Sun Sep 06 2026

Logo

પાવરફુલ મુંબઈ સામે શનિવારે દિલ્હીનો હોમગ્રાઉન્ડ પર મુકાબલો, વરસાદની સંભાવના

2026-04-03 22:23:20
Author: Ajay Motiwala
પાવરફુલ મુંબઈ સામે શનિવારે દિલ્હીનો હોમગ્રાઉન્ડ પર મુકાબલો, વરસાદની સંભાવના

નવી દિલ્હીઃ અહીં શનિવાર, ચોથી એપ્રિલે મુંબઈ ઇન્ડિયન્સ (MI) અને યજમાન દિલ્હી કૅપિટલ્સ (DC) વચ્ચે મૅચ (બપોરે 3.30 વાગ્યાથી) રમાશે અને એમાં બે ગુજરાતી કૅપ્ટન સામસામે રમશે. એક તરફ હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં મુંબઈની ટીમ ગયા રવિવારે જીત્યા બાદ વિજયની પરંપરા ચાલુ રાખવા કમર કસશે ત્યાં બીજી તરફ અક્ષર પટેલની કૅપ્ટન્સીમાં દિલ્હીની ટીમ પહેલી મૅચ મહા મહેનતે જીત્યા બાદ હવે શનિવારે (SATURDAY) વધુ ક્ષમતાથી રમીને આસાન વિજય મેળવવા મક્કમ બનશે.

મુંબઈએ રવિવારે વાનખેડેમાં કોલકાતાને પાંચ બૉલ બાકી રાખીને છ વિકેટે હરાવ્યું હતું તો દિલ્હીએ બુધવારે લખનઊ સામે 26 રનમાં ચાર વિકેટ ગુમાવ્યા પછી છેવટે છ વિકેટના ભોગે મૅચ જીતી લીધી હતી.

શનિવારની મુંબઈ-દિલ્હી મૅચમાં વરસાદ વિલન બનવાની સંભાવના છે. મુંબઈ રવિવારે 14 વર્ષે સીઝનની પ્રથમ મૅચ જીતવામાં સફળ થયું હતું. સ્પિન-ઑલરાઉન્ડર મિચલ સૅન્ટનર મુંબઈની ટીમ સાથે જોડાઈ ગયો છે.

દિલ્હી સામે મુંબઈનો 2022ના વર્ષની શરૂઆત બાદ સારો રેકૉર્ડ છે. સાતમાંથી પાંચ મૅચમાં મુંબઈનો અને બે મૅચમાં દિલ્હીનો વિજય થયો છે.

શનિવારે બીજી કઈ મૅચ રમાશે?

અમદાવાદમાં શનિવારે (સાંજે 7.30 વાગ્યાથી) નવી સીઝનની પહેલી મૅચ રમાશે જેમાં યજમાન ગુજરાત ટાઇટન્સનો મુકાબલો રાજસ્થાન રૉયલ્સ સામે થશે. યાદ અપાવવાની કે ગયા વર્ષની આઇપીએલમાં રાજસ્થાનના વૈભવ સૂર્યવંશીએ 14 વર્ષની ઉંમરે 35 બૉલમાં ભારતીય તરીકેની ફાસ્ટેસ્ટ સદી ગુજરાત સામે જ ફટકારી હતી.