Thu Jul 23 2026

Logo

સીટને મુદ્દે થયેલા વિવાદમાં ચાલતી ટ્રેનમાં મારામારી: ત્રણ પ્રવાસી જખમી

2026-07-16 18:57:43
Author: Yogesh C. Patel
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સેન્ટ્રલ રેલવેની પરેલથી અંબરનાથ જતી લોકલ ટ્રેનના લગેજ કમ્પાર્ટમેન્ટમાં સીટ પર બેસવાને મામલે થયેલા વિવાદમાં ચાર પ્રવાસી વચ્ચે જોરદાર મારામારી થઈ હતી, જેને પગલે ત્રણને ગંભીર ઇજા થઈ હતી. આ મારામારી દરમિયાન કોઈ તીક્ષ્ણ હથિયારનો ઉપયોગ થયો નહોતો, માત્ર હાથમાં પહેરેલો કડો વાગવાથી પ્રવાસીને માથામાં ઇજા થઈ હોવાની સ્પષ્ટતા મધ્ય રેલવેએ કરી હતી. ગયા મહિને જ વેસ્ટર્ન રેલવેની નાલાસોપારા ટ્રેનમાં ચાકુના ઘા ઝીંકી એક પ્રવાસીની નિર્મમ હત્યા કરવામાં આવ્યાની ઘટના બની હોવાથી અંબરનાથ ટ્રેનમાં મારામારીના બનાવથી પ્રવાસીઓમાં ભય ફેલાવા લાગ્યો હતો.

કલ્યાણ ગવર્નમેન્ટ રેલવે પોલીસ (જીઆરપી)ના સિનિયર ઈન્સ્પેક્ટર અર્ચના દુસાનેએ જણાવ્યું હતું કે ઘટના બુધવારની મધરાતે 12.30 વાગ્યાની આસપાસ અંબરજનાથ જતી ટ્રેનમાં ડોમ્બિવલી-ઠાકુર્લી સ્ટેશન વચ્ચે બની હતી. લગેજ કમ્પાર્ટમેન્ટમાં ચડેલા ચાર પ્રવાસી વચ્ચે સીટ પર બેસવાને મામલે વિવાદ થયો હતો.મારામારીમાં ઘવાયેલા પ્રવાસીઓની ઓળખ રાજુ વાઘે (19), સાહિલ ખંદારે (19) અને પ્રિતેશ કનોજિયા (31) તરીકે થઈ હતી.

મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સ્વપ્નિલ નીલાએ જણાવ્યું હતું કે પરેલથી અંબરનાથ જતી ટ્રેનના લગેજ કમ્પાર્ટમેન્ટમાં સીટ પર બેસવાનો વિવાદ મારામારીમાં પલટાયો હતો. ઘટનાની જાણ થતાં જીઆરપી અને રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ)ના જવાનો ટ્રેન પહોંચે તે પહેલાં કલ્યાણ સ્ટેશને તહેનાત હતા.ચાર જણ વચ્ચે આ વિવાદ થયો હતો, જેમાંથી બે પ્રવાસી ઠાકુર્લી સ્ટેશને ઊતરી ગયા હતા. કલ્યાણ સ્ટેશને ઊતરેલા બે પ્રવાસીને પ્લૅટફોર્મ પર જ પ્રાથમિક ઉપચાર પછી કલ્યાણની રુક્મિણીબાઈ હૉસ્પિટલમાં લઈ જવાયા હતા. એક પ્રવાસીને માથામાં કડો વાગવાથી ગંભીર ઇજા થઈ હતી, જેને પગલે વધુ સારવાર માટે તેને મુંબઈની સાયન હૉસ્પિટલમાં દાખલ કરાયો હોવાનું સ્વપ્નિલ નીલાએ જણાવ્યું હતું.

ગયા મહિનાના છેલ્લા સપ્તાહમાં પશ્ર્ચિમ રેલવેની નાલાસોપારા જતી ટ્રેનમાં મલાડ-કાંદિવલી દરમિયાન બનેલી ભયાનક ઘટનામાં એક યુવાને જીવ ગુમાવ્યો હતો. વરસાદ પડતો હોવાથી ટ્રેનનો દરવાજો બંધ કરવાને મામલે વિવાદ થતાં યુવાન પર ચાકુથી હુમલો કરાયો હતો. આ ઘટના હજુ વિસરાઈ નથી ત્યાં અંબરનાથની ઘટનાએ ચર્ચા જગાવી હતી.આ પ્રકરણે સેન્ટ્રલ રેલવેએ ચોખવટ કરી હતી કે અંબરનાથની ટ્રેનમાં થયેલી મારામારી દરમિયાન તીક્ષ્ણ હથિયાર કે કોઈ પણ પ્રકારના શસ્ત્રનો ઉપયોગ થયો નથી. એક પ્રવાસીએ હાથમાં પહેરેલો કડો મારામારી દરમિયાન બીજા પ્રવાસીના માથામાં વાગ્યો હતો, જેને કારણે તેને લોહી નીકળ્યું હતું અને ગંભીર ઇજા થઈ હતી.

કુર્લા સ્ટેશને લાકડી લઈને  દોડતો પ્રવાસી તાબામાં

મુંબઈ: મધ્ય રેલવેના કુર્લા સ્ટેશને લાકડી દઈને આડેધડ દોડતા પ્રવાસીને જીઆરપીએ તાબામાં લીધો હતો. પકડાયેલા શકમંદની ઓળખ સાજિદ અબ્દુલ કરીમ ચૌધરી (49) તરીકે થઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ ચૌધરી માનસિક રીતે અસ્થિર હોવાનું પ્રથમદર્શી જણાય છે. બુધવારની રાતે તે મોટી લાકડી સાથે પ્લૅટફોર્મ પર દોડતો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ચૌધરીના આવા કૃત્યથી અન્ય પ્રવાસીઓમાં ડર ફેલાયો હતો. પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી ચૌધરીને તાબામાં લેવાયો હતો. આ મામલે તપાસ ચાલી રહી હોવાથી જરૂરી કાનૂની પગલાં લેવામાં આવશે, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઈ)

ચર્ચગેટ-વિરાર લોકલમાં મારામારીનો વીડિયો વાયરલ

મુંબઈ: મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનમાં ફરી એક વાર પ્રવાસીઓ વચ્ચે છૂટા હાથની મારામારીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ચર્ચગેટથી વિરાર જતી ટ્રેનનો હોવાનું કહેવાય છે. જનરલ ડબ્બામાં અમુક યુવાનો મારામારી કરતા અને લાત ફટકારતા નજરે પડે છે. જોરદાર મારામારીના આ વીડિયો અંગે રેલવે પોલીસ તપાસ કરી રહી છે. જોકે વીડિયો કયા દિવસનો છે એ જાણી શકાયું નથી. વળી, વીડિયોમાં નજરે પડતી મારામારી અંગે રેલવે દ્વારા કોઈ અધિકૃત માહિતી મળી શકી નથી.