Thu Sep 10 2026

Logo

લોકલ ટ્રેનમાં મહિલા સાથે પ્રવાસીઓએ કરી 'ગેરવર્તણૂક': પોલીસે મહિલા અને બાળકનો બચાવ કર્યો

2026-08-02 19:03:19
Author: Mumbai Samachar Team
લોકલ ટ્રેનમાં મહિલા સાથે પ્રવાસીઓએ કરી 'ગેરવર્તણૂક': પોલીસે મહિલા અને બાળકનો બચાવ કર્યો

ChatGPT Image


(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનમાં એક મહિલા પ્રવાસી અને તેના માસુમ બાળક સાથે કથિત ગેરવર્તણૂકની ઘટના ઘટી છે. ચર્ચગેટથી વિરાર જતી ફાસ્ટ લોકલના પ્રવાસ દરમિયાન અમુક પુરુષ પ્રવાસીઓએ મહિલાની ઘેરાબંધી કરી હતી એટલું જ નહીં, તેની સાથે બોલાચાલી કરી હતી. 

ઘટનાની જાણ થતા જ રેલવે પોલીસ દ્વારા બોરીવલી સ્ટેશન પર બચાવ કરી મહિલા અને તેના બાળકને સુરક્ષિત નીચે ઉતારવામાં આવ્યા હતા. ઘટનાની વિગતો અનુસાર આ ઘટના 31 જુલાઈએ રાતે લગભગ 11 વાગ્યે બની હતી. ચર્ચગેટથી વિરાર જતી ફાસ્ટ લોકલ ટ્રેનના ફર્સ્ટ કલાસ કોચમાં મહિલા કોચનો અડધો ભાગ જનરલ કોચમાં બદલાઈ જાય છે, જ્યાં પુરુષ પ્રવાસીઓને પણ બેસવાની પરવાનગી મળે છે. મહિલા આ જાણકારીથી અજાણ હતી એટલે તે આ કોચમાં બેસી ગઈ હતી. 

દાદર સ્ટેશનથી ટ્રેનમાં ચડ્યા બાદ કોચમાં મોટી સંખ્યામાં પુરુષ પ્રવાસીઓને જોઈને મહિલાએ વિરોધ દર્શાવતા અમુક પ્રવાસીઓ સાથે બોલાચાલી થતા સમગ્ર વાતચીત વિવાદમાં પરિણમી હતી. કેટલાક પુરુષોએ મહિલાને ઘેરીને તેની મઝાક ઉડાવી હતી અને તેને બેસવાની જગ્યા પણ આપી નહોતી. મહિલા પોતાના બાળક સાથે સમગ્ર મુસાફરી દરમિયાન અસ્વસ્થ બની ગઈ હતી. 

મળતી વિગતો અનુસાર તે ડબ્બામાં હાજર મહિલા પોલીસ કોન્સ્ટેબલે મામલો શાંત પાડવાની કોશિશ કરી છતાં પ્રવાસીઓએ તેમની વાત નહીં માનતા વિવાદ વકરતા રેલવે કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી ત્યાર બાદ બોરીવલી સ્ટેશન પર રેલવે પોલીસે મહિલા અને તેના બાળકને સુરક્ષિત ઉતાર્યા અને તેમને મીરારોડ સુધી મહિલા કોચમાં બેસાડીને રવાના કર્યા હતા.