બિરદાવી હતી. એક યુઝરે લખ્યું કે, ઓછા પગારમાં પણ આ છોકરીઓ આત્મવિશ્વાસ અને પ્રામાણિકતા સાથે કામ પર જાય છે, તે ખરેખર પ્રેરણાદાયી ગણાવી હતી. તો બીજી તરફ મોટા ભાગના લોકોએ આને બહાદુરી નહીં પરંતુ તંત્રની નિષ્ફળતા ગણાવી હતી.
લોકોનો ગુસ્સો એ વાત પર હતો કે આવા જોખમી દ્રશ્યોને 'સ્પિરિટ ઓફ મુંબઈ' કહીને તેના ઉપર હસી દેવાય છે, જ્યારે હકીકતમાં આ એક મજબૂરી છે. એક યુઝરે લખ્યું, "આ બહાદુરી છે કે મૂર્ખામી? જો અકસ્માત થશે તો એ જ લોકો તેને મૂર્ખામી કહેશે. મુંબઈના રેલવે નેટવર્કમાં સુધારાની તાતી જરૂર છે." તો બીજા એક યુઝરે આકરી ટીકા કરતા કહ્યું, "ડેડ રેલવે સિસ્ટમ ક્યારેય મુસાફરોની સુરક્ષા વિશે વિચારતી જ નથી."
नारी शक्ति को नमन 🙏🏻 pic.twitter.com/YGG6BM8h9M
— pallavi (@pallvika_) August 23, 2026
સૌથી વધુ વાયરલ થયેલી કમેન્ટે બધાનું ધ્યાન ખેંચ્યું હતું, જેમાં લખ્યું હતું કે "મજબૂરી ઈન્સાન કો સબ સિખા દેતી હૈ. ટ્રેન એક કે બાદ દૂસરી મિલ જાયેગી, પર જિંદગી દૂસરી નહીં." લોકોએ કહ્યું કે પેટનો ખાડો પૂરવા માટે લોકો જીવનું જોખમ ઉઠાવે છે, પરંતુ તંત્રએ એવી વ્યવસ્થા કરવી જોઈએ કે કોઈને આવું કરવું જ ન પડે.
આ ઘટનાએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે મુંબઈની લાઈફલાઈન હવે મુંબઈગરાઓ માટે મોતની સવારી બની રહી છે, ખાસ કરીને પીક અવર્સમાં જ્યારે ટ્રેનમાં પગ મૂકવાની પણ જગ્યા નથી હોતી.
તમારી જાણ ખાતર જણાવી દઈએ કે મુંબઈની લોકલ ટ્રેનમાં પીકઅવર્સમાં સૌથી વધુ લોકો મુસાફરી કરે છે. મુંબઈ સબર્બન રેલવેમાં સરેરાશ રોજના 70 લાખથી વધુ પ્રવાસી ટ્રાવેલ કરે છે, પરંતુ હજુ પણ પીકઅવર્સમાં જીવના જોખમે ટ્રાવેલ કરનારા પ્રવાસીઓનો કોઈ તોટો નથી એ હકીકત છે, એમ પ્રવાસી સંગઠને જણાવ્યું હતું.